Top News

More Posts

   The Latest

Most Popular

પારડી: (Pardi) પારડી તાલુકાના ગોઈમા ગામે પુત્રીને મારમારી અવાર-નવાર હેરાન કરતો હોવાની અદાવત રાખી સસરાએ જમાઈને ઓઢણી વડે ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ હત્યાને (Murder) આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરતા પીએમ રિપોર્ટમાં હત્યા કરી હોવાની સમગ્ર હકીકત બહાર આવતા પોલીસે સસરા અને હત્યામાં સામેલ એક સગીર યુવકને ઝડપી પાડ્યો હતો.

  • સસરાએ જ જમાઈનું ઢીમ ઢાળી દીધુ
  • પુત્રીને મારમારી અવાર-નવાર હેરાન કરતો હોવાની અદાવત રાખી પારડીના ગોઇમા ગામમાં જમાઈની હત્યા કર્યાની સસરાની કબૂલાત
  • હત્યાને આત્મહત્યામાં ખપાવવા ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યાનું તરકટ રચ્યુ હતુ
  • ગળું દબાવી હત્યા થઇ હોવાનો પીએમ રિપોર્ટમાં પર્દાફાશ થતાં સસરા અને એક સગીર ઝડપાયો

પારડીના સોનવાડા ગામે બ્રાહ્મણ ફળિયા ખાતે રહેતા રિતેશ મહેશ પટેલના લગ્ન ગોઈમા ગામે કેરપાડા ફળિયામાં રહેતા વિનોદ ગુલાબ પટેલની પુત્રી વૈદેહી સાથે થયા હતા. ગતરોજ સવારે રિતેશનો નાનોભાઈ મિલન પટેલ ઉપર ફોન આવ્યો હતો કે, રિતેશ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા નાનાપોઢા સરકારી દવાખાનામાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. જે બાદ પરિવાર ત્યાં દોડી આવ્યો હતો. જ્યાં રિતેશના સસરા વિનોદે અમારા ઘરે લાકડાના દંડા સાથે રિતેશ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા નાનાપોઢા સરકારી હોસ્પિટલમાં લાવતા તબીબે મૃત જાહેર કર્યો હોવાનું જણાવ્યું હતું.

જે બાદ પીઆઈ બી.જે. સરવૈયાની ટીમે તપાસ હાથ ધરતા ગણતરીના કલાકમાં ભેદ ઉકેલાયો હતો. જેમાં પીએમ રિપોર્ટમાં રિતેશ મહેશ પટેલનું મોત ગળું દબાવવાથી થયેલું હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે પોલીસે તપાસ હાથ ધરતા સસરા વિનોદ પટેલે પોતે જમાઈને ગળે ટૂંપો આપી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પીઆઈ બી.જે. સરવૈયા અને તેમની ટીમ, એફએસએલની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી તપાસ હાથ ધરી હતી. પારડી પોલીસે જમાઈ રિતેશની હત્યા કરનાર આરોપી સસરા વિનોદ ગુલાબ પટેલ અને એક સગીરની ધરપકડ કરી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

દારૂ પી ને પત્ની તથા સાસુને માર માર્યો હતો
સસરા વિનોદ પટેલે જણાવ્યું હતું કે ગત 26 જાન્યુઆરી 2024 ના રોજ સાંજે રિતેશ દારૂ પીધેલી હાલતમાં અમારા ઘરે આવી બોલાચાલી કરી ઝઘડો કરતો હતો. વિનોદની પુત્રી વૈદેહી તથા તેમની પત્ની સરસ્વતીને માર મારતા વિનોદ પટેલે છોડાવ્યા હતા. જે બાદ રિતેશ તેના સાસરીમાં સૂઈ ગયો હતો. વિનોદની દીકરીને અવાર-નવાર માર મારી હેરાન પરેશાન કરતો હોવાની અદાવત રાખી જમાઈને મનોમન મારી નાખવાનું નક્કી કર્યું હતું. પરંતુ દીકરી સેજલના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી ત્યાં રોકાયેલા હોવાનું જણાવ્યું હતું. જે બાદ ગતરોજ આરોપી વિનોદ તેની પત્ની, પુત્રી અને પૌત્રીને બાઇક પર બેસાડી સુખાલા ખાતે તેની દીકરી સેજલના ઘરે મૂકી આવ્યો હતો. જ્યારે તેનો જમાઈ રિતેશ ઘરે એકલો સૂતો હતો ત્યારે વિનોદ પટેલ ઘરે આવી એક સગીર યુવકને જમાઈના પગ પકડી રાખવા જણાવ્યું હતું. જેથી સગીરે પગ પકડી રાખી સસરાએ જમાઈને ઓઢણી વડે ગળે ટૂંપો આપી હત્યા કરી દીધી હતી. બાદમાં હત્યાને આત્મહત્યામાં ખપાવવા જમાઈ રિતેશ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ખાનગી કારમાં નાનાપોઢા સરકારી દવાખાને લઈ આવ્યો હતો.

To Top