Comments

લીબિયામાં બે જૂના બંધો તૂટી ગયા તેને પગલે વિનાશક પૂર આવ્યું હતું

દુનિયાના દેશો ભેગા મળીને ક્લાઈમેટ ચેન્જનો મુકાબલો કરવાની યોજનાઓ તૈયાર કરે તે પહેલાં તો દુનિયાના અનેક દેશો કુદરતી આપત્તિઓનો ભોગ બની રહ્યા છે. કેલિફોર્નિયામાં જંગલની વિનાશક આગ અને મોરોક્કોમાં ભીષણ ભૂકંપ પછી લીબિયામાં પૂરે વિનાશ વેર્યો છે. લીબિયામાં હરિકેન ડેનિયલ બાદ વિનાશક પૂરો આવ્યા હતા, જેમાં અત્યાર સુધીમાં ૫,૩૦૦ થી વધુ લોકોના મોત થયા છે અને ૧૦ હજારથી વધુ લોકો ગુમ થયા છે. આ ૧૦ હજાર પૈકી કેટલા જીવતા મળશે, તે સવાલ છે. રણ પ્રદેશ તરીકે જાણીતા લીબિયાના પૂર્વ વિસ્તારમાં પૂરની સૌથી વધુ અસર જોવા મળી છે.

અહીંનું દારણા શહેર નાશ પામ્યું છે. દારણા શહેરમાં સર્વત્ર વિનાશના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પૂરે માત્ર લિબિયામાં જ નહીં પરંતુ અન્ય ત્રણ પડોશી દેશોમાં પણ તબાહી મચાવી છે. આવી સ્થિતિમાં અહીં આવો વિનાશ કેમ થયો તે મોટો પ્રશ્ન છે. ભૂમધ્ય સમુદ્રમાં આવેલાં ડેનિયલ તોફાન પછી ૧૦ સપ્ટેમ્બરના રોજ મુશળધાર વરસાદ પડ્યો હતો અને ભારે પવનો ફૂંકાયા હતા. લીબિયા ઉપરાંત પડોશી દેશોને પણ તેની અસર થઈ હતી. દારણાનું સ્થાન એવું છે કે તે અત્યંત સંવેદનશીલ વિસ્તારમાં આવેલું શહેર છે.

અહીં વરસાદનું પાણી આસપાસના પહાડોમાં થઈને શહેરમાં પહોંચ્યું હતું અને ડેમને નુકસાન થયા બાદ તે આફતમાં ફેરવાઈ ગયું હતું. વિનાશનું કારણ એ હતું કે પૂરને રોકવા માટે બાંધવામાં આવેલો ડેમ નબળી સ્થિતિમાં હતો. દારણા શહેર પાસે બે ડેમ બનાવવામાં આવ્યા હતા. તેની ઉંચાઈ ૨૩૦ ફૂટ છે. તેઓ એટલા નબળા હતા કે તેઓ પૂર અને તોફાનો સામે ટકી શક્યા ન હતા. અહીંનો પહેલો ડેમ ઓવરફ્લો થતાં બીજા ડેમમાં પાણી પહોંચ્યું હતું. જેમ જેમ પૂરનું દબાણ વધ્યું તેમ તેમ તે નબળો પડ્યો અને છેવટે તૂટી પડ્યો.

જે ડેમનું બાંધકામ દારણા શહેરને પૂરથી બચાવવા માટે કરવામાં આવ્યું હતું તેના તૂટવાને કારણે જ પૂર આવ્યું હતું. દાયકાઓ પહેલાં ગુજરાતના થયેલી મોરબીના મચ્છુ ડેમ જેવી દુર્ઘટના દારણા શહેરમાં જોવા મળી હતી. દારણામાં જે ડેમ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો તે આ હદે પાણીના દબાણને સહન કરવા માટે બાંધવામાં આવ્યો ન હતો. જ્યારે પ્રથમ ડેમ પૂરને રોકવા માટે અપૂરતો સાબિત થયો ત્યારે બીજા ડેમ પર દબાણ શરૂ થયું હતું. દબાણ વધતાં ડેમ તૂટ્યો, જેના પરિણામે સર્વત્ર તબાહી જોવા મળી હતી. ડેમ તૂટ્યા બાદ પાણીના ઝંઝાવાતી મોજાંની અસર સમગ્ર દારણા શહેર પર જોવા મળી હતી. દારણા શહેર લગભગ ખંડેરોમાં ફેરવાઈ ગયું છે.

