Comments

ભૂતકાળ પર ગર્વ લેવો કે ભવિષ્યમાં ગર્વ લઈ શકાય એવો વર્તમાન બનાવવો?

‘દટાયેલાં મડદાં બહાર કાઢવાં’ જેવો રૂઢિપ્રયોગ જૂના જખમને ફરી ફરીને ખોતરવાના એટલે કે જૂની, અણગમતી યાદોને વારેવારે તાજી કરવાના અર્થમાં વપરાય છે, પણ આ વાત ખરા અર્થમાં દટાયેલાં મડદાંને બહાર કાઢવા અંગેની છે. ફિનલેન્ડનો આ બનાવ છે, જેમાં હજારેક વરસ પુરાણી એક કબરમાં દફન થયેલા શબને સંશોધન માટે ફરી એક વખત બહાર કાઢવામાં આવ્યું છે. અગાઉ 1968 માં, એટલે કે આશરે 43 વર્ષ અગાઉ તેને બહાર કાઢવામાં આવેલું.

એ સમયે એ કબરમાંથી લંબગોળ બ્રોચ સ્વરૂપે આભૂષણો તેમજ ઊનનાં વસ્ત્રોના ટુકડા મળી આવેલા, જેના આધારે સંશોધકોએ તારણ કાઢેલું કે મૃત વ્યક્તિએ જે તે સમયનો લાક્ષણિક કહી શકાય એવો મહિલાઓનો પોષાક પહેર્યો હોવો જોઈએ. અલબત્ત, મૃતકની ડાબી તરફ મૂકાયેલી મૂઠ વિનાની તલવાર સૂચવતી હતી કે એ વ્યક્તિનો સંબંધ યુદ્ધ સાથે હોવો જોઈએ. દાયકાઓ લગી સંશોધકો માનતા રહ્યા કે આ કબરમાં એક પુરુષનું અને એક મહિલાનું એમ બે શબ હોવાં જોઈએ અથવા તો પૂર્વ મધ્ય યુગના અરસામાં ફિનલેન્ડમાં મહિલા યોદ્ધાઓ હોવી જોઈએ.

આ સંશોધનના અગ્રણી, ફિનલેન્ડની યુનિવર્સિટી ઑફ ટુર્કુના પુરાતત્ત્વવિદ્‍ ઉલા મોઈલેનનના જણાવ્યા અનુસાર દફન થયેલી વ્યક્તિ પોતાના સમુદાયની અતિ આદરણીય વ્યક્તિ હશે, કેમ કે, મૂલ્યવાન ફર અને અન્ય ચીજો સહિત નરમ પીંછાંના ધાબળામાં લપેટીને તેમને દફનાવેલા છે. 1968 માં પહેલી વાર આ કબર મળી આવી ત્યારથી તે સંશોધકો માટે રસનો વિષય બની રહી છે. તેની પર અવનવાં સંશોધનો થતાં રહ્યાં છે, જેમાં વિકસતી જતી ટેક્નોલોજીનો ઉપયોગ કરાતો રહ્યો છે. હવે આ શબનો ડી.એન.એ. ટેસ્ટ કરવામાં આવ્યો અને તેમાં અણધાર્યું પરિણામ જોવા મળ્યું.

એ કબરમાં બે નહીં, પણ એક જ વ્યક્તિ હોવાનું સ્પષ્ટ થયું. એ વ્યક્તિ ક્લાઈનફેલ્ટર લક્ષણ ધરાવતી હતી. આ એક વિશિષ્ટ લક્ષણ છે, જેને સરળતાથી આ રીતે સમજી શકાય. સૌ કોઈ જાણે છે કે સ્ત્રીઓમાં બે ‘એક્સ’ રંગસૂત્રો હોય છે, જ્યારે પુરુષોમાં ‘એક્સ’ અને ‘વાય’ એમ બે અલગ રંગસૂત્રો હોય છે. ક્લાઈનફેલ્ટર લક્ષણ ધરાવતી વ્યક્તિમાં એક વધારાનું ‘એક્સ’ રંગસૂત્ર હોય છે. આશરે 660 પુરુષોએ એકાદ જણમાં આ લક્ષણ જોવા મળે છે. આવી વ્યક્તિ જન્મે છે પુરુષ તરીકે, પણ પુરુષસહજ લક્ષણો તેનામાં સુષુપ્ત રહે છે. તેને ઉભયલિંગી કહી શકાય.

