Dakshin Gujarat

ડાંગનાં ગીરાધોધ પર ફરવા ગયેલા 19 સુરતી પ્રવાસીઓ ઉપર મોટી મધમાખીઓના ઝુંડનો હુમલો

સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં વઘઇ નજીક ગીરાધોધ (Gira Dhodh) ખાતે ફરવા આવેલા 19 સુરતી (Surti) પ્રવાસીઓ (Tourist) ઉપર મોટા કદની મધમાખીઓના ઝુંડે હુમલો કરતા અફરા તફરી મચી ગઇ હતી. મધમાખીઓનાં ડંખનો શિકાર બનેલા પ્રવાસીઓને વઘઇ પી.એચ.સીમાં ખસેડાયા હતા.

  • મોટા કદની મધમાખીનું ઝુંડ છંછેડાઈને પ્રવાસીઓ પર તૂટી પડતા નાસભાગમાં મચી ગઇ
  • મધમાખીઓનાં ડંખનો શિકાર બનેલા પ્રવાસીઓને વઘઇ પી.એચ.સીમાં ખસેડાયા
  • બે પ્રવાસીઓની હાલત ગંભીર બનતા વલસાડની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
  • મધમાખીઓને કોઈક દ્વારા ખલેલ પહોચાડવામાં આવી હતી કે પછી આપમેળે છંછેડાઈને હુમલો કર્યો હતો જેનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી

પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં ચોમાસાનાં આગમનની સાથે ધીરે ધીરે પ્રકૃતિ નવપલ્લવીત બની રહી છે. હાલમાં ડાંગ જિલ્લામાં પ્રકૃતિનો સ્વાદ માણવા દૂર દૂરથી પ્રવાસીઓ પણ ઉમટી રહ્યા છે. ત્યારે આજરોજ ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઇ નજીક આવેલા ગીરાધોધ ખાતે ફરવા માટે સુરતથી પ્રવાસીઓ આવ્યા હતા. સુરતી પ્રવાસીઓ વઘઇનાં ગીરાધોધનાં સ્થળે ફરી રહ્યા હતા. તે વેળાએ મોટા કદની (ભોવર) મધમાખીનું ઝુંડ છંછેડાઈને ફરવા આવેલા 19 પ્રવાસીઓ પર તૂટી પડતા સ્થળ પર બૂમાબૂમની સાથે નાસભાગમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

ગીરાધોધ ખાતે મધમાખીઓએ 19 જેટલા પ્રવાસીઓને બાનમાં લઈ હુમલો કરી શરીરનાં ભાગોએ ડંખ મારતા પ્રવાસીઓની હાલત કફોડીજનક બની હતી. બાદમાં તુરંત જ મધમાખીઓનાં ડંખનો શિકાર બનેલા 19 ઇજાગ્રસ્ત પ્રવાસીઓને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવારનાં અર્થે નજીકની વઘઇ પી.એચ.સીમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. જ્યાં બે પ્રવાસીઓની હાલત ગંભીર બનતા વધુ સારવારનાં અર્થે વલસાડની હોસ્પિટલમાં ખસેડાયા હતા. હાલમાં અહી મધમાખીઓને કોઈક ઈસમ દ્વારા ખલેલ પહોચાડી ઉડાડી હતી કે પછી આપમેળે છંછેડાઈને હુમલો કર્યો હતો જેનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

આ 19 પ્રવાસીઓ ઉપર મધમાખીઓએ હુમલો કર્યો
નીતિન મુકેશ રાણા, દીપ્તિ રિતેશ મહેતા, વર્ષ, ર્શ્રુત હિતેશ મહેતા, મનીષા મહેતા, ધર્મિષ્ઠા સતીશ રેશમવાળા, દેવાંસ નીતિન રેશમવાળા, જાનવી સતીષભાઈ રેશમવાળા, અનિલ એફ. મહેતા, સ્વરા જયમિત મહેતા, ક્રિસ બીમલભાઈ દીવાન, ડિમ્પલ નીતિન રાણા, સતીશ ચંપકલાલ રેશમવાળા, શ્રેયશા હીતેશ મહેતા, સુલશા અરવિંદ મહેતા, જયમીન અરવિંદ મહેતા, જયનીશ અરવિંદ મહેતા, આશય શેલેશ મહેતા, રિધમ જયમિત મહેતા, ભૂમિ જયમીન મહેતા

Most Popular

To Top