Dakshin Gujarat

વરસાદી માહોલમાં સાપુતારામાં પ્રવાસીઓ ઉમટી પડતા ટ્રાફિકની સમસ્યા સર્જાઇ

સાપુતારા: (Saputara) રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં (Dang District) વરસાદી માહોલ જામ્યો છે. જેને પગલે જંગલ વિસ્તારની પ્રકૃતિ લીલીછમ બની મહેકી ઉઠી છે. સાથે વરસાદી માહોલનાં પગલે ઠેરઠેર નદી નાળા અને નાનકડા ધોધ સક્રીય બનતા દ્રશ્યો રમણીય બન્યા છે. હાલમાં ડાંગ જિલ્લાનાં ગામડાઓ સહિત ગિરિમથક સાપુતારાનાં જોવાલાયક સ્થળોએ જ્યાં નજર નાખો ત્યાં લીલોતરી જોવા મળી રહી છે. તેવામાં ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, વઘઇ, આહવા સહિત સુબિર (Subir) પંથકમાં સતત ચોથા દિવસે ક્યાંક ધોધમાર તો ક્યાંક છુટાછવાયા સ્વરૂપની મેઘમહેરની સવારી યથાવત રહેતા સમગ્ર વિસ્તારનું વાતાવરણ ચોમાસામય બની જવા પામ્યુ હતુ.

  • ધોધમાર વરસાદનાં પગલે વન દેવીના યુટર્ન નેકલેસનું દ્રશ્ય આહલાદક બની ગયું
  • વરસાદી માહોલમાં સાપુતારામાં પ્રવાસીઓ ઉમટી પડતા ટ્રાફિકની સમસ્યા સર્જાઇ

રવિવારે ગિરિમથક સાપુતારા ખાતે હળવા વરસાદી માહોલમાં અસંખ્ય પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. રવિવારે ગિરિમથક સાપુતારા ખાતે અસંખ્ય પ્રવાસીઓનાં પગલે હોટલો સહિત રેસ્ટોરા અને લારી ગલ્લાઓ ખાતે હાઉસફુલનાં પાટીયા ઝૂલી ઊઠ્યા હતા. ગિરિમથક સાપુતારા ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા પાર્કિંગનાં સ્થળો સહિત ઘાટમાર્ગમાં ટ્રાફિકની સમસ્યાની સાથે અરાજકતા ઉભી થવા પામી હતી. જોકે સાપુતારા પોલીસની ટીમે દિવસ દરમ્યાન કમર કસતા ટ્રાફિક હળવો થયો હતો.

રવિવારે ધૂમ્મસીયા વાતાવરણ અને વરસાદી માહોલમાં ગિરિમથક સાપુતારા ખાતેનાં સનરાઈઝ પોઈંટ, ટેબલ પોઈંટ, બોટીંગ, રોપવે સહિત વિવિધ એડવેન્ચર એક્ટિવિટીઓનાં સ્થળોએ પ્રવાસીઓએ હરી ફરીને આનંદ માણ્યો હતો. ગતરોજ સુબિર પંથકમાં પડેલા ધોધમાર વરસાદનાં પગલે ગીરા નદી પરનો ગીરમાળનો ગીરાધોધ અને વન દેવીનો યુટર્ન નેકલેસ પાણીથી સક્રિય બનતા અહીના સમગ્ર દ્રશ્યો આહલાદક બની જવા પામ્યા હતા. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન આહવા પંથકમાં 10 મિમી, વઘઇ પંથકમાં 17 મિમી, સુબિર 25 મિમી અર્થાત 1 ઈંચ, જ્યારે સાપુતારા પંથકમાં 05 મિમી જેટલો વરસાદ નોંધાયો હતો.

દમણના સમુદ્ર કિનારે મહા સફાઈ અભિયાન ચલાવાયું
દમણ : સંઘપ્રદેશ દમણના સમુદ્ર કિનારે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શન હેઠળ રવિવારે નાની દમણ જેટીથી દેવકા તથા કડૈયા દરિયા કિનારા સુધી 23 અલગ અલગ પોઇન્ટ પર અધિકારીઓ, કર્મચારીઓ, કોસ્ટગાર્ડ, સ્કૂલ, કોલેજ, હોટેલ એસોસીએશન, પોલીસ, આઇ.આર.બી., ફાયર વિભાગ, શિક્ષા, પર્યટન, પાલિકા, જિલ્લા પંચાયત તથા અન્ય વિભાગો અને અન્ય લોકોએ દરિયા કિનારે પડેલા સિંગલ યુઝ પ્લાસ્ટિક તથા અન્ય કચરાને ઉઠાવી સ્વચ્છતાનો સંદેશ ફેલાવ્યો હતો. આજના આ દિવસે મોટી સંખ્યમાં એકત્ર થયેલા લોકોએ 3 ટનથી પણ વધુનો કચરો એકત્ર કરી દરિયા કિનારાને સ્વચ્છ બનાવ્યો હતો. આ અવસરે પ્રશાસકના સલાહકાર એ. કે. સિંહ, કલેક્ટર તપસ્યા રાઘવ, સ્વાથ્ય સચિવ ડો. એ. મુથ્થમા, પોલીસ મહાનિરીક્ષક ડી.એમ. મહાદેવ સહિતના અધિકારીઓ દ્વારા પણ કચરાની સાફ સફાઈ અભિયાનમાં જોડાયા હતા અને લોકોને ગમે તેમ કચરો નહીં ફેંકવા અને સિંગલ યુઝ પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ નહીં વાપરવા અંગે જાગૃત કર્યા હતા.

Most Popular

To Top