Columns

નામ સ્મરણ – સંકિર્તનનો મહિમા – અપાય છે તેને અનુસરો

નામ સ્મરણનો મહિમા ખૂબ મોટો છે તે સરળ હોવા છતાં તેના ફાયદા ઘણાં છે. નિરંતર નામ સ્મરણના અભ્યાસાર્થી ટેવથી જીવનમાં પરિવર્તન આવે છે તમે કોઇપણ કામ કરતા હોવ પણ અંત:કરણમાં પૂર્ણ ભકિત ભાવ રહેવો જોઇએ. મન ખૂબ ચંચળ છે તેની ચંચળતા દૂર કરવા ભગવાન નામ – સ્મરણ જ દિવ્ય ઔષધ છે. જે થકી શારીરિક માનસિક ક્રિયાઓમાં સમતુલન પ્રાપ્ત થઇ શકે છે તમે કોઇપણ દેવ – રામ – કૃષ્ણ – દત્તાત્રેય, માતાજી જે પણ તમારા ઇષ્ટ દેવ – ગુરુ દેવ હોય તેનું સ્મરણ કરતા રહેવું જરૂરી છે. એવો ભાવ – બોધ ગત સપ્તાહે સૂરતમાં શ્રી લીલા વિશ્વંભરા દત્ત મંદિર, ડુમસ રોડ ખાતે પધારેલા મૈસુર દત્તપીઠમના શ્રી દત્ત વિજયાનંદ તીર્થ (બાલાસ્વામીજી) એ નામ-સંકિર્તન સત્સંગ પ્રસંગે હાજર રહેલા ભકત સમૂદાયને આપ્યો હતો.

શ્રી બાલાસ્વામીજીએ સરળ – સહજ ભાષામાં સત્સંગ કરતાં એવો ભાવ વ્યકત કર્યો કે જન્મ – મરણ નિશ્ચિત છે.
પરંતુ એથી ડરવાની કે ભયભીત થવાની જરૂર નથી. નામસ્મરણથી મરણનો ડર – ભય દૂર થાય છે અને ડર પણ દૂર થાય છે. કેમકે આપણા પ્રભુ આપણી સાથે હોવાની ભાવના દૃઢ થાય છે. ઘણાં લોકો માળા કરતા હોય છે અને સાથે સાથે ધ્યાન રાખતા હોય છે કેટલી માળા પતી. હજુ કેટલા મણકા બાકી છે? એ બરાબર નથી, ધીરજપૂર્વક – શાંતિ અને એકાગ્રતાથી માળા કે જપ કરવા, તો જ મનની ચંચળતા દૂર થઇ સ્થિરતા આવે. વર્તમાન જીવન શૈલીને કારણે તન – મન બંને બગડે છે માટે નિયમિત યોગ – પ્રાણાયામ જરૂર કરવા જોઇએ. શ્રી બાલા સ્વામીજીએ જાતે પ્રત્યક્ષ નિદર્શન આપવા સાથે ભકતોને પણ પ્રાણાયામ કરાવ્યા હતા અને ઉપયોગીતા ગણાવી હતી.

શ્રી બાલા સ્વામીજીએ કહ્યું કે, ભકિત એ પ્રદર્શન – દેખાડા – દંભનો વિષય નથી એ અંગત બાબત છે અને તે શાંતિથી એકાંતમાં એકાગ્ર ચિત્તે કરવી જોઇએ. અલબત્ત તમે ઘરના મંદિરમાં ભકિત પૂજા વગેરે કરો એ બરાબર છે કેમકે ઘરના બાળકો તમને એ રીતે રોજ ભકિત-પૂજા-પાઠ કરતા જોઇને તેમને કુતુહલ જાગશે અને વહેલા-મોડા બાળકો પણ ભકિત-નામ જપ કરવાના માર્ગે વળશે. આ ઇચ્છનીય છે. બાળકોમાં નાનપણથી ભકિતના સંસ્કારનું સિંચન થાય તે તેના ભવિષ્ય માટે ઉપયોગી છે.

