Dakshin Gujarat

સુરત-કામરેજ રોડ પર કાર ડિવાઇડર કુદાવી લોખંડની ગ્રીલ તોડી બીઆરટીએસ રોડ પર આવી ગઈ

કામરેજ: સુરત-કામરેજ રોડ (Road) પર ગુરુવારે (Thursday) બપોરે આશરે 3 કલાકે કામરેજ ચાર રસ્તા પાસે નવાગામની હદમાં જીન કમ્પાઉન્ડની સામે હુન્ડાઈ એસેટ કાર (Car) નં.(જીજે 05 સીકે 6629)ના ચાલકે કાબૂ ગુમાવતાં ડિવાઇડર સાથે અથડાઈને લોખંડ ગ્રીલ તોડી બીઆરટીએસ (BRTS) ટ્રેકમાં ઘૂસી ગઈ હતી. કારમાં બેસેલા એક ઈસમને ઇજા થઇ હતી. મોડી સાંજ સુધી બીઆરટીએસ રોડ પણ બંધ રહ્યો હતો.

સાપુતારા ઘાટમાં કાપડનો જથ્થો ભરેલો ટેમ્પો પલટી ગયો
સાપુતારા : હૈદરાબાદથી કાપડનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલો જમ્બો આઈસર ટેમ્પો નં. એ.પી.28.ટી.ઈ.6413 જેનો સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગનાં ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેનાં વળાંકમાં અચાનક બ્રેક ફેઈલ થઈ જતા માર્ગની સાઈડમાં પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં આઈસર ટેમ્પો સહિત કાપડનાં જથ્થાને જંગી નુકસાન થયુ હતુ. આ બનાવમાં ચાલક સહિત ક્લીનરને શરીરનાં ભાગે નાની મોટી ઇજાઓ પહોચતા તાત્કાલિક સારવારનાં અર્થે 108 મારફતે નજીકની શામગહાન સી.એચ.સીમાં ખસેડાયો હતો.

તાપી જિલ્લામાં અકસ્માતના ચોંકાવનારા આંકડા, ૩ માસમાં ૩૦ અકસ્માત, ૩૨નાં મોત
વ્યારા: તાપી જિલ્લા માર્ગ સલામતિ સમિતિની બેઠક જિલ્લા સેવા સદન સભાખંડમાં યોજાઈ હતી. એ.આર.ટી.ઓ.એ છેલ્લા ત્રણ માસ દરમિયાન માર્ગ અકસ્માત, મૃત્યુ, ઈજાના આંકડાનું અવલોકન, પોલીસ અને આર.ટી.ઓ.સંયુક્ત વિઝિટ, એન્ફોર્સમેન્ટ ઓફ લો, રોડ એન્જિનિયરિંગ સંબંધિત મુદ્દા, જન જાગૃતિ પ્રચાર-પ્રસાર, એન.એચ.૫૩ ઉપર યુ ટર્ન વગેરે રજૂ કર્યા હતા. વધુમાં તાપી જિલ્લામાં અકસ્માતના ચોંકાવનારા આંકડા મળ્યા છે. છેલ્લા ૩ માસમાં ૩૦ જેટલા અકસ્માત નોંધાયા હતા, જેમાં કુલ ૩૨ માનવ મૃત્યુ થયા છે. મૃત્યુમાં એકપણ વિદ્યાર્થીઓ ન હોવાની સ્પષ્ટતા કરાઈ છે.

જિલ્લામાં માર્ગ અને સલામતી અંગે કલેક્ટરે જણાવ્યું હતું કે, જિલ્લામાં અકસ્માતોના નિવારણ માટે શક્ય એટલા પગલાં લઈ અકસ્માતોની સંખ્યા ઘટે એ સંબંધિત અધિકારીઓએ જોવાનું રહેશે. વ્યારા અને સોનગઢ ખાતે ટ્રાફિકની સમસ્યા સર્જાય એ માટે ચીફ ઓફિસરોએ વાહન પાર્કિંગની સુવિધાઓ તેમજ સર્વિસ રોડ ઉપર થઈ રહેલા દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો રાખવાનો રહેશે. જેથી રાહદારીઓ કે વાહનચાલકોને અગવડ ન પડે અને અકસ્માતો નિવારી શકાય. તમામ નાગરિકોને અકસ્માત નિવારણ માટે નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી.

નાયબ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, છેલ્લા ૬ માસમાં ઈ.પી.કો.૨૭૯ હેઠળ ૧૦૬૮ કેસ, ઈ.પી.કો.૨૮૩ હેઠળ-૩૨ કેસ, એમ.વી.એક્ટ ૧૮૫ હેઠળ ૮૨૧ કેસ, એમ.વી.એક્ટ એન.સી.ની સંખ્યા ૯૨૪૭, આર.ટી.ઓ.૨૭૬, કોર્ટ મેમો ૨૮૭ એમ.વી.એક્ટ હેઠળ વસૂલ કરેલા સમાધાન શુલ્ક સ્થળ દંડ રકમ રૂ.૪૩,૮૯,૫૦૦ આર.ટી.ઓ. દંડ વસૂલાત રૂ.૮,૮૧,૦૩૩ અને કોર્ટ મેમો દંડ રૂ.૬૯,૭૫૦ વસૂલાત કરવામાં આવી છે.

Most Popular

To Top