Columns

મનની અંદર ચાલતા કામ, ક્રોધ, રાગ, દ્વેષ વગેરેને જીતવાનો સંદેશો આપતું પર્યુષણ પર્વ

પર્યુષણ એટલે મનનું પ્રદૂષણ દૂર કરનાર પર્વ. મનની અંદર ચાલતાં રાગ, દ્વેષ, કામ, કષાયને જીતવાનો સંદેશ આપે તે પર્યુષણનું પર્વ. જીતે તે જિન અને જિનને પૂજે તે જૈન. જીતે એટલે વિષયોને નમાવે, અહમનો અંત આણે અને ચંચળ મનને કાબૂમાં રાખે. જૈન ધર્મ કહે છે કે દેહ અને આત્મા અલગ છે. દેહ સાધન છે અને આત્મા સાધ્ય છે. આ સાધ્યનો રાહ તપ, ત્યાગ, અહિંસા અને સંયમથી ભરેલો છે. સાગર તરવા જેમ નાવ સાધન છે. જેમ સાગર પાર કરી નાવને સાથે રાખતું નથી તેમ સંસારસાગર તરવા દેહરૂપી નાવ છે. દેહને વળગી આત્માનું અસ્તિત્વ ભૂલી જવું એ જીવનદ્રોહ છે. આ વિચાર ફેલાવવા દેહને સાચવવો જરૂરી છે પરંતુ તેની આળપંપાળ એ ધર્મદ્રોહ છે.

આ આત્માને ઓળખવા મનુષ્યે અભય, અહિંસા અને પ્રેમ જીવનમાં કેળવવા પડશે. દરેક સ્થળે ત્રાહિમામ પોકારાઈ રહી છે તો એમાંથી છૂટકારાનો ઉત્તમ ઉપાય આત્માની ખોજ છે; પ્રેયના અને શ્રેયના, નશ્વર અને વિનશ્વરના વિવેકમાં છે. મનને શુદ્ધ કરી વિષયોને જીતવાનો પ્રયત્ન કરવો એ દરેક જૈનનો ધર્મ છે. નિર્મળતા વિના આત્મા સમીપ જઈ શકાતું નથી અને આંતરશુદ્ધિ વિના એનો સંપર્ક સધાતો નથી. આ પર્વાધિરાજ પર્યુષણનો મર્મ છે. જીવનના ઉપદ્રવો શાંત કરવા માટે તપ એ શ્રેષ્ઠ વિકલ્પ છે. કર્મ નિર્જરાનું ઉત્કષ્ટ માધ્યમ પર્યુષણ પર્વ છે. પર્યુષણ એ આધ્યાત્મિક ચેતનાની જાગૃતિનું પર્વ છે. ત્યાગ, તપસ્યા, જપ, સ્વાધ્યાય, ધ્યાનથી આત્માને ભાવિત કરવો જોઈએ.

પર્યુષણ પર્વ દરમિયાન આધ્યાત્મિક પ્રવૃત્તિ જેવી કે અહિંસાની પ્રતિપાલના કરવી, અઠ્ઠાઈની તથા તેલાની તપસ્યા કરીને આત્માનું કલ્યાણ કરવું, દરેક પ્રાણી પ્રત્યે વાત્સલ્યભાવ, મૈત્રીભાવ, પ્રેભભાવ રાખવો, પ્રતિક્રમણ કરવું જોઈએ; એટલે કે અઢાર પાપોનું પ્રાયશ્ચિત કરવું. પ્રાણીમાત્ર પ્રત્યે ક્ષમાભાવ રાખવો, રાગદ્વેષ ન રાખવો. પર્યુષણ દરમિયાન પાંચ કર્તવ્યો કરવાનું શાસ્ત્ર-વિધાન છે. આ પાંચ કર્તવ્યો નીચે પ્રમાણે છે :
અમારિ પ્રવર્તન : કોઈને મારવું નહિ એટલે કે અહિંસાનું પ્રવર્તન.
સાધર્મિક વાત્સલ્ય : સમાન ધર્મ પાળનાર પ્રત્યે સ્નેહ રાખવો તથા તેની સેવા કરવી.
અઠ્ઠમ તપ : સળંગ ત્રણ દિવસના ઉપવાસ કરવા.
ચૈત્ય-પરિપાટી : ચૈત્ય એટલે દેરાસર. દેરાસરે જઈને પ્રભુભક્તિ કરવી.
ક્ષમાપના : પોતાના દોષોનું પ્રાયશ્ચિત્ત કરીને ક્ષમા માગવી અને બીજાઓના દોષોને ઉદાર હૈયે ક્ષમા આપવી.

