Charchapatra

વાચકઋષિ મહેન્દ્ર મેઘાણી

ગુજરાતના વાચનઋષિ મહેન્દ્ર મેઘાણીએ પોતાના જીવનની સદી તા. 20/6/22 પૂરી કરી અને તા. 03/08/22 ના રોજ ચિરનિદ્રામાં પોઢી ગયા. તેઓ માનતા કે બંદૂકથી આવેલ ક્રાંતિ અલ્પજીવી હોય છે. બેલેટ (મતદાન)થી આવેલ ક્રાંતિ બહુ સફળતા પામતી નથી, માટે તેઓ પુસ્તક રૂપી પારસમણિથી ક્રાંતિ કરવા ઈચ્છતા હતા. જે માટે તેઓ જીવનભર મંડેલા રહ્યા. આપણી પ્રજાનાં અનેક અનિષ્ટોનું મૂળ કદાચ વિચારશૂન્યતામાં સમાયું છે. જે વાચનના સમૂળગા અભાવ કે યોગ્ય વાચનના અભાવનું પરિણામ છે. ગુજરાતી સાહિત્યમાં વાચકને ઉપરોક્ત સઘળું મળી રહે તે શોધવાનું મધમાખી કાર્ય કરવા તેમણે કમ્મર કસી તે શોધી સુલભ કર્યું. પરંતુ મહેન્દ્રભાઈ સમસ્યા વાગોળનારા નહીં, પણ તે ઉકેલનારા હતા. પરિણામે લોકો કેમ વાંચતા નથી તે શોધી બેસી ન રહેતાં તેનો ઉકેલ પણ સાથોસાથ શોધી કાઢયો.

જેમકે લોકો પાસે લાંબાં લખાણો વાંચવા સમય નથી. તેમણે ટૂંકાં લખાણો, સાર સંક્ષિપ્તો સુલભ કર્યાં. પુસ્તક મૂકવા જગ્યા નથી. નાના કદના ખીસામાં સમાય તેવાં પુસ્તકો પ્રકાશિત કર્યાં. ભારેખમ શબ્દોવાળું, અઘરું વાચન સમજાતું નથી. સરળ શબ્દોમાં, સોંસરું વાચન શોધી સુલભ કર્યું. પુસ્તકો મોંઘાં છે. પુસ્તક પ્રકાશક તરીકે કરકસર કરી, સાદગીભર્યું જીવન સ્વીકારી, વધુ નકલો પ્રકાશિત કરી, આગોતરા ગ્રાહક યોજના કરી વાચકને ઓછી કિંમતે પુસ્તકો પૂરાં પાડયાં. ઉદા. અડધી સદીની વાચનયાત્રા – ભાગ 1 થી 4. નયનરમ્ય રંગીન કવરે પેજવાળું પાકા પૂંઠાનું, સુઘડ મુદ્રણવાળું 480 પાનાનું પુસ્તક રૂા. 75/- માં આગોતરા ગ્રાહક યોજનામાં રૂા. 50/-માં આજ સુધીમાં આ પુસ્તકની 75 હજાર નકલો વેચાઈ છે.

આ આખી વ્યવસ્થાને મહેન્દ્રભાઈ ‘પુણ્યનો વેપાર’ કહે છે. ટી.વી., મોબાઈલને કારણે જૈફ ઉંમરે લોકોની વાચનરુચિ ઘટતી જોઈ જાણી-ખભે થેલો ને માથે ટોપી પહેરી ગામેગામ ઘેરઘેર ફેરિયાની જેમ ‘સરસ’ પુસ્તકો વાંચવા જતા. આવા કમીટેડ દુર્લભ વ્યકિતએ ગુજરાતી પુસ્તકો, પુસ્તકાલયો, સાહિત્યને તેના વાચકો સાથે જોડનાર મહત્ત્વની કડી તે વાચન પ્રવૃત્તિ તે પણ એકલ પંડે કરનારા મહેન્દ્રભાઈને લાખ લાખ સલામ.
વ્યારા  – પ્રકાશ સી. શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top