જીવનમાં પ્રેમ-ભાવને મહત્વ આપો. ફરગીવ એન્ડ ફરગેટ – માફ કરો અને ભૂલ થવાની ટેવ અપનાવવાથી મન પ્રસન્ન રહેશે. લોક વ્યવહારમાં તમારી પ્રતિષ્ઠા વધશે. તમામ લોકો એક સમાન હોતા નથી. એક જ માતા-પિતાના 4 સંતાનો હોય. છતાં પૂર્વજન્મના સંસ્કારને કારણે તેઓમાં ભિન્નતા હોય છે તે સમજો અને સ્વીકારો. જે તમારા ઇષ્ટદેવને ગુરુજીને ગમશે.
દત્તપીઠમ મૈસુરના પીઠાધિપતિ શ્રીશ્રી ગણપતિ સચ્ચિદાનંદ સ્વામીજીએ ગુજરાતી ભકતો માટે ખાસ ગાયેલ ગુજરાતી ભજન: ગુરુજીના નામની હો… માળા છે ડોકમાં…’ એ ભજનનો શબ્દો – અંતરાયોનો ભકતોને મર્મ સમજાવતાં શ્રી બાલાસ્વામીજીએ કહ્યું કે, ભાવવાહી-અર્થ-મર્મ સભર ભજનમાં શ્રી ગીતાજીના ખૂબ મહત્વના બોધવચનો સમાયેલા છે.

‘જુઠું બોલાય નહીં, ખોટું કરાય નહીં, અવળું ચલાય નહીં…. જુઠું બોલવું નહીં – ખોટું કરવું નહીં એમ કરવાથી મનને અજંપો થાય – સંતરાત્મા ડંખે. મનોબળ નબળું પડે. અવળું ચાલવાથી પસ્તાવાનો વારો આવે. એટલે આચરણ વર્તનથી સ્વચ્છ – પવિત્ર રહેવું જરૂરી છે. ‘ક્રોધ કદી થાય નહીં – પરને નિંદાય નહીં. ક્રોધ અને નિંદા એ બંને એવા છે જે પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે છે. આનાથી જેટલા દૂર રહીએ એટલી સ્વસ્થતા શાંતિ જણાય. એ જ રીતે કોઇને દુભવવા નહીં જોઇએ. પીડા આપવી જોઇએ નહીં, સામેની વ્યકિતને દુભાવવાથી પીડા આપવાથી તેને તો મનદુ:ખ હાનિ થાય જ છે પરંતુ આપણો પણ અંતરાત્મા આપણને ડંખે. એ જ ભજનમાં હુંપદ ધરાય નહીં પાપને આધાર નહીં – ની વાત છે.

હુંપદ અહમ એ પ્રભુ પ્રાપ્તિના માર્ગ આડે સૌથી મોટો અવરોધ છે. અહમને ખોટા ઇગો – અભિમાનને કારણે માનવી સરળ – સહજ બની શકતો નથી. પરિણામે તે સમાજથી પરમાત્માથી પણ વિખૂટો પડે છે. પાપને પોષાય નહીં…. એટલે કે ‘પરોપકારાય – પુણ્યાય – પાપાય પરપીડનાય’ – એવરી સંસ્કૃતની ઉકિત છે. પરોપકાર કરવો એ પુણ્ય છે. જેનું ભાથું પરલોકમાં ઉપયોગી છે. માણસ સાથે શું લઇ જાય છે. આ શરીર ખુદનું રહેતું નથી. બળીને ખાક થઇ જાય છે. કોઇ બેન્ક – પરલોકમાં ચાલે તેવા ક્રેડિટ કાર્ડ – ATM કાર્ડ આપે છે?

નહીં ને? તો પરોપકાર રૂપી પુણ્યનું ભાથું બાંધવું જોઇએને? પાપના પોટલા અહીં પણ કનડે ઉપર પણ કનડે. સુખમાં છલકાય નહી…. દુ:ખમાં રડાય નહીં….. સુખ આવે ત્યારે મદમસ્ત બનવું નહીં. સુખ-દુ:ખ જીવનની ઘટમાળ છે. માળા કરો ત્યારે એવી ભાવના રાખો કે એક મણકો પસાર થયો એક કષ્ટ – સંકટ ગયું,એક દિવસ ગયો. પછીનો મણકો નવો આશાવાદ જગાવો – તો ભકિત કરતાં આનંદ આવશે. સ્વયં અવધૂત શ્રી શ્રી ગણપતિ સચ્ચિદાનંદ સ્વામીજીના આશીર્વાદ અને પ્રેરણાથી વિશ્વ શાંતિ અર્થે યોજાનાર ધાર્મિક કાર્યક્રમો અંતર્ગત શ્રી બાલાસ્વામીજીએ દત્ત મંદિરમાં હવન – દત્ત ભગવાનની પૂજા, કરી હતી.
શ્રી પારૂલબેન ભટ્ટના ગૃપે સ્વામીજીના ભજનો કર્યા હતા. પૂ. બાલાસ્વામીજીએ નામ-સ્મરણ – નામ સંકિર્તનનો મહિમા સમજાવ્યો હતો. સ્વામીજીને દરેક ભકતો રૂબરૂ મળી શકયા હતા અને આશીર્વચન મેળવી પ્રસન્ન થયા હતા.
– શ્રીજી વ્યાસ

Most Popular

To Top