પર્યુષણ દરમિયાન વ્યાખ્યાનમાં શ્રાવક-શ્રાવિકાનાં વાર્ષિક ૧૧ કર્તવ્યોનું પણ વાચન કરવામાં આવે છે, જે નીચે મુજબ છે. ૧) સંઘપૂજા : સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાના ચતુર્વિધ શ્રી સંઘની સ્થાપના તીર્થકર ભગવંતો કરે છે અને તેઓ ખુદ પણ શ્રી સંઘને નમસ્કાર કરે છે. શ્રી સંઘની યથાશકિત પૂજા કરવી જોઈએ. ૨) સાધર્મિક ભકિત : સાધર્મિકના આધારે જ ધર્મ ટકે છે. તેથી તેમની ભકિત વિશેષ પ્રકારે કરવી જોઈએ. ત્રાજવાનાં એક પલ્લામાં જીવનમાં કરેલો તમામ ધર્મ મૂકવામાં આવે અને બીજાં પલ્લાંમાં સાધર્મિક ભક્તિ મૂકવામાં આવે તો સાધર્મિક ભક્તિનું પલ્લું નમી જાય છે. ૩) યાત્રાત્રિક : ત્રણ પ્રકારની યાત્રા કરવી જોઇએ. અષ્ટાહ્નિકા યાત્રા એટલે જિનેશ્વર પ્રભુની ભકિત સ્વરૂપ અઠ્ઠાઈ ઉત્સવ વગેરે. રથયાત્રા એટલે સુશોભિત રથમાં પ્રભુને બિરાજમાન કરી સામુહિક શોભાયાત્રા કરવી અને તીર્થયાત્રા એટલે વિધિપૂર્વક સ્થાવર તીર્થની યાત્રા.

૪) સ્નાત્ર મહોત્સવ : તીર્થંકર પરમાત્માનો જન્મ થાય છે ત્યારે દેવો મેરુ પર્વત પર જઇને પરમાત્માના જન્મ મહોત્સવની ઉજવણી કરે છે. મેરુ શિખર પર દેવોએ પ્રભુને કરેલ અભિષેકની પ્રતિકૃતિ સ્વરૂપ સ્નાત્ર મહોત્સવ કરવો તે શ્રાવક-શ્રાવિકાનું કર્તવ્ય છે. ૫) દેવદ્રવ્યની વૃદ્ધિ : ધનની આસકિત ઓછી થાય તે માટે દેવની ભકિત સ્વરૂપે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી. દેવદ્રવ્યનો ઉપયોગ જિનાલય તેમ જ જિનપ્રતિમા માટે જ કરી શકાય છે.

૬) મહાપૂજા : ઉત્તમ દ્રવ્યોથી જિનેશ્વર પ્રભુને વિશિષ્ટ રીતે મહાપૂજા કરવી. મહાપૂજામાં જિનાલયને શણગારવામાં આવે છે. ૭) રાત્રિજાગરણ : ભગવાનના કલ્યાણક દિવસો, ગુરુનિર્વાણ દિન કે મોટી તપસ્યા વગેરેના નિમિત્તે રાત્રિ જાગરણ કરવું જોઇએ. રાત્રિજાગરણ દરમિયાન માત્ર પરમાત્મભક્તિ કરવી જોઇએ. ૮) શ્રુતભકિત : શ્રુત ભણવું, ભણાવવું, લખવું, લખાવવું આદિ શ્રુતભકિત છે. જૂના કાળમાં શાસ્ત્રગ્રંથો હાથે લખવામાં આવતા, જેને કારણે તેનું આયુષ્ય હજારો વર્ષોનું રહેતું હતું.

૯) ઉદ્યાપન : તપના અનુષ્ઠાન દ્વારા આત્મામાં પ્રગટેલા આનંદની અભિવ્યકિત રૂપે ઉત્તમ ધાર્મિક ઉપકરણો વડે ઉદ્યાપન કરવું. ૧૦) તીર્થ પ્રભાવના: વિશિષ્ટ તીર્થોમાં સંપત્તિનો સદ્વ્યય કરવો તે તીર્થ પ્રભાવના છે. ૧૧) આલોચના : વ્રત, નિયમ, ધર્મક્રિયા દરમિયાન થયેલ અવિધિ, આશાતના કે ખંડન થયું હોય તેનું પ્રાયિશ્ચત કરવું. આ વાર્ષિક ૧૧ કર્તવ્યો શ્રાવકજીવનના શણગારરૂપ છે, જેનાથી ધર્મનાં વિવિધ ક્ષેત્રો ઉજાગર થાય છે.

