Comments

ગુજરાતીઓના સામાજિક આરોગ્ય માટે ગંભીર ચેતવણી

ગુજરાતની ગરબે ઘૂમતી નાર હાથના હિલોળે અને પગની થાપે લળી લળી ગીતો ગાય છે. ‘નાગણીઓનો રાફડો કેસરિયા લાલ… મેલો તમારા સાપને, રમવા મેલો કેસરિયા લાલ…. પણ આ સાપ હવે, ગુજરાતનાં શહેરોમાં ભરડો દઈ રહ્યો છે અને રમવાનું નોતરું જીવન હણી લે તેવું વિકરાળ બની ગયું છે. ડર્બનમાં યોજાયેલ ૧૪મી આંતરરાષ્ટ્રિય એઈડ્ઝ પરિષદે ભારતની વધતી વસ્તી અને ગરીબી ભોગવતી ગીચ શહેરી વ્યવસ્થા સામે લાલબત્તી ધરી જણાવ્યું છે કે, ભારતની સરકાર અને સમાજ, બદલાતી પરિસ્થિતિનો પડકાર ઝીલવામાં જરા પણ સમય ગુમાવશે તો એચ.આઈ.વી. વાઇરસથી ગ્રસ્ત વિશ્વના કુલ સમુદાયમાંથી અડધોઅડધ લોકો ભારતનાં હશે! પરિષદમાં ઉપસ્થિત ભારતીય નિષ્ણાત તબીબોએ દેશમાં રહેલ એઈડગ્રસ્ત સમુદાયની સ્થિતિનો એકરાર કરતાં કબૂલ્યું કે ભારતની કુલ વસ્તીનો પાંચમો ભાગ આજે એચ.આઈ.વી. વાઇરસથી જોખમાય તેવી નાજુક સ્થિતિએ પહોંચી ગયો છે.

ભૌમિતિક દરે ફેલાતા એચ.આઈ.વી.ના વાઇરસની અસર આફ્રિકાના દેશોમાં ૨૭ ટકા સુધી પહોંચી છે. તો ભારતમાં મહારાષ્ટ્ર અને મણિપુરમાં ૧.૩ ટકા વસ્તીમાં નોંધાઈ છે. ચોંકાવનારી માહિતી તો એ છે કે, ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે સુરત, તે પછી વડોદરા, અમદાવાદ અને ભાવનગર, અંકલેશ્વરની ઔદ્યોગિક શહેરી વસાહતોમાં એઈડ્ઝ આગળ પ્રસરી રહ્યો છે.
મુંબઈની સિવિલ હૉસ્પિટલમાં તાજેતરમાં એકસાથે ૩૨ દર્દીઓ ચેપી રોગના કારણે મૃત્યુ પામ્યાની વાત વર્તમાનપત્રોએ છાપી, પરંતુ ભારતીય કુટુંબવ્યવસ્થા અને સમાજજીવનના મૂલ્યનો દંભી અંચળો ઓઢી રાખેલ વહીવટી તંત્રે મૃત્યુનું કારણ ખોલ્યું નથી. આમ છતાં ડર્બન કૉન્ફરન્સમાં ડૉકટરોએ કબૂલ્યું કે ભારતમાં પ્રતિ વર્ષ ૧૧ લાખથી વધુ લોકો એઈડ્ઝના કારણે મૃત્યુ પામે છે.

જાતીય જીવનની અત્યંત સંવેદનશીલ બાબતો અંગે વ્યક્તિની ગેરસમજણો દૂર કરવી, તેની માનસિક અને શારીરિક જરૂરિયાતોને રોગગ્રસ્ત સ્થિતિથી દૂર રાખવી તેમજ આર્થિક ભીંસથી પીડાતી સ્ત્રીઓ તેમજ કુટુંબથી લાંબા સમય માટે દૂર રહેતા ડ્રાઇવરો-સેલ્સમેનો જેવા વ્યવસાયકારોને જાતીય પ્રવૃત્તિઓથી સલામત અંતરે રાખવા માર્ગદર્શન અને સાધનોની આવશ્યકતા રહે છે. આ કામ કાયદા કે સરકારી માળખા માટે દુષ્કર છે. આમ છતાં સમાજના એક અંગ તરીકે માણસ ગરીબી અથવા શારીરિક આવેશમાં કોઈ જોખમ ખેડી સામાજિક વ્યવસ્થાને હાનિ ન પહોંચાડે તે જોવું પણ જરૂરી હોઈ, રાજ્યની ૪૭ જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓએ ગુજરાતને એઈડ્ઝથી મુક્ત રાખવા હામ ભીડી છે.

