Columns

મોહ

ગુરુજીએ પ્રવચનની શરૂઆત કરતાં જ કહ્યું, ‘આજે એક વાર્તાથી શરૂઆત કરું છું. એક આંબાનું ઝાડ હતું.તેની પર ઘણી બધી કેરીઓ લટકતી  હતી.બધી કેરીઓ એકબીજા સાથે મસ્તીમજાક કરતી અને મજા કરતી.થોડા દિવસમાં બધી કેરીઓ બરાબર પાકી ગઈ અને આંબાનો માલિક આવ્યો અને બધી કેરીઓ તોડીને ટોપલામાં ભરવા લાગ્યો. એક કેરીને પોતાના આંબાના ઝાડ સાથે રહેવાનો બહુ મોહ હતો એટલે તે કેરી પાંદડાઓની વચ્ચે એવી રીતે છુપાઈ ગઈ કે કોઈ તેને જોઈ ન શકે અને તોડીને લઇ ન જઈ શકે.

આંબાના માલિકને તે કેરી દેખાઈ નહિ એટલે તે તો બીજી બધી કેરીને લઈને જતો રહ્યો અને આંબા પર પેલી કેરી એકલી રહી ગઈ અને કેરીએ રાહતનો શ્વાસ લીધો કે હવે તેને આંબાના ઝાડથી કોઈ જુદું નહિ કરી શકે.તે કેરી ખુશ થઇ ગઈ. થોડા દિવસ તો કેરી આંબાના ઝાડ પર એકલી આનંદથી ઝૂલતી રહી.પણ પછી તેને પોતાની બીજી સાથી કેરીઓની યાદ સતાવવા લાગી.એકલું એકલું લાગવા લાગ્યું,તેને સમજાયું કે આંબાના ઝાડ સાથે રહેવાના મોહમાં તેણે પોતાના સાથીઓનો સાથ ગુમાવ્યો છે અને તે એકલી પડી ગઈ છે.તેણે વિચાર્યું કે ‘લાવ જાતે જ નીચે કૂદી જાઉં અને પોતાના સાથીઓની સાથે થઇ જાઉં.’પણ આંબાના ઝાડનો મોહ તેને નીચે કૂદવા દેતો ન હતો.’

આમ ને આમ સમય પસાર થવા લાગ્યો અને એકલી પડેલી કેરી એકલતામાં સુકાવા લાગી.આંબાનો મોહ છોડી સાથીઓ પાસે જવું કે અહીં જ રહેવું તે નક્કી નહોતી કરી શકતી અને ચિંતામાં અડધી થઈ રહી હતી.ધીરે ધીરે તેના રસ-કસ સુકાવા લાગ્યા અને માત્ર છાલ અને ગોટલી બાકી રહ્યા અને એક દિવસ પવનની ઝાપટ લાગતાં સુકાયેલી કેરી આંબા પરથી તૂટીને નીચે જમીન પર પડી ગઈ.તેનું કોઈ અસ્તિત્વ જ રહ્યું ન હતું.તે વિચારવા લાગી કે આંબાના ઝાડની સાથે જ જોડાઈ રહેવાના મોહમાં અંધ થઈને તે જીવનમાં કોઈને ઉપયોગી ન થઇ. કોઈને પોતાના સ્વાદનો આનંદ ન આપી શકી અને એ જ જીવન વેડફાઈ ગયું અને પોતે સાવ નકામી બની ગઈ.

આ વાર્તા કહીને ગુરુજીએ આગળ સમજાવ્યું, ‘ જરૂરતથી વધારે મોહ જીવનને નકામું બનાવી દે છે.કહે છે કે જીવનમાં આગળ વધવા..ક્યાંક પહોંચવા જ્યાં હોઈએ ત્યાંથી આગળ વધવું પડે છે.સફળ થવા માટે ઘર, પરિવાર, સ્વજનોનો મોહ પણ છોડવો પડે છે અને તમારે આરામદાયક, મનગમતા,સહેલા લાગતા ક્ષેત્રનો  પણ મોહ છોડી થોડી તકલીફો અને પડકારોનો સામનો કરવા સજ્જ બનવું પડે છે.જો તેમ ન કરીએ અને ખોટા મોહમાં બંધાયેલા રહીએ તો જીવન કેરીની જેમ નકામું વેડફાઈ જાય છે.’ ગુરુજીએ એક નાની વાર્તા સાથે શિષ્યોને સમજ આપી કે મોહમાં બંધાવું નહિ.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top