તીર્થંકર ભગવંતોએ બે પ્રકારનો ધર્મ બતાવ્યો છે. પાપથી સર્વથા વિરામ રૂપ સર્વવિરતિ ધર્મ એટલે સાધુ જીવન અને પાપથી આંશિક વિરામરૂપ દેશવિરતિ ધર્મ એટલે શ્રાવક જીવન. પૌષધ વ્રત તે શ્રાવક જીવન દરમિયાન સાધુપણાનો આસ્વાદ લેવા માટેનો અવસર છે. શ્રાવકનાં બાર વ્રતોમાં અગિયારમું વ્રત તે પૌષધ. ધર્મને પુષ્ટ કરે તે પૌષધ ચાર પ્રકારના છે :
૧. આહાર પૌષધ – ચૌવિહાર ઉપવાસ અથવા તિવિહાર ઉપવાસ, આયંબીલ, એકાસણું કરવું તે.
૨. શરીર સત્કાર પૌષધ – સ્નાન વિલોપન વગેરેનો ત્યાગ કરીને શરીરનો સત્કાર નહીં કરવો તે.
૩. અવ્યાપાર પૌષધ – કોઈ પણ પ્રકારનો સાંસારિક વ્યાપાર કે વ્યવહાર નહીં કરવો તે.
૪. બ્રહ્મચર્ય પૌષધ – મન, વચન, કાયાથી બ્રહ્મચર્યનું પાલન કરવું તે.

દિવસ-રાતના ચાર પ્રહર કે આઠ પ્રહરનો પૌષધ કરી શકાય છે. પર્યુષણના આઠ દિવસ દરમિયાન ચોસઠ પ્રહરના એટલે કે આઠ દિવસના પૌષધની આરાધના ઘણાં ભાવિકો કરશે. આ દિવસો દરમિયાન ઉપાશ્રયમાં જ રહીને સાધુ જીવનની જેમ જ જીવીને ધર્મધ્યાનમાં જ માત્ર પ્રવૃત્ત રહેશે. પાંચમ, આઠમ અને ચૌદશ જેવી પર્વતિથિઓએ પૌષધ કરવાનું વિધાન છે. પૌષધ એ એક પ્રકારની સાધુજીવનની તાલીમશાળા છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે એક અહોરાત્ર એટલે કે ચોવીસ કલાકનો પૌષધ કરવાથી ૩૦ સામાયિકનું ફળ મળે છે. પૌષધ વ્રતની આરાધના માટે અંતિમ રાજર્ષિ ઉદાયન રાજાનું દ્રષ્ટાંત જૈન પરંપરામાં પ્રખ્યાત છે. પર્યુષણ પર્વનું સાધ્ય ક્ષમા છે અને ક્ષમાની પ્રાપ્તિ માટે પૌષધ વ્રત છે. ‘પૌષધ’ની સામાન્ય વ્યાખ્યા એ છે કે જેમાં સંસારી વ્યક્તિ સંપૂર્ણપણે શ્રમણ જેવું જીવન સ્વીકારીને બાર કલાક યા ચોવીસ કલાક તેનું પરિપૂર્ણ પાલન કરે તેને કહેવાય પૌષધ.

જૈન ગૃહસ્થના જીવનનું સર્વોચ્ચ કક્ષાનું વ્રત પૌષધ ગણાય છે. એ સમય દરમ્યાન ઘરનો પણ ત્યાગ કરવાનો હોય છે. પૌષધ શા માટે કરવો જોઈએ? એનું એકદમ સરળ કારણ પૂજ્ય આત્મારામજી મહારાજે સવાસો વર્ષ પૂર્વે વલ્લભીપુરમાં કરેલી રસપ્રદ પ્રરૂપણામાંથી મળી રહે છે. એમણે ત્યાં ચાર શ્રેષ્ઠ બાબતો દર્શાવીને કહ્યું હતું કે પ્રત્યેક જૈને જીવનમાં ઓછામાં ઓછી એક વાર તો તે આત્મસાત્‌ કરવી જ જોઈએ. એમાંની એક વાત હતી ચોસઠ પ્રહરી પૌષધ. તેનાથી વ્યક્તિમાં વિરતિ ધર્મના સંસ્કારો પાંગરે છે અને ભાવિમાં ચારિત્ર ધર્મપ્રાપ્તિની શક્યતા રહે છે.

Most Popular

To Top