Sports

BCCI રોહિત શર્માને આરામ આપવાના મૂડમાં નથી, આ સિરીઝમાં રમશે

નવી દિલ્હી: આગામી મહિના જુલાઈમાં ભારતીય ક્રિકેટ ટીમ (IndianCricketTeam) વેસ્ટીઈન્ડિઝના પ્રવાસે (WestIndiesTour) જનાર છે. અહીં ભારતીય ટીમ ટેસ્ટ સિરિઝ (TestSeries) રમશે. આ સિરીઝમાં કેપ્ટન રોહિત શર્મા (RohitSharma) નહીં રમે તેવી ચર્ચા થોડા સમય પહેલાં ઉઠી હતી, પરંતુ હવે એવું નહીં થાય. રોહિત શર્મા વેસ્ટીઈન્ડિઝ પ્રવાસમાં જોડાશે.

એક અહેવાલ અનુસાર વેસ્ટઈન્ડિઝ પ્રવાસમાં કેપ્ટન રોહિત શર્માને મોકલવામાં આવશે. રોહિતને આરામ નહીં આપવામાં આવે. તાજેતરમાં ઈંગ્લેન્ડના ઓવલ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમાઈ હતી.

આ ફાઈનલ મેચમાં ભારત ખરાબ રીતે હાર્યું હતું. આ મેચ પૂરી થયા બાદથી જ એવા અહેવાલો સામે આવ્યા હતા કે કેપ્ટન રોહિત શર્મા વેસ્ટઈન્ડિઝ પ્રવાસમાં નહીં જોડાય. રોહિતને વેસ્ટઈન્ડિઝ સામેની ટેસ્ટ સિરિઝમાં આરામ આપવામાં આવશે અને તેના બદલે અજિંક્ય રહાણેને કપ્તાનીની જવાબદારી સોંપવામાં આવશે. એવી પણ ચર્ચા હતી કે રોહિત પાસેથી ટેસ્ટની કપ્તાની આંચકી લેવામાં આવશે.

જોકે, હવે તાજેતરમાં આવેલા નવા અહેવાલોએ રોહિત શર્માના આરામ અંગેના સમાચારોને ખોટા સાબિત કર્યા છે. ખરેખર બન્યું એવું છે કે બીસીસીઆઈના (BCCI) એક અધિકારીએ રોહિત શર્માના આરામના સમાચારોને પાયાવિહોણા ગણાવી તેને રદિયો આપ્યો છે. જેનો સીધો અર્થ એ થાય કે રોહિત શર્મા વેસ્ટ ઈન્ડિઝ ટુરમાં સામેલ થશે.

બીસીસીઆઈના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર રોહિત શર્મા હાલમાં સંપૂર્ણપણે ફીટ છે અને તેઓ આગામી સિરિઝમાં રમવા માટે તૈયાર છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયિનશીપ પછી તમામ ખેલાડીઓને લગભગ એક મહિનાનો આરામ મળ્યો છે. તેઓ પર કોઈ વધારાનો વર્કલોડ નથી. આ અહેવાલો દર્શાવે છે કે વેસ્ટ ઈન્ડિઝ સિરિઝમાં રોહિત શર્મા જ ટીમનું નેતૃત્વ કરતા જોવા મળી શકે છે.

3 જુલાઈએ ટીમ ઈન્ડિયા વેસ્ટઈન્ડિઝ ટુર માટે રવાના થશે
અહેવાલો અનુસાર ટીમ ઈન્ડિયા આગામી તા. 3 જુલાઈના રોજ વેસ્ટ ઈન્ડિઝ ટુર પર જવા માટે રવાના થશે. ટીમ ઈન્ડિયા વેસ્ટઈન્ડિઝમાં કુલ 2 ટેસ્ટ, 3 વનડે અને ટી-20 મેચ રમશે. ભારતીય ટીમની પહેલી ટેસ્ટ મેચ 12 જુલાઈએ શરૂ થશે. તમને જણાવી દઈએ કે વેસ્ટ ઈન્ડિઝ ટુર માટે હજુ સુધી ઈન્ડિયા ટીમની જાહેરાત કરવામાં આવી નથી. લગભગ 27 જુનની આસપાસ ટીમના ખેલાડીઓના નામો જાહેર કરાય તેવી શક્યતા છે.

Most Popular

To Top