Columns

પ્રાર્થના વ્યર્થ

એક માણસ નાસ્તિક ન હતો, પણ ભગવાનની બહુ સેવા પૂજા પ્રાર્થના કરતો નહિ.તેની પત્ની ધર્મિષ્ઠ હતી. તે રોજ પૂજા પાઠ અને પ્રાર્થના કરતી.તે એમ પણ પ્રાર્થના કરતી કે ‘મારા પતિ પણ રોજેરોજ પૂજા- પ્રાર્થના કરે.’ ભગવાને જાણે પત્નીની પ્રાર્થના સાંભળી હોય તેમ તેના ઘરે એક સંત પધાર્યા અને સંતની વાતો અને ઉપદેશથી પેલો માણસ પણ પ્રભાવિત થયો અને સંતે તેને કહ્યું, ‘તમે પણ મારી સાથે સાંજની પ્રાર્થના કરો.’માણસ આદરણીય સંતની વાતો ટાળી શક્યો નહિ એટલે થોડા કમને પણ પ્રાર્થના કરવા તૈયાર થઇ ગયો અને તેણે સંત સાથે બેસીને પ્રાર્થના કરી.માણસને સારું લાગ્યું.

બીજા દિવસે માણસ વહેલી સવારની પ્રાર્થના કરવા હાજર થઇ ગયો અને સંત સાથે પ્રાર્થના કરી.સાંજે પણ પ્રાર્થનામાં જોડાયો.પત્ની ખુશ થઇ ગઈ. બે દિવસ પસાર થયા અને માણસ બધી પ્રાર્થનામાં જોડાયો હતો.ત્રીજા દિવસની વહેલી સવારે માણસની બુમાબુમ સંભળાઈ, માણસ ઘરના નોકરો પર ગુસ્સે થઈ રહ્યો હતો કે, ‘તમે બધા આળસુ છો ..થોડી વારમાં પ્રાર્થનાનો સમય થશે અને તમે હજી સૂતા પડ્યા છો.જલ્દી ઊઠો , જુઓ હું કેવો નિયમિત પ્રાર્થના કરું છું.જો પ્રાર્થના નહિ કરો તો તમારો ઉદ્ધાર નહિ થાય.’ માણસની બુમાબુમ સાંભળી સંત પણ ત્યાં આવ્યા અને પછી માણસની પત્ની તરફ જોઇને તરત જ બોલ્યા, ‘જલ્દી પ્રાર્થનાની શરૂઆત કરાવો…આજે પ્રાર્થના લાંબી ચાલશે.’આ સાંભળી માણસ બોલ્યો, ‘બાપજી, હું આ લોકોને પ્રાર્થના માટે જ તૈયાર થવાનું કહેતો હતો.આજે લાંબી પ્રાર્થના કેમ? આજે શું વિશેષ છે?’

સંત બોલ્યા, ‘આજે મારે ભગવાનની માફી માંગવી પડશે અને માફી માંગવા માટે ખાસ વિશેષ પ્રાર્થના કરવી પડશે.’માણસ બોલ્યો, ‘બાપજી, તમે શેના માટે માફી માંગવી પડશે, આપત્તિ ન હોય તો મને કહો.’સંત બોલ્યા, ‘ના, ના, આપત્તિ શું હોય, મારે તારા કારણે જ માફી માંગવી પડશે.મેં તને પ્રર્થના કરતા શીખવાડ્યું, પણ તારી અને મારી તે બધી પ્રાર્થના વ્યર્થ ગઈ છે.હું તને પ્રાર્થના કરતાં શીખવાડી તારું સારું કરવા માંગતો હતો.પણ એમ ન થયું. તું પ્રાર્થના કરતો ન હતો તો સામાન્ય અને નમ્ર હતો અને મારી પાસેથી પ્રાર્થના કરતાં શીખીને હજી બે દિવસ થયા ત્યાં તો તારામાં અભિમાન આવી ગયું .એટલે મને લાગે છે કે મારી કંઇક ભૂલ થઇ છે.પ્રાર્થના વ્યર્થ ગઈ છે કારણ જો પ્રાર્થના બાદ ક્રોધ ,અભિમાન જાગે તો તે પ્રાર્થના વ્યર્થ છે તેમ સમજવું.’માણસને પોતાની ભૂલ સમજાઈ ગઈ.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top