એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શનિવારે જણાવ્યું હતું કે તે બેંગલુરુમાં પેટીએમ (Paytm) , રેઝરપે અને કેશ ફ્રીના (Cash Free) છ સ્થળો પર દરોડા પાડી રહી છે. ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ કહ્યું છે કે તેણે દરોડા દરમિયાન ચીની લોકો દ્વારા નિયંત્રિત સંસ્થાઓના બેંક ખાતામાં રાખવામાં આવેલા 17 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. ઈડી સ્માર્ટફોન આધારિત “ગેરકાયદેસર” તાત્કાલિક લોન (Loan) ફાળવણીના મુદ્દાની તપાસ કરી રહી છે જે ચીનના નાગરિકો દ્વારા નિયંત્રિત છે. આ સંબંધમાં તેમના દ્વારા બેંગ્લોરમાં સ્થિત ઓનલાઈન પેમેન્ટ એપ રેઝર પે, પેટીએમ અને કેશ ફ્રીની ઓફિસ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.
- આ કંપનીઓના છ પરિસરમાં સર્ચ ઓપરેશન
- છેલ્લા 3 વર્ષમાં 42 ટકા ભારતીયો નાણાકીય છેતરપિંડીનો ભોગ બન્યા
- ઓનલાઇન પેમેન્ટ એપ રેઝરપે, પેટીએમ અને કેશફ્રી પર બેંગ્લોરમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે
આ કંપનીઓના છ પરિસરમાં સર્ચ ઓપરેશન
સૂત્રોના જણાવ્યા અનુસાર કર્ણાટકની રાજધાનીમાં સ્થિત આ કંપનીઓના છ પરિસરમાં શુક્રવારે સર્ચ ઓપરેશન શરૂ થયું હતું અને હજુ પણ ચાલુ છે. ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે રેઝરપે પ્રાઇવેટ લિમિટેડ, કેશફ્રી પેમેન્ટ્સ, પેટીએમ પેમેન્ટ સર્વિસ લિમિટેડ અને ચીની વ્યક્તિઓ દ્વારા નિયંત્રિત અથવા સંચાલિત અન્ય કંપનીઓ પર સર્ચ કરવામાં આવી છે.
17 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના જણાવ્યા અનુસાર દરોડામાં ચીની વ્યક્તિઓ દ્વારા નિયંત્રિત આ કંપનીઓના મર્ચન્ટ આઈડી અને બેંક એકાઉન્ટ્સમાં જમા કરાયેલા 17 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. આ કંપનીઓ ભારતીય નાગરિકોના નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને તેમને બનાવટી રીતે ડિરેક્ટર બનાવે છે જ્યારે આ કંપનીઓ ચીનના લોકો દ્વારા નિયંત્રિત અને સંચાલિત છે. તેમણે કહ્યું કે તપાસ હેઠળની આ કંપનીઓ વેપારી આઈટી અથવા પેમેન્ટ સર્વિસ કંપનીઓ અને બેંકો સાથે જોડાયેલા એકાઉન્ટનો ઉપયોગ કરીને ગુનામાંથી નાણાં એકત્ર કરી રહી છે અને આ કંપનીઓ દ્વારા આપવામાં આવેલા સરનામા પણ નકલી છે.
છેલ્લા 3 વર્ષમાં 42 ટકા ભારતીયો નાણાકીય છેતરપિંડીનો ભોગ બન્યા છે
પેમેન્ટ અને બેંકિંગના ડિજીટાઈઝેશનથી બેશક સામાન્ય લોકો અને સરકાર બંનેને ફાયદો થયો છે પરંતુ તેના કારણે નાણાકીય છેતરપિંડીઓમાં વધારો થયો છે. છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ 42 ટકા ભારતીયો નાણાકીય છેતરપિંડીનો ભોગ બન્યા છે. ગુરુવારે એક નવા રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. કોમ્યુનિટી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Local Circles દ્વારા આપવામાં આવેલા ડેટા મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં બેંકિંગ છેતરપિંડીથી તેમના નાણાં ગુમાવનારાઓમાંથી માત્ર 17 ટકા જ તેમના નાણાં પાછા મેળવી શક્યા હતા જ્યારે 74 ટકા લોકો કોઈ ઉકેલ શોધી શક્યા ન હતા. લોકલસર્કલના અગાઉના સર્વેમાં બહાર આવ્યું હતું કે 29 ટકા નાગરિકો તેમના એટીએમ અથવા ડેબિટ કાર્ડ પિનની વિગતો નજીકના પરિવારના સભ્યો સાથે શેર કરે છે. જ્યારે 4 ટકા તેમના ઘરેલુ અને ઓફિસ કર્મચારીઓ સાથે શેર કરે છે.
11 ટકા લોકો મોબાઈલમા સેવ રાખે છે
સર્વેમાં એ પણ સામે આવ્યું છે કે 33 ટકા નાગરિકો તેમના બેંક એકાઉન્ટ, ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને એટીએમ પાસવર્ડ, આધાર અને પાન નંબર ઈમેલ અથવા કમ્પ્યુટર પર સ્ટોર કરે છે. 11 ટકા નાગરિકો આ વિગતો તેમના મોબાઈલ ફોન કોન્ટેક્ટ લિસ્ટમાં સ્ટોર કરે છે. નવા સર્વેમાં સામે આવ્યું છે કે બેંક ખાતામાં છેતરપિંડી, ઈ-કોમર્સ ઓપરેટરો દ્વારા છેતરપિંડી, ક્રેડિટ અને ડેબિટ કાર્ડની છેતરપિંડી આ સમસ્યાના મુખ્ય કારણો છે.