National

ભારતમાં જ પેટ્રોલના ભાવ વધે છે, પાડોશી દેશોમાં સસ્તુ થઈ રહ્યું છે, જાણો કયા દેશમાં શું છે કિંમત?

ભારતમાં (India) ઓક્ટોબર મહિનામાં સતત પેટ્રોલ-ડીઝલની (Petrol Price) કિંમતમાં વધારો થયો છે. ઓક્ટોબરના એક મહિનામાં ભારતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 8 રૂપિયા જેટલી વધી છે. હજુ પણ પેટ્રોલનો ભાવવધારો સતત ચાલુ જ છે, તો બીજી તરફ ભારત કરતા ગરીબ એવા પાડોશી દેશોમાં પેટ્રોલ મોંઘું થવાના બદલે સસ્તુ થયું છે. વિશ્વમાં સૌથી સસ્તું પેટ્રોલ વેચતા ટોપ-10 દેશોમાં આ સમયગાળા દરમિયાન માત્ર 3 થી 40 પૈસાનો વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલની કિંમતો ભલે વધી રહી હોય, પરંતુ શ્રીલંકા અને નેપાળ જેવા આપણા ગરીબ પાડોશી દેશોમાં પેટ્રોલ મોંઘુ થવાને બદલે સસ્તું થયું છે.

પાડોશી દેશ શ્રીલંકામાં (Shrilanka) પેટ્રોલની કિંમત 4 ઓક્ટોબરે 68.62 રૂપિયા હતી અને 25 ઓક્ટોબરે ઘટીને 68.35 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ હતી. એટલે કે અહીં પેટ્રોલ મોંઘુ થવાને બદલે 27 પૈસા સસ્તુ થયું છે. નેપાળની (Nepal) વાત કરીએ તો 4 ઓક્ટોબરે એક લિટર પેટ્રોલની કિંમત 81.51 રૂપિયા હતી અને 25 ઓક્ટોબરે તે ઘટીને 81.28 રૂપિયા થઈ ગઈ હતી. એટલે કે અહીં પણ પેટ્રોલ સસ્તું થયું છે.

પાડોશી દેશ પાકિસ્તાનની (Pakistan) વાત કરીએ તો અહીં પેટ્રોલની કિંમત વધી છે. તેમ છતાં ભારત કરતાં પેટ્રોલ સસ્તું જ મળી રહ્યું છે. પાકિસ્તાનમાં એક લિટર પેટ્રોલની કિંમત (25 ઓક્ટોબર 2021) માત્ર 59.27 ભારતીય રૂપિયા હતી. જ્યારે 21 દિવસ પહેલા 4 ઓક્ટોબરે અહીં પેટ્રોલ 55.61 ભારતીય રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું હતું. એટલે કે, 3 અઠવાડિયામાં માત્ર 4 રૂપિયા 64 પૈસાનો વધારો થયો છે.

આ દેશોમાં સૌથી સસ્તું પેટ્રોલ

  • વેનેઝુએલામાં પેટ્રોલની કિંમત 1.49 રૂપિયા પ્રતિ લીટર છે.
  • ઈરાનમાં 25 ઓક્ટોબરે 3 પૈસા મોંઘુ થઈને 4.49 રૂપિયા લિટર પેટ્રોલ મળી રહ્યું છે.
  • અંગોલામાં 25 ઓક્ટોબરે પેટ્રોલની કિંમત 3 રૂપિયા વધીને 20.10 રૂપિયા થઈ ગઈ.
  • અલ્જીરિયામાં એક લિટર પેટ્રોલની કિંમત 25.11 રૂપિયા છે.
  • કુવૈતમાં એક લિટર પેટ્રોલની કિંમત 21 દિવસમાં વધીને 26.13 રૂપિયા થઈ ગઈ છે.
  • નાઈજીરિયામાં 25 ઓક્ટોબરે પેટ્રોલની કિંમત 30.14 રૂપિયા લિટર પર પહોંચી ગઈ હતી.
  • તુર્કમેનિસ્તાનમાં 21 દિવસમાં પેટ્રોલની કિંમતમાં માત્ર 10 પૈસાનો વધારો થયો હતો.
  • ઇથોપિયામાં 25 ઓક્ટોબરે પેટ્રોલની કિંમત 34.40 રૂપિયા થઈ ગઈ હતી.
  • કઝાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત ઘટીને 34.74 રૂપિયા થઈ ગઈ છે.
  • મલેશિયામાં 37.04 પ્રતિ લિટર પેટ્રોલની કિંમત છે.

Most Popular

To Top