Dakshin Gujarat

સુરતના કાપડના વેપારીએ બારડોલીની સ્મશાનભૂમિમાં ફાંસો ખાધો

બારડોલી: બારડોલી (Bardoli) તાલુકાના ભામૈયા ગામની સીમમાં આવેલી સ્મશાનભૂમિમાં બાવળના ઝાડ પર લટકતી હાલતમાં સુરતના (Surat) કપડાં વેપારીની લાશ (Deadbody) મળી આવી હતી. વેપારીએ આર્થિક સંકડામણમાં ફાંસો ખાઈ લીધો હોવાનું પરિવારજનોએ (Family) પોલીસને (Police) જણાવ્યું હતું.

મૂળ મહેસાણાના સિદ્ધપુરના બિલિયા ગામના અને હાલ સુરતના પાંડેસરાની પ્રમુખ પાર્ક સોસાયટીમાં રહેતા સતીષકુમાર મણિલાલ પટેલ (ઉં.વ.36) કાપડના વેપાર સાથે સંકળાયેલા હતા. ગત 20 ઓક્ટોબરથી તેઓ ઘરેથી ગાયબ હતા અને ફોન પણ બંધ આવી રહ્યો હતો. દરમિયાન તેમની મોટરસાઇકલ વાઘેચા મંદિરેથી મળી આવી હતી. શોધખોળ કરતાં ભામૈયા ગામની સીમમાં આવેલી સ્મશાનભૂમિમાં બાવળના ઝાડ પર તેમની લાશ ડીકમ્પોઝ હાલતમાં મળી આવી હતી. આ અંગે જાણ થતાં કડોદ આઉટ પોસ્ટના જમાદાર રાકેશ વસાવા સ્ટાફ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. લાશને ઉતારી પોસ્ટ મોર્ટમ કરી કબજો પરિવારજનોને સોંપ્યો હતો. પોલીસ પૂછપરછમાં પરિવારજનોએ જણાવ્યું હતું કે, તેમનો કપડાંનો વ્યાપાર બરાબર ચાલતો ન હોય આર્થિક સંકડામણમાં આ પગલું ભર્યું હશે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

તાંતીથૈયામાં સામાન્ય ઝઘડાના સમાધાન માટે ગયેલા યુવકની હત્યામાં આઠની અટક
પલસાણા: ગત તા.21 ઓક્ટોબરે સવા નવેક વાગ્યાના અરસામાં પલસાણા તાલુકાના તાંતીથૈયા ગામની હદમાં આવેલી હર્ષદ મિલની સામે આવેલા રોડ પર જાહેરમાં કંપનીમાં કામ કરતાં મજૂરો તથા અન્ય અસામાજિક તત્ત્વો વચ્ચે નજીવી બાબતે ઝઘડો થયો હતો. સમગ્ર મામલે બુધ્ધપ્રકાશ નામના ઇસમને ચપ્પુ મારી દેતાં તેનું મોત થતાં કડોદરા પોલીસમથકમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. તથા સામા પક્ષે સૂરજ ઉર્ફે શિવમ ઠાકુરને માથાના ભાગે લાકડાનો ફટકો મારતાં ખૂનની કોશિશનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

સમગ્ર મામલાનાં CCTV ફૂટેજ બહાર આવતાં પોલીસ આરોપીને પકડવાનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં. જે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ.પટેલના નેતૃત્વમાં કડોદરા GIDC પોલીસની જુદી જુદી ટીમો બનાવી ગેરકાયદે મંડળી દ્વારા હત્યા કરનાર ઓમપ્રકાશ ધર્મેદ્ર આરક (ઉં.વ.૧૯) (હાલ રહે., કડોદરા, સમ્રાટ સોસાયટી, મકાન નં.૧૦૩ ભાડેથી, તા.પલસાણા, જિ.સુરત, મૂળ રહે., પીંડખર, થાના-અતરહ, પો.પીંડખર, જિ.બાંદા, ઉ.પ્ર.) તથા કાયદાના સંઘર્ષમાં આવેલા 5 કિશોરને ગણતરીના કલાકોમાં ડિટેઇન કરી ગુનામાં વપરાયેલું ધારદાર ચપ્પુ તથા લાકડાના ફટકા કબજે કરવામાં આવ્યા હતા.

આરોપી સૂરજ ઉર્ફે શિવમ ઠાકુર નાનો હાલ સારવાર હેઠળ છે. તેમજ ગેરકાયદે મંડળી દ્વારા ખૂનની કોશિશના ગુનાનો મુખ્ય આરોપી રણજિતકુમાર બ્રહ્મદેવ મંડલ (ઉં.વ.૪૩) (હાલ રહે.,કડોદરા, મહાલક્ષ્મી સોસાયટી, મકાન નં.૭૪, તા.પલસાણા, જિ.સુરત, મૂળ રહે., ગ્રામ શાહપુર, થાના-લખીસરાય, બિહાર) અને અજિત સૂરજભાન રાજપૂત (ઉં.વ.૨૪) (હાલ રહે.,કડોદરા, હરિધામ સોસાયટી, મકાન નં.૧૬૮, તા.પલસાણા, જિ.સુરત, મૂળ રહે.,ગ્રામ બસૈઇ, થાના-મહેન્દ્રગઢ, પો.બસૈઇ, જિ.મહેન્દ્રગઢ, હરિયાણા)ને ઝડપી લેવામાં આવ્યા હતા તેમજ આ ગુનાના સંડોવાયેલા વધુ આરોપીને પકડવામાં ચક્રો ગતિમાન કર્યાં હતાં.

Most Popular

To Top