આ ખંડેરો વચ્ચે ૫,૩૦૦ થી વધુ લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે, જ્યારે ૧૦,૦૦૦ થી વધુ લોકો હજુ પણ ગુમ છે. પૂરથી ડેમ તૂટવાને કારણે મોટા ભાગના શહેરનો નાશ થયા પછી હવે માનવતાવાદી કટોકટી ઊભી થઈ છે. ઘણા દાયકાઓથી લીબિયામાં બાંધકામને લઈને કોઈ મોટાં પગલાં લેવામાં આવ્યાં નથી. લીબિયાના સરમુખત્યાર ગદ્દાફીએ ૨૦૧૧ સુધી અહીં શાસન કર્યું હતું. આ સમયગાળા દરમિયાન, ન તો અહીં એવા મોટા બાંધકામો કરવામાં આવ્યા જે દેશને નવી દિશામાં લઈ જાય, ન તો તેને આવી આફતોથી બચાવવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવાના કોઈ પ્રયાસો કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, અહીંની ડ્રેનેજ સિસ્ટમ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર હંમેશા આવી આફતોને નિયંત્રિત કરવામાં અસમર્થ રહ્યા છે. મોટા બંધો બાંધ્યા પછી જો તેમનું યોગ્ય રીતે સમારકામ ન કરવામાં આવે તો તે જીવલેણ બની જાય છે.

લિબિયામાં ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઈગ્રેશન (આઈઓએમ) એ બુધવારે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે હરિકેન ડેનિયલથી સૌથી વધુ અસરગ્રસ્ત શહેર દારણા શહેરમાં ઓછામાં ઓછા ૩૦,૦૦૦ લોકો વિસ્થાપિત થયા છે. દારણા સિવાય બેનગાઝી સહિત અન્ય તોફાનગ્રસ્ત વિસ્તારોમાં ૬,૦૮૫ લોકો વિસ્થાપિત થયા હોવાના અહેવાલ છે, જ્યારે મૃત્યુની સંખ્યા હજુ પણ અચોક્કસ છે. ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઈગ્રેશનએ અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાઓ અને બચાવ સાધનો સહિત કર્મચારીઓને મોકલ્યા છે.

નુકસાન એટલું વ્યાપક છે કે દારણા માનવતાવાદી સહાય કાર્યકરો માટે પહોંચની બહાર બની ગયું છે.  પૂર્વી લીબિયાના આરોગ્ય પ્રધાન ઓથમાન અબ્દુલ જલિલએ જણાવ્યું હતું કે દારણામાં સામૂહિક કબરોમાં મૃતદેહોને દફનાવવામાં આવી રહ્યા છે. કેટલાક મૃતદેહો દરિયામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે બચાવ કાર્યકરો શહેરની શેરીઓ અને કાટમાળને ખોદીને મૃતદેહો બહાર કાઢતા જોવા મળ્યા હતા.  કોહવાઈ ગયેલા મૃતદેહોને કબ્રસ્તાનમાં સામૂહિક કબરોમાં દફનાવવા માટે લઈ જવામાં આવે તે પહેલાં તેમને હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં કેટલાક સમગ્ર પરિવારો મરી ગયા છે.

