National

ભારતીય મુસાફરો સાથે ફ્રાન્સમાં અટવાયેલું વિમાન 276 યાત્રીઓ સાથે મુંબઇ પહોંચ્યું

પેરિસ (Paris): ફ્રાન્સમાં માનવ તસ્કરીની (Human Trafficking) શંકાના કારણે એક વિમાન ચાર દિવસથી ફ્રાંસમાં અટવાયું હતું. અટવાયેલી આ ચાર્ટર ફ્લાઈટ (એરબસ A340) (Charter Flight) આજે મંગળવારે વહેલી સવારે 4 વાગ્યે 276 મુસાફરોને (Passengers) લઈને મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પર પહોંચી હતી. આ ફ્લાઇટ પરિસના સ્થાનિક સમય અનુસાર બપોરે 2.30 વાગ્યે પેરિસ નજીકના વેટ્રી એરપોર્ટ (Vetri Airport) પરથી મુંબઇ આવવા નીકળી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ચાર દિવસ પહેલા નિકારાગુઆ જતી રોમાનિયન કંપનીની ફ્લાઈટને ફ્રાન્સ નજીકના વેટ્રી એરપોર્ટ પર રોકવામાં આવી હતી. 303 મુસાફરોને લઈને ચાર્ટર પ્લેને દુબઈ, સંયુક્ત આરબ અમીરાતથી ઉડાન ભરી હતી. તેમજ માનવ તસ્કરીની શંકાના આધારે તેને 21 ડિસેમ્બરે પેરિસથી 150 કિમી પૂર્વમાં વિટ્રી એરપોર્ટ પર રોકવામાં આવ્યું હતું.

25 લોકોએ ફ્રાન્સમાં આશ્રય માટે અરજી કરી હતી
ફ્રાન્સના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્લેન જ્યારે મુંબઈ માટે ટેકઓફ થયું ત્યારે તેમાં 276 મુસાફરો સવાર હતા. આ મુસાફરોમાંથી 2 સગીરો સહિત 25 લોકોએ ફ્રાન્સમાં આશ્રય લેવા માટે અરજી કરી હતી. તેમજ પ્લેનને રોક્યા બાદ બે સગીરોને ગવાહી આપવા માટે કસ્ટડીમાં લેઇ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ બંનેને છોડી મૂકવામાં આવ્યા હતા.

બે મુસાફરોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી હતી
અધિકારીઓના જણાવ્યા અનુસાર મુસાફરોને એરપોર્ટના એન્ટ્રી હોલમાં રાખવામાં આવ્યા હતા. તેમજ એન્ટ્રી હોલને પણ સિક્યુરિટીથી સજ્જ કરવામાં આવ્યો હતો. તેમજ પોલીસે આ વિસ્તારમાં અન્ય મુસાફરોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. સમગ્ર મામલે પેરિસ પ્રોસિક્યુટર ઓફિસે કહ્યું હતું કે શુક્રવારે બે યાત્રિઓની અટકાયત કરવામાં આવી હતી અને પૂછપરછ કરવામાં આવી હતી. ત્યાર બાદ ગવાહી લઇ બંન્નેને મુક્ત કરવામાં આવ્યા હતાં.

ક્રૂ મેમ્બર્સની પણ પૂછપરછ કરવામાં આવી હતી
જે ફ્લાઈટ ફ્રાન્સથી ટેકઓફ થતી અટકાવવામાં આવી હતી તે લિજેન્ડ એરલાઈન્સની હતી. ઘટના બાદ એરલાઇનના વકીલ લિલિયાના બકાયોકોએ જણાવ્યું હતું કે એરબસ A340ના તમામ ક્રૂ મેમ્બર્સની પૂછપરછ કરવામાં આવી હતી અને તેમને જવા દેવાયા હતા. મુક્ત કરાયા બાદ તેમણે કહ્યું હતું કે જો ફરિયાદી એરલાઇન્સ સામે અરજી દાખલ કરશે તો તેઓ પણ કેસ દાખલ કરશે.

Most Popular

To Top