Top News

More Posts

   The Latest

Most Popular

સુરત(Surat) : જ્યારથી અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરનું (RamMandir) નિર્માણ થયું છે ત્યારથી દેશભરમાં રામ ભક્તોમાં મંદિર અને રામ લલ્લા પ્રત્યેની આસ્થા વધી છે. ભક્તો પોતાની શક્તિ પ્રમાણે રામ મંદિર પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યાં છે. સુરતના એક કલાકારે રામ મંદિરની પ્રતિકૃતિ બનાવી હતી જેની ડિમાન્ડ દેશભરમાં ઉભી થઈ હતી અને હવે ફરી એકવાર સુરતમાં રામ મંદિરની પ્રતિકૃતિ જોવા મળી છે. આ વખતે કેકમાં (RamMandirCake) રામ મંદિર જોવા મળ્યું છે.

  • ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરસાણા ખાતે આયોજિત ત્રિદિવસીય ફૂડ એક્સપોમાં રામ મંદિરના આકારની કેક આકર્ષણનું કેન્દ્ર બની
  • સુરતના જાણીતા કેક ઉત્પાદકે 20 કિલોની કેક બનાવી

સુરતના સરસાણા ખાતે ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (SGCCI) દ્વારા આજથી ફૂડ એક્સ્પોનું (FoodExpo) આયોજન કરાયું છે. આ ફૂડ એક્સ્પોમાં જાતભાતની વાનગીઓ રજૂ કરવામાં આવી છે, પરંતુ સૌથી વધુ આકર્ષણ રામ મંદિરના આકારની કેકનું જોવા મળી રહ્યું છે.

સરસાણા એક્ઝિબિશન સેન્ટર ખાતે ફૂડ એન્ડ એગ્રીટેક એક્સપોનો આયોજન કરવામાં આવ્યું છે જેમાં ફૂડ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા અલગ અલગ કંપનીઓ દ્વારા પોતાના સ્ટોલ મુક્યા છે. આ ફૂડ એક્સોમાં ભગવાન રામના મંદિરની થીમ પણ જોવા મળી છે. સુરતની જાણીતી કેક બનાવતી કંપનીએ રામ મંદિરની પ્રતિકૃતિ સમાન કેક એક્સ્પોમાં મુકી છે. આ કેક એક્સ્પોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

પાંચ દિવસમાં 20 કિલોની કેક બનાવાઈ
કેક બનાવતી કંપનીના વિરલ પાઘડાળે કહ્યું કે, પ્રભુ શ્રી રામનું અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બન્યું છે. તે મંદિરના નિર્માણમાં કંપનીએ યોગદાન આપ્યું છે. આ સાથે જ ફૂડ એક્સ્પો માટે રામ મંદિરની પ્રતિકૃતિ રૂપે રામ મંદિર આકારનું ડિસ્પલે કેક બનાવાયું છે. પાંચ દિવસની મહેનત બાદ 20 કિલોનું કેક બનાવાયું છે.

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ત્રિદિવસીય ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પો– ર૦ર૪નો શુભારંભ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. ૧૦/૦ર/ર૦ર૪થી ૧ર/૦ર/ર૦ર૪ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘ફૂડ એન્ડ એગ્રીટેક– ર૦ર૪’ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો આજથી ભવ્ય શુભારંભ થયો છે.

ધી સુરત ડિસ્ટ્રીકટ કો–ઓપરેટીવ બેંક લિમિટેડના ચેરમેન બળવંત પટેલ પધાર્યા હતા અને તેમના હસ્તે એક્ષ્પોનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. નેશનલ કો–ઓપરેટીવ ડેવલપમેન્ટ કોર્પોરેશનના રિજીયોનલ ડાયરેકટર સંજય કુમાર, ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કો–ઓપરેટીવ લિમિટેડના ડાયરેકટર ભાવેશ રાદડીયા, યુરો ઇન્ડિયા ફ્રેશ ફુડ્‌સના ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેકટર મનહર સાસપરા, બારડોલી પ્રદેશ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ પ્રદિપ અગ્રવાલે સમારોહમાં અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવ્યું હતું.

બે વર્ષમાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે 90 લાખ રોજગારી ઉદ્દભવશે: ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયા
ઉદ્દઘાટન બાદ ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયાએ કહ્યું કે, ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે ભારત વિશાળ પ્રમાણમાં વિકસિત થઈ રહ્યું છે. ભારતમાં આ ક્ષેત્ર 15 ટકાનો વિકાસ દર ધરાવે છે. એક અંદાજ મુજબ, આગામી બે વર્ષમાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે 90 લાખ નવા રોજગાર નિર્માણ થવાની સંભાવના છે. એક અંદાજ મુજબ, જેટલા આહારનું હાલમાં સેવન થાય છે તેના કરતા 4 ગણું કન્ઝમ્પ્શન આગામી ર૦ વર્ષોમાં વધશે. એટલે જ ભારત સરકાર દ્વારા ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે ભારતની અર્થવ્યવસ્થા 20 ટકા ફાળો આપે તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. હાલમાં તે 8 ટકા છે.

To Top