આખાં દારણા શહેરમાં લાશોના ઢગલા જોવા મળી રહ્યા છે. બુલડોઝર પણ મૃતદેહોને હટાવવા સક્ષમ નથી. બોડી બેગ અને બ્લેન્કેટમાં ઢાંકેલા મૃતદેહોને શહેરના એક માત્ર કબ્રસ્તાનમાં એક સાથે દફનાવવામાં આવી રહ્યા છે. અહીં કબરો બનાવવા માટે મશીનો વડે ખાડા ખોદવામાં આવ્યા છે. દર કલાકે મૃતદેહોની સંખ્યા વધી રહી છે. દારણા શહેર ૭ મીટર ઊંચા મોજાંમાં ડૂબી ગયું છે. કેટલાક લોકો દરિયામાં વહી ગયા છે. હવે દરિયાનાં પાણી અને દુર્ગમ વિસ્તારોમાંથી મૃતદેહોને બહાર કાઢવા માટે ફ્લેટેબલ બોટ અને હેલિકોપ્ટરનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

રવિવારે રાત્રે રેકોર્ડ કરાયેલા વીડિયોમાં દારણા શહેરમાંથી પૂર વધતું જોવા મળી રહ્યું છે. તેમાં વાહનો અને ઈમારતો વહી રહી છે. દારણાની વસ્તી લગભગ એક લાખ છે અને શહેરનો મોટા ભાગનો વિસ્તાર પૂરથી પ્રભાવિત છે. સોમવારે સવારે દારણામાં તબાહીનું દ્રશ્ય જોવા મળ્યું હતું. શહેરનો મુખ્ય વિસ્તાર આખો  ધોવાઈ ગયો હતો, રસ્તાઓ કાદવથી ઢંકાઈ ગયા હતા અને વાહનો પલટી ખાઈ ગયા હતા. આખા પરિવારો દરિયામાં વહી જવાની વાતો શહેરના ઘણા વિસ્તારોમાંથી બહાર આવી રહી છે. અનેક લોકોએ છત પર ચઢીને પોતાનો જીવ બચાવ્યો છે. પૂરથી ખરાબ રીતે પ્રભાવિત દારણા શહેરમાં હવે કેટલીક રાહત સામગ્રી પહોંચવાનું શરૂ થયું છે. ઇજિપ્તથી પણ મદદ પહોંચી છે. પરંતુ લીબિયામાં રાજકીય પરિસ્થિતિના કારણે બચાવ કાર્ય પ્રભાવિત થઈ રહ્યું છે.  વર્ષ ૨૦૧૧માં તોફાની ટોળાં દ્વારા શાસક મુઅમ્મર ગદ્દાફીની હત્યા બાદ લીબિયા આંતરિક સંઘર્ષ અને અસ્થિરતાનો સામનો કરી રહ્યું છે. તેલ સંસાધનોમાં સમૃદ્ધ આ રાષ્ટ્ર હવે અસરકારક રીતે બે ભાગમાં વહેંચાયેલું છે. એક ભાગની સરકાર ત્રિપોલીથી ચાલી રહી છે, જે આંતરરાષ્ટ્રીય માન્યતા ધરાવે છે, જ્યારે બીજી સરકાર પૂર્વીય લીબિયાથી ચાલી રહી છે. કર્નલ ગદ્દાફીના મોત બાદ ઉગ્રવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટના લડવૈયાઓએ દારણા શહેરમાં પોતાનો અડ્ડો મજબૂત કરી લીધો હતો. થોડાં વર્ષો પછી જનરલ ખલીફા હફ્તારને વફાદાર જૂથે ઇસ્લામિક સ્ટેટના લડવૈયાઓને અહીંથી ભગાડી દીધા હતા. જનરલ ખલીફા હફ્તાર પૂર્વીય સરકાર સાથે સંકળાયેલા છે. તેમનું કહેવું છે કે સરકાર હાલમાં વિનાશનું મૂલ્યાંકન કરી રહી છે જેથી કરીને રસ્તાઓ ફરીથી બનાવી શકાય અને વીજળી પુનઃસ્થાપિત કરી શકાય. તેનાથી રાહત કાર્યમાં ઝડપ આવશે. લીબિયાનું વિભાજન થયું હોવા છતાં ત્રિપોલીની સરકારે ૧૪ મેટ્રિક ટન રાહત પુરવઠો વહન કરતું વિમાન મોકલ્યું છે, જેમાં બોડી બેગ, ૮૦ ડોકટરોની ટીમ અને આરોગ્ય કર્મચારીઓનો સમાવેશ થાય છે. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top