Charchapatra

સત્તા અને વિવેક

એકવાર કોઇ સંત પુરુષને રાજકુંવરે પૂછયું ‘તમારી સેવા તો હું દસ વર્ષથી કરું છું. મારા ચારિત્રય બાબતે આપ સારો અભિપ્રાય આપો. ગુરુજી. ગુરુજીએ કહ્યું ભાઇ અત્યારે તો તું અમારા તાબામાં છે, એટલે તારું ખરું ચારિત્ર છુપાઇ રહ્યું છે. હમણાં તો તું હામાં હા કરે છે એટલે અમને વહાલો જ લાગે ને? પણ તેમાં તારું ખરું ચારિત્ર ખિલતું નથી કે દિપી નીકળતું નથી. તારા ચારિત્રયની ખરી પરીક્ષા તો ભાઇ તું રાજગાદી પર બેસે, તારા હાથમાં સત્તા આવે તે સમયે તું કેવી રીતે વતરે છે તે પરથી થઇ શકે.

બની શકે કે તું અહીં વિદ્યા લેવા તો આવ્યો છે બધું શિખી જઇ મને જ તુન ધૂતકારવા, અવગણવા માંડે કે કેદ ખાનામાં નાંખી પણ દે. તો ત્યારે એમ કહી શકાય કે સત્તા તને પચી નથી, સત્તા તને ગળી ગઇ છે. ઘણાં અમીર માણસો પોતાના દિકરાઓને સંપત્તિમાં આળોટતા કરી દે છે, પરંતુ તેમનામાં સારા ગુણો જેવા કે પ્રમાણિકતા, નમ્રતા, વિવેક, ગંભીરતા અને નાણાંનો વિવેકપૂર્ણ ઉપયોગ કરતા શિખવાડતા નથી. કોઇવાર વંઠેલા દિકરાઓની ખરાબ સોબત અને બેદરકારીથી પોતે પણ કેદખાનામાં બેસવાનો વારો આવે.

ત્યારે આવા મા-બાપ એવું સમજી જાય છે કે જયારથી આ દુષ્ટ કામોમાં અટવાતો થયો ત્યારે જ બે ધોલ મારી દીધી હોત તો! માટે હે શિષ્ય તું પ્રથમ સત્તા સંપત્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ શીખ પછી તને કોઇ સલાહ સૂચન કે તારા કામોની ટીકા કરે તેના પર નમ્રતાથી વિચાર કરવાનું શીખ અને સત્તાનો દુરૂપયોગ કરી વિરોધીઓને દબાવી, રીબાવી દેવાની રાક્ષસી વૃત્તિ પર અંકુશ રાખતો થા. નહીં તો હાથીની અંબાડી પરથી ઉતરી ગધેડા પર બેસવાનો વારો આવી શકે છે. તે શકયતાને હંમેશ મનમાં સ્થાન આપતો થજે.
સુરત              – ભરત પંડયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ચૂંટણી અંગે અલગ સ્ટાફ કાયમી રાખો
જુદા જુદા ક્ષેત્રોમાં નોકરી કરતા કર્મચારીઓને ચૂંટણી આવે ત્યારે ચૂંટણી અંગેની કામગીરીમાં રોકવામાં આવે છે. તે અંગે તાલીમ પણ આપવામાં આવે છે ને એમાં સરકારને ખર્ચો થાય છે. ચૂંટણી આવે ત્યારે પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ અધિકારી અને અન્યને ભાડા ભથ્થા અને મહેનતાણું આપવામાં આવે છે. ખાસ કરીને પ્રાથમિક માધ્યમિક શાળાના શિક્ષકોને ચૂંટણી કાર્ય માટે રોકવામાં આવે છે અને આથી શિક્ષણ પર પણ તેની અસર પડે છે. એના કરતા ચૂંટણી કાર્ય માટે તાલીમ પામેલબેકાર યુવાનોને નોકરીમાં લઇ લેવા જોઇએ. ચૂંટણી અંગે એક કાયમી અલગ સ્ટાફ હોવો જોઇએ જે તાલીમ પામેલ હોય. આમ કરવાથી બેકારોને રોજી રોટી મળશે. બેકારી ઓછી થશે. નોકરી કરતાને ચૂંટણી અંગેનું કાર્ય સોંપતા એની આવકમાં વધારો થશે. જે કમાતો છે તે વધુ કમાશે. આ અંગે ચૂંટણી પંચ કંઇ વિચારશે ખરું?
નવસારી           – મહેશ નાયક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top