Gujarat

ઉપલેટામાં એસટી બસ રિવર્સ લેતા બસ નાળામાં ખાબક્તા રહી ગઈ, વિદ્યાર્થી સહિત મુસાફરોનો જીવ થયા અધ્ધર

રાજકોટ: રાજકોટના (Rajkot) ઉપલેટામાં (Upaleta) આજે સવારે એક મોટી દુર્ઘટના (Accident) ટળી હતી. ઉપલેટા-ગઢાળા રૂટની એસટી બસ (ST Bus) ગઢાળા ગામથી વિદ્યાર્થીઓ (Student) તેમજ અન્ય મુસાફરોને લઈને ઉપલેટા જઈ રહી હતી ત્યારે સામેથી અન્ય વાહન આવતા બસના ડ્રાઈવરે બસને રિવર્સ લીધી હતી, પરંતુ ત્યારે જ બસે પુલની દીવાલ તોડી નાળામાં ખાબકતા રહી ગઈ હતી. બસનો એક ભાગ નાળામાં નમી પડતાં બસમાં સવાર વિદ્યાર્થીઓ તેમજ અન્ય મુસાફરોના જીવ ટાળવે છોંટી ગયા હતા.

રાજકોટના ઉપલેટામાં આજે સવારે વિદ્યાર્થીઓ ભરેલી બસમાં નાળામાં પડતા પડતા રહી ગઈ હતી. મળતી માહિતી અનુસાર ઉપલેટાથી ગઢાળા રૂટની બસ ગઢાળા ગામમાંથી વિદ્યાર્થીઓ અને અન્ય મુસાફરોને લઈને પરત ઉપલેટા ફરી રહી હતી ત્યારે જ આ દુર્ઘટના સર્જાય હતી. સામેથી વાહન આવતું હોવાથી બસના ડ્રાઈવરે બસને રિવર્સ લીધી હતી, ત્યારે બસ પાછળ પુલની દીવાલ તોડી નાળામાં ખાબકવાની તૈયારી હતી. બસનો એક ભાગ સંપૂર્ણ નાળામાં જતો રહ્યો હતો અને નાળાના પુલ પર બસ ફસાઈ રહી હતી. બસ નાળાના પુલ પર ફસાઈ જતાં મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. જો કે સમયસુચકતા રાખી ડ્રાઈવર અને કન્ડક્ટરે બસનો દરવાજો ખોલી તમામ મુસાફરોને બસમાંથી ઉતરી જવા માટે કહ્યું હતું. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ ન સર્જાતાં ડ્રાઈવર-કન્ડક્ટર સહિત એસટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

ડ્રાઈવરે કાંઈ જોયું નહીં અને કન્ડક્ટરે પણ કંઈ કહ્યું નહીં- વિદ્યાર્થી
આ ઘટના અંગે બસમાં સવાર એક વિદ્યાર્થીએ કહ્યું કે ઉપલેટા-ગઢાળા રૂટની બસ હતી અને અમે ગઢાળાથી ઉપલેટા પરત જઈ રહ્યા હતા. ત્યારે ઉપલેટાના નજીક વોકળાના પુલ પર સામેથી એક વાહન આવતા બસના ડ્રાઈવરે બસને રિવર્સમાં લીધી, જો કે પુલની દીવાલ તોડી બસ પુલના છેડે ફસાઈ ગઈ હતી. ડ્રાઈવરે કંઈ જોયું નહીં અને કન્ડક્ટરે કંઈ કહ્યું નહીં અને બસને રિવર્સમાં જવા દેતાં બસ નાળામાં જતા જતા રહી ગઈ હતી. એક વિદ્યાર્થીએ તાત્કાલિક બસનો દરવાજો ખોલી નાખતાં અમે બહાર નીકળી ગયા હતા.

ડ્રાઈવર કન્ડક્ટરનો કોઈ વાંક નથી, તંત્ર સામે અનેકોવાર કરાઈ છે ફરિયાદ
ગઢાળા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહીરે જમાવ્યું હતું કે ઉપલેટા ગઢાળા રૂટની એસટી બસમાં અમારા ગામના વિદ્યાર્થીઓ ઉપલેટા અભ્યાસ કરવા માટે રોજ અપ-ડાઉન કરે છે. ત્યારે આજે સવારે ઉપલેટા જતા રસ્તા પર દ્ધારકાધીશ સોસાયટી પાસે આવેલા મોટા નાળામાં બસ પડતા પડતા રહી ગઈ હતી. બસનું પાછળનું વ્હીલ નાળા પર બનાવેલા પુલના છેડે ફસાઇ જતાં પલટી ખાતા રહી ગઈ હતી. તેમણે કહ્યું કે આ દુર્ઘટનામાં ડ્રાઈવર-કન્ડક્ટરનો કોઈ વાંક નથી. નાળા પરના આ પુલ અંગે તંત્ર સામે કેટલીવાર ફરિયાદો કરવામાં આવી છે.

Most Popular

To Top