Editorial

શ્રીલંકાની ફુગાવાની સ્થિતિ પરથી ભારત ધડો લઈને આગોતરા પગલા લે

છેલ્લી બે સદીમાં કોરોનાએ અનેક દેશને એવો માર માર્યો છે કે જેની કળ વળવી મુશ્કેલ છે. કોરોનાની બે લહેરને કારણે અનેક દેશોમાં મોંઘવારીએ માઝા મુકી છે. સામે વેપાર-ધંધાઓ પડી ભાંગે તેવી સ્થિતિ સર્જાઈ છે. ભારત પણ તેમાંથી બાકાત નથી. એટલું છે કે ભારત માટે સ્થિતિ એટલી ખરાબ થઈ નથી કે જેટલી ખરાબ સ્થિતિ ભારતની જ પડોશમાં આવેલા શ્રીલંકા દેશ માટે થઈ છે. કોરોનાએ શ્રીલંકાના પર્યટન ઉદ્યોગને મરણતોલ માર માર્યો છે. જેને કારણે તેની આવક પર મોટી અસર પડી છે. આવક ઘટી જતાં શ્રીલંકા પાસે વિદેશી હુંડિયામણ ઘટી ગયું છે અને સરવાળે હાલમાં શ્રીલંકાની એવી હાલત થઈ છે કે તેણે દેશણાં ફૂડ ઈમર્જન્સી જાહેર કરવી પડી છે. માત્ર એટલું જ નહીં પરંતુ શ્રીલંકાએ દેશભરમાં ખાદ્ય-ચીજવસ્તુઓના સંગ્રહખોરો સામે કડક કાર્યવાહી પણ કરવાની ચેતવણી પણ આપવી પડી છે. શ્રીલંકાનું દેવું પણ વધી જવા પામ્યું છે. સમગ્ર દેશ આર્થિક કટોકટીમાં ફસાઈ જવા પામ્યો છે.

અગાઉ નવેમ્બર, 2019માં શ્રીલંકા પાસે 7.5 અબજ ડોલરનું વિદેશી હુંડિયામણ હતું. કોરોનાને કારણે પર્યટનક્ષેત્રની આવક ઘટી જતાં શ્રીલંકાનું હાલમાં જુલાઈ માસના અંતમાં વિદેશી હુંડિયામણ ઘટીને 2.8 અબજ ડોલર થઈ ગયું છે. કોરોનામાં આવક ઘટતાં જાવકને પહોંચી વળવા માટે શ્રીલંકા દ્વારા 2020માં 650 અબજ ડોલર શ્રીલંકન રૂપિયા છાપવામાં આવ્યા હતા. તેમાંથી 213 અબજ શ્રીલંકન રૂપિયા શ્રીલંકાએ વિદેશી દેવા પેટે ચૂકવી દીધા. જેને કારણે તેની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. શ્રીલંકા દ્વારા બગડતી પરિસ્થિતિને સુધારવા માટે ગત વર્ષથી અનેક પગલાઓ લેવાની શરૂઆત કરી દેવામાં આવી હતી. જેમાં વિદેશથી આયાત થતાં માલ-સામાન પર પ્રતિબંધ મુકવાની સાથે લાયસન્સ પ્રથા પણ અમલી બનાવવામાં આવી હતી પરંતુ તેમ છતાં પણ તેની વેપાર ખાધ વધી જ રહી છે. કોરોનાની મહામારીએ એવો ફટકો માર્યો છે કે શ્રીલંકાની અર્થવ્યવસ્થા 3.6 ટકા જેટલી સંકોચાઈ ગઈ છે.

આ સ્થિતિથી બચવા માટે શ્રીલંકા દ્વારા ગત માર્ચ માસમાં ખાદ્યતેલથી માંડીને છેક ખાંડ સુધીની અનેક ચીજ-વસ્તુઓની આયાત પર અંકુશો મુકી દેવામાં આવ્યા હતા પરંતુ હજુ સુધી તેનો મેળ પડી શક્યો નથી. હાલમાં જ જુલાઈ માસમાં શ્રીલંકાની મધ્યસ્થ બેંકએ એવું જણાવ્યું હતું કે, શ્રીલંકાએ 1.5 અબજ ડોલરના વિદેશી દેવાની ચૂકવણી કરવાની બાકી હતી. તેમાંથી 1.3 અબજ ડોલર ચૂકવી દેવામાં આવ્યા છે પરંતુ જે રીતે શ્રીલંકાના નાણાંનું અવમૂલ્યન થઈ રહ્યું છે તે જોતાં ભવિષ્યમાં બાકીના દેવાની ચૂકવણી ઘણી અઘરી બની જશે. 1 અબજ ડોલરના બોન્ડની જે આંશિક ચૂકવણી કરવાની છે તેને કારણે પણ શ્રીલંકાના વિદેશી હુંડિયામણમાં મોટો ઘટાડો થશે. પરિસ્થિતિ એવી થઈ છે કે શ્રીલંકા દ્વારા ટ્રેઝરી બિલની હરાજી પણ કરવાની જાહેરાત કરાઈ હતી પરંતુ તે સફળ નહીં રહેતા હાલમાં જ 22મી ઓગષ્ટના રોજ શ્રીલંકાની મધ્યસ્થ બેન્કએ 29 અબજ શ્રીલંકન રૂપિયા છાપ્યા હતા.

શ્રીલંકાની હાલમાં એવી સ્થિતિ છે કે તેના ઉર્જા પ્રધાને દેશના લોકોને પેટ્રોલ-ડિઝલનો કરકસરયુક્ત ઉપયોગ કરવાની અપીલ કરવી પડી છે. કારણે કે ઈંધણ માટે શ્રીલંકાએ મોટાપાયે વિદેશી હુંડિયામણ ચૂકવવું પડી રહ્યું છે. જેની સીધી અસર આવશ્યક દવાઓ તેમજ કોરોનાની વેક્સિનની વિદેશમાંથી ખરીદી પર પડી રહી છે. જો પેટ્રોલ-ડિઝલનો વપરાશ ઘટશે નહીં તો તેના માટે રેશનિંગ કરવામાં આવશે. શ્રીલંકાએ નાણાં એકત્રિત કરવા માટે કોરોનાકાળમાં પણ થાપણો પર વધુ વ્યાજદર આપવાની જાહેરાત કરી હતી. શ્રીલંકામાં હાલમાં મિલ્ક પાવડર, ખાંડની સાથે ખાદ્યતેલ સહિતની રોજિંદી વપરાશની વસ્તુઓ માટે લાઈનો લાગી રહી છે. જો શ્રીલંકન સરકાર ઝડપથી આ સ્થિતિ પર કાબુ નહીં મેળવી શકશે તો શ્રીલંકામાં ફુગાવો આસમાને જતો રહેશે. શ્રીલંકાની જે સ્થિતિ થઈ રહી છે તેની પરથી ભારતે શીખ લેવાની જરૂરીયાત છે અને ભારતમાં પણ સ્થિતિ વણસે તે પહેલા જ કેન્દ્ર સરકાર પગલા લેવા માંડે તે અતિ જરૂરી છે.

Most Popular

To Top