જાતીયતા એ વ્યક્તિની અત્યંત નિજી બાબત હોય છે. શારીરિક મૂંઝવણ કે પીડા ભોગવતી વ્યક્તિ નાછૂટકે ડૉકટરના શરણે જાય છે. તેમ દારૂ જેવાં કેફી વ્યસનો સાથે નજીકના સંબંધ ધરાવતાં શરીર વ્યાપારનાં સ્થાનકો શોધવાનું કામ ઘણું કપરું છે. આથી પ્રજાના કલ્યાણની વાત પણ ખુલીને કહી શકાતી નથી. એટલું જ નહીં, પણ સામેની વ્યક્તિનો વિશ્વાસ સંપાદન ન થાય ત્યાં સુધી માહિતીની આપ-લે શકય બનતી નથી. આમ છતાં ડિપાર્ટમેન્ટ ફોર ઇન્ટર નેશનલ ડેવલપમેન્ટ (ડી.એફ.આઇ.ડી.)ના કાર્યક્રમ માટે તાલીમબદ્ધ કાર્યકરોએ ગુજરાતમાં પ્રસરી રહેલા એચ.આઈ.વી. વાઇરસનું પગેરું મેળવ્યું છે, જે પ્રાથમિક સફળતા બને છે.

જાતીય પ્રવૃત્તિઓને માપવા માટે કાર્યકરો પ્રથમ વિસ્તારમાં કામ કરતા ડૉકટરો અને હેલ્થ વર્કરોની મદદ લે છે અને ઉપલબ્ધ માહિતીની ચકાસણી માટે પાન-સિગારેટના ગલ્લાઓ, રિક્ષાચાલકો અને વિશેષ કરી સ્ત્રીઓની જ્યાં વધુ અવરજવર રહે છે તેવી શાકભાજીની લારીઓ અને લોટ દળવાની ઘંટીના માલિકોનો સંપર્ક કરી દૂષણના પ્રસારનું મૅપિંગ કરે છે. કાર્યક્ષેત્રના વિસ્તારમાં જે કુટુંબમાં વિધવાઓ જીવન વેંઢારે છે, તેઓની સ્ત્રીકાર્યકર મુલાકાત લે છે, સાથોસાથ ઉદ્યોગમાં કામ કરતા અને ટુકડે ટુકડે રજાઓ લેતાં કામદારોના કુટુંબજીવનની માહિતી લેવામાં આવે છે. અપરિણીત યુવકોનાં જોખમી વર્તનની વિગતો તૈયાર કરવામાં આવે છે. ટ્રક ડ્રાઈવરો ધાબા, હોટેલ કે પેટ્રોલપંપો પાસે રાત્રી પડાવ પસંદ કરે છે. આવો પડાવ વસ્તીની નજીક હોય છે ત્યાં શરીર વ્યાપારનું સાધન બનવાની તક ઝડપી લે છે.

લાંબા પુરુષાર્થ પછી રોગના મૂળની ખાતરી મળતાં એઈડ્ઝની નજીક પહોંચી ગયેલ વ્યક્તિ પાસે કાર્યકરો અત્યંત સહાનુભૂતિપૂર્વક વર્તાવ કરી ગોપનીય રીતે પ્રશ્નોની આપલે કરે છે અને એચ.આઈ.વી. અને એસ.ટી.ડી.નો ચેપ ફેલાવાની સંભાવનાઓ ધરાવતા વિસ્તારની સમગ્રતાલક્ષી વિગતોના આધારે નાગરિકોના સલામત વર્તનની રૂપરેખા તૈયાર થાય છે.
ઉપરાંત કાર્યકરો વિસ્તારમાં પ્રદર્શનો યોજવાં, ગીતો-શેરીનાટકો અને રાસ-ગરબાના કાર્યક્રમો ગોઠવવા અપરિણીત યુવક યુવતીઓ અને પરિણીત યુગલોના મેળાવડા યોજવા, જાતીય જીવન અંગે વૈજ્ઞાનિક અને મુક્ત સમજણ વધારવા પ્રયત્ન કરવો ઇત્યાદિ પ્રવૃત્તિ યોજે છે.

