Madhya Gujarat

વિરપુરમાં પાણી પ્રશ્ને પાટીદારો ‘પાણી’ બતાવશે

વિરપુર : વિરપુર તાલુકામાં ચોમાસુ પુરૂ થવા આવ્યું છતાં સિંચાઇ અને પીવાના પાણીના પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી. જેના પગલે રોષે ભરાયેલા તાલુકાના બેતાળીસ કડવા પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા સરકાર સામે બાંયો ચડાવી છે અને આંદોલનના મંડાણ કરતા હોય તેમ વિધાનસભા ચૂંટણીના બહિષ્કારની ચિમકી ઉચ્ચારી છે. વિરપુર તાલુકાના નાની સિંચાઈના તળાવો જેવા કે ધોરી ઘાટડા, ડેભારી, ખાટા, કોયડમ, ભવાનીના મુવાડા, વઘાસ, ભાટપુર સહિતના 30 જેટલા ગ્રામ્ય તળાવ તેમજ ચેક ડેમો દ્વારા સીધી તેમજ આડકતરી રીતે 5 હજાર હેક્ટર જમીનને સિંચાઈનો લાભ તેમજ 30 ગામોના પીવાના પાણીનો ઉકેલ આવી શકે તેમ છે અને તેના માટે છેલ્લા 15 વર્ષથી સરકાર તેમજ વિવિધ કક્ષાએ આ માટે લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવેલી છે.

આ વિસ્તાર માટે તાલુકાની મધ્યમાંથી પસાર થતી સુજલામ્ સુફલામ્ કેનાલમાંથી નીકળતી સૂચિત લુપ કેનાલની વર્ષ 2004માં સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. પરંતુ એક યા બીજા કારણસર કામગીરી હાથ ઉપર ન ધરી અને આ વિસ્તારને લાભથી વંચિત રાખી હળાહળ અન્યાય કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષ દરમિયાન કપડવંજ, કઠલાલ, ગળતેશ્વર, બાલાસિનોર, વિરપુર, લુણાવાડા, બાયડ વગેરે સાત તાલુકાના વંચિત વિસ્તારને લાભ આપવા માટે સરકાર દ્વારા એજન્સી નિયુક્ત કરી પ્રથમદર્શી અહેવાલ સાદર કરવા માટે જણાવ્યું હતું.

જેમાં કપડવંજ, કઠલાલ, ગળતેશ્વર અને બાલાસિનોર તાલુકાના 120 ગામોના તળાવો, ચેક ડેમો અને નાની સિંચાઈના તળાવો મહીસાગર નદીમાંથી ઉદવહનથી ભરવાની કામગીરી કરવા માટે 852 કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપી અને વિરપુર તાલુકાના એક છેડેથી પસાર થતી આ નદીમાંથી પાણી લેવાના વિકલ્પોમાંથી બાકાત રાખી અને ફરીથી ઓરમાયુ વર્તન રાખવામાં આવેલ છે. આ બાબતને લઇને દીન ત્રણમાં અધિકૃત રીતે લેખિત બોહેધરી ન મળે તો 30 ગામના લોકો આખરે મહીસાગર કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી ઉગ્ર આંદોલન તેમજ આવનારી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. ચોમાસુ હજુ પૂર્ણ થયું નથી, ત્યાં વિરપુરમાં પાણીનો પ્રશ્ન ઉભો થતાં તંત્ર માટે અગ્ની પરીક્ષાનો સમય આવ્યો છે.

વિરપુર તાલુકાના 30 ગામો દાયકાથી સિંચાઇના પાણીથી વંચિત
વિરપુર તાલુકાના ૩૦ જેટલા ગામોમાં દાયકાઓથી સિંચાઈના પાણીનો લાભ આપવામાં આવતો નથી માત્ર ચોમાસાની સિઝનમાં વરસાદથી ખેતી થાય તેજ પ્રમાણેની ખેતી કરી રહ્યા છે. આ બાબતને લઇને સિંચાઇ વિભાગને છેલ્લા 15 વર્ષથી લેખીત રજુઆત કરી હોવા છતાં આ રજુઆતને ધ્યાને લેવામાં આવતું નથી. જેને લઈને બેતાળીસ કડવા પાટીદાર સમાજના 30 જેટલા ગામોના અગ્રણીઓ દ્વારા આવનારા દિવસોમાં વિરપુર તાલુકાને સિંચાઇનો લાભ નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલન તેમજ આવનારી ચુંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
– જેન્તીભાઇ પટેલ, અગ્રણી, 42 કડવા પાટીદાર સમાજ, વિરપુર.

Most Popular

To Top