Science & Technology

2040 સુધીમાં ચંદ્ર પર પ્રથમ ભારતીયને મોકલવાનું લક્ષ્ય- PM મોદી

પીએમ નરેન્દ્ર મોદીએ (PM Modi) મંગળવારે ગગનયાન મિશનની (GaganYaan Mission) તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે વૈજ્ઞાનિકોને કહ્યું કે ભારતે 2040 સુધીમાં ચંદ્ર પર માણસ મોકલવાનું અને 2035 સુધીમાં સ્પેસ સ્ટેશન (Space Station) સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખવું જોઈએ. પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને નવા લક્ષ્યો હેઠળ વિનસ ઓર્બિટર મિશન અને માર્સ લેન્ડર પર કામ કરવા માટે પણ કહ્યું હતું.

વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું કે ગગનયાન મિશન પર પીએમ મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ સમયગાળા દરમિયાન મિશનની તૈયારીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને 2025 સુધીમાં તેના પ્રક્ષેપણની પુષ્ટિ કરવામાં આવી હતી. આ દરમિયાન અવકાશ વિભાગે મિશનની વ્યાપક ઝાંખી રજૂ કરી હતી. જેમાં માનવ-રેટેડ લોન્ચ વાહનો અને સિસ્ટમ યોગ્યતા જેવી અત્યાર સુધી વિકસિત વિવિધ તકનીકોનો સમાવેશ થાય છે.

પીએમઓ અનુસાર હ્યુમન રેટેડ લોન્ચ વ્હીકલ (HLVM3) ના ત્રણ અનક્રુડ મિશન સહિત લગભગ 20 મોટા પરીક્ષણોનું આયોજન કરવામાં આવ્યું છે. મીટિંગમાં મિશનની તૈયારીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને 2025 સુધીમાં તેના લોન્ચની પુષ્ટિ કરવામાં આવી હતી. બેઠકમાં પીએમ મોદીએ નિર્દેશ આપ્યો કે ભારતે હવે નવા અને મહત્વાકાંક્ષી લક્ષ્યો પર કામ કરવું જોઈએ જેમાં 2035 સુધીમાં ભારતીય સ્પેસ સ્ટેશનની સ્થાપના અને 2040 સુધીમાં ચંદ્ર પર માનવ મોકલવાનો સમાવેશ થાય છે. ભારતના અવકાશ સંશોધન પ્રયાસોના ભાવિ અંગેની બેઠક દરમિયાન પીએમ મોદીએ ભારતીય વૈજ્ઞાનિકોને આંતરગ્રહીય મિશન તરફ કામ કરવા આહ્વાન કર્યું હતું જેમાં વીનસ ઓર્બીટર મિશન અને મંગળ લેન્ડરનો સમાવેશ થશે.

મિશન ગગનયાન: ઈસરો 21 ઓક્ટોબરે પ્રથમ પરીક્ષણ ફ્લાઈટ લોન્ચ કરશે
ઇસરોએ સોમવારે જણાવ્યું હતું કે તે ‘ક્રૂ એસ્કેપ સિસ્ટમ’ના પ્રદર્શનને દર્શાવવા માટે શ્રીહરિકોટા સ્પેસપોર્ટથી 21 ઓક્ટોબરના રોજ સવારે 7થી 9 વાગ્યાની વચ્ચે પરીક્ષણ વાહનના પ્રક્ષેપણ સાથે ગગનયાન માનવ અવકાશ ફ્લાઈટ માટે માનવરહિત ફ્લાઇટના પરીક્ષણો શરૂ કરશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરના એક સંદેશમાં, રાષ્ટ્રીય અવકાશ એજન્સીએ બેંગ્લુરૂમાં મુખ્ય મથકે જણાવ્યું હતું કે, ‘મિશન ગગનયાન: ટીવી-ડી1 પરીક્ષણ ફ્લાઇટ 21 ઓક્ટોબર, 2023ના રોજ સવારે 7થી 9 વાગ્યાની વચ્ચે એસડીએસસી-એસએચએઆર, શ્રીહરિકોટાથી નિર્ધારિત છે.’ ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથે શનિવારે પત્રકારોને જણાવ્યું હતું કે 21 ઓક્ટોબરે ટીવી-ડી1 પરીક્ષણ ફ્લાઇટ પછી ગગનયાન કાર્યક્રમ હેઠળ વધુ ત્રણ પરીક્ષણ વાહન મિશન શરૂ કરવામાં આવશે.

સરળ ભાષામાં કહીએ તો મિશન દરમિયાન રોકેટમાં ગરબડી આવવા પર અંદર મોજૂદ અવકાશયાત્રીઓને પૃથ્વી પર સુરક્ષિત લાવવા માટેની પદ્ધતિનું પરીક્ષણ કરાશે. ટેસ્ટ વ્હીકલ ક્રૂ મોડ્યુલને ઉપર અવકાશમાં લઈ જશે, ત્યારબાદ અબોર્ટ જેવી સ્થિતિ બનાવવામાં આવશે. લગભગ 17 કિ.મી.ની ઊંચાઈ પર જ્યારે રોકેટની ઝડપ અવાજની ગતિ કરતા 1.2 ગણી વધુ હશે ત્યારે તેનાથી ક્રૂ મોડ્યુલ અને ક્રૂ એસ્કેપ સિસ્ટમ અલગ થઈ જશે. ક્રૂ મોડ્યુલને શ્રીહરિકોટાથી 10 કિ.મી.ના અંતરે દરિયામાં લેન્ડ કરાવવામાં આવશે.

આ મિશનમાં વિજ્ઞાનીઓ પરીક્ષણ કરશે કે શું અબોર્ટ ટ્રેજેક્ટરી શું સારી રીતે કામ કરી રહી છે. અસલ મિશન દરમિયાન રોકેટમાં ઘરાબી આવતા અવકાશયાત્રીઓને કઈ રીતે સુરક્ષિત લેન્ડ કરાવવામાં આવશે. આવતા વર્ષની શરૂઆતમાં ગગનયાન મિશનનું પ્રથમ માનવ રહિત મિશનની યોજના છે, આ મિશન સફળ થયા બાદ માનવ મિશન મોકલવામાં આવશે જેમાં માનવને પણ અવકાશમાં મોકલાશે. ગગનયાનમાં 3 દિવસના મિશન માટે 3 સભ્યોની ટુકડીને 400 કિ.મી ઉપર પૃથ્વીની કક્ષામાં મોકલવામાં આવશે ત્યારબાદ ક્રૂ મોડ્યુલને સુરક્ષિત રૂપે દરિયામાં લેન્ડ કરાવાશે. જો ભારત સફળ રહેશે તો તે આવું કરનાર ચોથો દેશ બનશે. આ પહેલાં અમેરિકા, ચીન અને રશિયા માનવ મિશન મોકલી ચુક્યા છે.

Most Popular

To Top