નાની ઉંમરે પરણીને આવેલ સ્ત્રી ઉપર સાસુ-સસરા ત્રાસ ગુજારતાં હોય, પુરુષ દારૂના વ્યસનનો ભોગ બનેલ હોય તેમજ વિધવા સ્ત્રી પુનઃલગ્ન દ્વારા સલામત સામાજિક જીવન જીવવા ઇચ્છતી હોય તેવા કિસ્સામાં કાઉન્સેલિંગ જરૂરી છે. જાતીય રોગ વિશેનાં પોસ્ટરો અને ચેતવણી મૂકવા ઉપરાંત સલામતીભર્યા જાતીય વ્યવહાર માટે કોન્ડોમનો સ્ટોક ઉબલબ્ધ કરાવવો જરૂરી છે. જે તે વિસ્તારનાં જ શિક્ષિત યુવક-યુવતીઓને તાલીમ આપીને સંચાલિત થતી આ કામગીરીના બીજા તબકકામાં સ્થાનિક દવાખાનામાં સમુદાય અને જ્ઞાતિના પ્રતિનિધિરૂપ હેલ્થ વર્કરને પ્રશિક્ષિત કરી મૂકવામાં આવે છે જેથી ચેપી રોગના ભોગ બનેલાં દર્દીઓ સંકોચ વિના સારવાર માટે નિયમિતરૂપે આવતાં રહે.

જ્યાં સ્ત્રીઓની સરેરાશ લગ્નવય ૧૫ વર્ષ છે, ૭૪% કરતાં વધુ સ્ત્રીઓ આર્થિક રીતે નબળી છે, ૫૩% કરતાં વધુ સ્ત્રીઓ અલ્પશિક્ષિત છે, ૫૪% બહેનોનું વજન ૪૦ કિલો કરતાં પણ ઓછું છે, ૭૮% અબળાઓના લોહીમાં હીમોગ્લોબિનનું પ્રમાણ ૮.૫ ગ્રામ કરતાં ઓછું છે અને ૮૨% પુરુષો કુટુંબનિયોજનનાં સાધનો વાપરતા નથી તેવા અતિ સંવેદનશીલ વિસ્તારમાં આજે ૪૧% સ્ત્રીઓમાં જાતીય રોગો જોવા મળે જ છે. સ્ત્રી શિક્ષણનો અભાવ અને પુરુષત્વ સાથે જોડાયેલ અવૈજ્ઞાનિક જાતીય માન્યતાઓના કારણે આજે ગુજરાતના જનજીવનને એઈડ્ઝનો કીડો કોતરી રહ્યો છે.

સવિશેષ ટી.વી., સિનેમા અને ઇન્ટરનેટના દૂર વપરાશના લીધે સામુહિક ઉત્તેજના ગુજરાતનાં યુવક- યુવતીઓને આ રોગના જોખમ સામે ચેતવે છે અને આજકાલ પોતાને ફૉરવર્ડ ગણાવતાં નાગરિકોને રોગ સકંજામાં જકડી રહ્યો છે, જે વધુ ચિંતાદાયક બને છે. હવે આ બાબતોને અણદેખી કરી શકાય તેમ નથી કારણ તેથી સમાજ વધુ ને વધુ બિનઉપજાઉ અને નિરુત્સાહી થતો જશે. આવતાં ૨૦ વર્ષમાં તો એક આખી પેઢી વારસાગત રોગનો ભાર અને કપાળે બદનામીની ટીલી લઈ ફરતી હશે. અત્યારે બેદરકાર રહીશું તો કદાચ ઢંકાયેલું રહેશે પણ પછી અંધકાર-અંધકાર છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top