પોલીસે મોબાઈલ સ્નેચરોને પકડયા તો સ્નેચરો પોલીસને છરો બતાવી એકિટવાની લૂંટ કરી ગયા

સુરત(Surat): પિતાની (Father) સારવાર કરાવીને ઘરે પરત જઇ રહેલા સાડીના વેપારીને ચપ્પુ બતાવીને તેની એક્ટિવા (Activa) લઇ બે અજાણ્યા ફરાર થઇ ગયા હતા. તપાસ કરતા મંકી કેપ (Monkey Cap) પહેરીને આવેલા બંને અજાણ્યાને ખટોદરા પોલીસના સ્ટાફે (Police staff) પકડ્યા હતા, પરંતુ તેઓએ પોલીસની સાથે ઝપાઝપી કરી સાડીના વેપારીની એક્ટિવા લૂંટ કરી હોવાનું બહાર આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ ખટોદરા પોલીસના હે.કો. રઘુવીરસિંહ તેમજ ઉજાસભાઇએ ઉધના મગદલ્લા રોડ ઉપર રોકડીયા હનુમાનજી મંદિર પાસે પલ્સર મોટરસાઇકલ ઉપર સવાર બે યુવકોને અટકાવ્યા હતા. આ બંને યુવકોએ મોબાઇલ સ્નેચિંગ કર્યું હોવાથી તેઓની ધરપકડ કરવાની કામગીરી ચાલતી હતી, ત્યારે આ બંનેએ મારામારી કરી હતી. આ દરમિયાન ત્યાંથી મુળ રાજસ્થાનના વતની અને સુરતમાં લાલબંગલા અઠવાલાઇન્સ પાસે હીરલ એપાર્ટમેન્ટમાં રહેતા મીનેશ રમેશચંદ્ર ભાટીયા પસાર થયા હતા. મિનેષભાઇના પિતા કેનાલ રોડની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેઓ રાત્રીના સમયે ઘર તરફ જઇ રહ્યા હતા ત્યારે રોકડીયા હનુમાનજી મંદિર પાસે તેઓએ ટોળુ જોઇને પોતાની એક્ટિવા ઊભી રાખી હતી. આ દરમિયાન મંકી કેપ પહેરેલા બંને યુવકો આવ્યા હતા અને તેઓએ મીનેશ ભાટીયાના માથા ઉપર છરો ફેરવ્યો હતો, મીનેષ ભાટીયા ખસી જતા નીચે પટકાયા હતા. આ દરમિયાન બંને યુવકોએ મિનેષભાઇની સાથે ગાળાગાળી કરીને તેઓની એક્ટિવા લઇ ફરાર થઇ ગયા હતા. થોડીવાર બાદ બંને કોન્સ્ટેબલો મિનેષભાઇની પાસે આવ્યા હતા અને ભાગી ગયેલા બંને યુવકોએ પલ્સર મોટરસાઇકલ મુકીને મિનેષભાઇની એક્ટિવા લઇ ચાલ્યા ગયા હોવાનું જણાવ્યું હતું. આ અંગે મિનેષભાઇએ ખટોદરા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પકડાયેલા બંને વેસુથી ચોરી કરીને આવ્યા હોવાની પણ ચર્ચા
પોલીસના જણાવ્યા પ્રમાણે નંબર પ્લેટ વગરની પલ્સર મોટરસાઇકલ લઇને આવેલા બંને યુવકોએ મંકી કેપ પહેરી હતી. આ બંને યુવકોએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પાસેથી મોબાઇલ અને ચેઇન સ્નેચિંગ કરીને આવ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ બંને ગભરાયેલા હતા અને ફુલ સ્પીડમાં પસાર થયા હતા ત્યારે તેઓને પકડવામાં આવ્યા હોવાની વિગતો પણ મળી છે. આ બાબતે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top