આ નવા તારણે સંશોધકોના રસને પુન: જાગ્રત કર્યો છે અને તેઓ એ અરસાના સમયગાળામાં આવી વ્યક્તિઓના સમાજમાં સ્થાન અને તેને મળતા સન્માન અંગેના તર્ક વિચારવા લાગ્યા છે. મોઈનેનનના મત અનુસાર એવી વ્યક્તિ જે તે સમયે કેવળ સ્ત્રી કે કેવળ પુરુષમાં ન ગણાતી હોય એમ બને, પણ કબરમાંથી મળેલી મૂલ્યવાન ચીજો એ હકીકતનો પુરાવો છે કે સમાજમાં તેનો સ્વીકાર સહજ હતો એટલું જ નહીં, તેનું મૂલ્ય લોકો સમજતા હતા અને તે આદરપાત્ર હતી.

મધ્ય યુગ દરમિયાન સ્કેન્ડિથનેવિયન દેશોમાં સ્ત્રૈણ લક્ષણો ધરાવતા તેમજ સ્ત્રીઓનાં વસ્ત્ર પહેરતા પુરુષો હાંસીપાત્ર ગણાતા એવી એક પ્રચલિત માન્યતા અત્યાર લગી હતી. આ માન્યતાનો ભંગ આ શબના ડી.એન.એ.ટેસ્ટના પરિણામથી થયો છે. હજાર વર્ષ જૂનાપુરાણા એક અજાણી વ્યક્તિના શબ ખાતર આવી અને આટલી ચૂંથ શા માટે? આવું કોઈને પણ લાગી શકે. તે વિવિધ પૂર્વધારણાઓને જન્મ આપે છે અને નવું સંશોધન થાય એમ તે બદલાતી જાય છે. ઉભયલિંગી વ્યક્તિઓ પ્રત્યે આજે પણ મોટા ભાગનાં લોકોનો અભિગમ અસહજ હોય એમ જોવા મળે છે. એની સરખામણીએ મધ્ય યુગમાં એ સમુદાય સહજસ્વીકાર્ય હતો એવું તારણ નીકળે છે. 

મધ્ય યુગ માનવસંસ્કૃતિના ઈતિહાસનો એક ચોક્કસ કાળખંડ છે, પણ સાથે સાથે તે માનસિકતાનો પર્યાય પણ બની રહ્યો છે. કટ્ટર રૂઢિચુસ્તતા અને માનસિક પછાતપણું આ સમયગાળાની વિશેષતા ગણાય છે. આ ખાસિયત કોઈ એકલદોકલ દેશપ્રદેશની નહીં, બલ્કે એ સમયના મોટા ભાગના દેશોની હતી. આજે પ્રગતિશીલ અને વિકસિત ગણાતા દેશોમાં તો એ ચરમસીમાએ હતી. આમ છતાં, મનુષ્યની લૈંગિક ઓળખના વૈવિધ્યનો સ્વીકાર સહજ હતો એ બાબત પર આ સંશોધન ભાર મૂકે છે. અલબત્ત, ભૂતકાળમાં આમ હતું એમ કહીને તેનું ગૌરવ ભલે લેવાય, વર્તમાનમાં એ મુદ્દે શી સ્થિતિ અને માનસિકતા છે એ વધુ મહત્ત્વનું છે. આ મુદ્દો હવે ચર્ચાતો થયો છે ખરો, પણ એ બાબતે સ્વીકૃતિ કેટલી આવી છે એ ખાતરીપૂર્વક કહી શકાય એમ નથી એ હકીકત છે. પોતાના જ પરિવાર કે નિકટના મિત્રવર્તુળમાં કોઈ વ્યક્તિ અસામાન્ય લૈંગિક વલણ ધરાવતી હોવાની વાત કરે ત્યાર પછી એના પ્રત્યેનું મોટા ભાગના લોકોનું વલણ કેવું હશે એ ધારવું અઘરું નથી.

અને આ વાત યા વલણ કેવળ યુરોપ કે એશિયા પૂરતી નહીં, સાર્વત્રિક જણાય છે. અલગ લૈંગિક ઓળખને કારણે હોય, અલગ વંશીય ઓળખને લઈને હોય કે જાતિવિશેષમાં જન્મવાને કારણે હોય, ભેદભાવ વિના આપણને ફાવતું નથી અને એ ચકાસવા માટે કોઈ ડી.એન.એ. ટેસ્ટની જરૂર નથી. ભવ્ય ભૂતકાળ પર ગર્વ લેવો બહુ સરળ છે, પણ ભવિષ્યમાં ગર્વ લઈ શકાય એ રીતે વર્તમાન બનાવવો કઠિન છે. જે બાબતો સહજપણે થઈ શકતી હોય, થતી આવી હોય એની પર ગર્વ લેતાં રહીશું તો કાલે ઊઠીને શ્વાસ લેવા બદલ પણ આપણે ગર્વ લેતા થઈ જઈએ તો નવાઈ નહીં.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top