Comments

ઉત્તરાખંડ બાદ અન્ય રાજ્યોમાં પણ યુસીસી લવાશે

ઉત્તરાખંડમાં સમાન નાગરિક ધારો મંજૂર કરાયો છે અને એ કાયદો બની શકે છે. જો કે, વર્તમાન ધામી સરકાર ફરીથી ચૂંટાય તો એ સરળતાથી લાગુ થશે. અન્ય પક્ષની સરકાર એનો અમલ અટકાવે એવું ય બને. ઉત્તરાખંડ સરકાર દ્વારા એક નવો ચીલો તો જરૂર પડાયો છે અને હવે અન્ય ભાજપી રાજ્યોમાં પણ આ બીલ લાવવામાં આવે એ શક્ય છે. ભાજપના એજન્ડામાં વર્ષોથી સમાન નાગરિક ધારો એટલે કોમન સિવિલ કોડ છે. કેન્દ્ર સરકાર પણ આ વિષે વાત કરે છે.

ઉત્તરાખંડ એવું પહેલું રાજ્ય બન્યું છે, જ્યાં સમાન નાગરિક ધારો પસાર કરાયો છે અને એ લાવતાં પહેલાં સરકાર દ્વારા એક સમિતિ બનાવાઈ હતી, જેણે દુનિયાભરના કાયદાઓ ચકાસ્યા હતા. ઘણા મુસ્લિમ દેશોમાં પણ આવા કાયદાઓ છે. જેમ કે, તુર્કીયા. ૧૯૨૬થી ત્યાં આવો કાયદો છે અને એમાં ૨૦૦૨માં સુધારો કરાયો. નેપાળમાં પણ બહુવિવાહ પર રોક છે. ઇન્ડોનેશિયા. સાઉદી અરબમાં પણ આવા કાયદા છે અને વિકસિત દેશો કે અમેરિકા , ફ્રાંસ , જર્મનીમાં તો છે જ. ભારત એમાં સામેલ થાય એવું ભાજપ સરકારો ઈચ્છે છે.

આ કાયદા તળે વિવાહ , તલાક , સંપત્તિની ભાગીદારી , લીવ ઇનમાં રહેતા હો તો પણ રાજીસ્ટ્રેશન મહિલા – પુરુષ સમાન અધિકારો વિગેરે એક બાબતોને સામેલ કરવામાં આવી છે. મુસ્લિમો એનો વિરોધ કરે છે. એમનું કહેવું છે કે, શરીયત વિરુદ્ધની કોઈ વાત નહિ સ્વીકારે અને આ મુદે્ કાનૂની લડત થાય એ શક્ય છે. પણ ઘણા મુસ્લિમ દેશોમાં આવા કાયદા છે એ વાતને આ વિરોધીઓ ધ્યાને લેતા નથી. અને હા, ઘણાને એ ખ્યાલ નથી કે, ગોવામાં વર્ષોથી આવો કાયદો છે. ગોવામાં પોર્ટુગીઝ શાસન હતું ત્યારે એ કાયદો હતો અને ગોવા રાજ્ય બન્યું ત્યારે એ કાયદો અપનાવાયો. આજે એ ગોવા પરિવાર કાનૂન તરીકે ઓળખાય છે.

એમાં વહુ વિવાહ પર મનાઈ છે. પણ એક છૂટ છે એવી કે, લગ્નના અમુક વર્ષ બાદ પત્ની બાળક ના આપી શકે તો પતિ બીજા લગ્ન કરી શકે. એમ તો ઉત્તરાખંડ દ્વારા જે કાયદો વિધાનસભામાં પસાર કરાયો એમાં ય એક છૂટ છે અને એ છે કે, આ રાજ્યનાં આદિવાસીઓને આ કાયદો લાગુ નહિ પડે. અહીં સમસ્યા છે. મુસ્લિમો આ મુદે્ વિરોધ કરી શકે છે અને એ વાતે આ કાયદાના અમલમાં બાધા ઊભી થઇ શકે. આદિવાસીઓમાં પોતાના કાયદા છે અને સરકારના કેટલાક કાયદાઓ એમને લાગુ પડતા નથી.

તીન તલાકનો કાયદો રદ કરાયો એ મોદી સરકારની સિદ્ધિ છે, પણ સમાન નાગરિક ધારો એ લાવશે કે કેમ? હમણાં તો એ શક્ય નથી. ચૂંટણીઓ માથે છે. મોદી સરકાર ફરી આવે એવી શક્યતા વિપુલ ગણાવાય છે એટલે ચૂંટણી બાદ આવું કોઈ પગલું લેવાઈ શકે છે અને ભાજપી રાજ્યો પણ આગળ વધી શકે છે. ગુજરાત સરકારમાં આ મુદે્ કોઈ સળવળાટ નથી. થોડા સમય પહેલાં ચર્ચા હતી. પણ કોઈ મુસદો્ તૈયાર થયો હોય એવું તો જાણમાં નથી.

કેન્દ્ર – રાજ્ય વચ્ચે આર્થિક અન્યાય
દિલ્હીમાં કર્નાટક સરકાર દ્વારા ધરણાં થયા અને મુદો્ એ હતો કે, કેન્દ્ર સરકાર દ્વારા એમને અન્યાય થાય છે. પૂરાં નાણાં ફાળવાતાં નથી કે જેને માટે એ હકદાર છે. આવી ફરિયાદ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી તો છાશવારે કરતાં રહે છે. હમણાં એ પણ ધરણાં પર બેઠાં હતાં. એમની ફરિયાદ એ છે કે, મનરેગા અને અન્ય યોજનામાં કેન્દ્ર સરકાર દ્વારા નાણાંકીય ફાળવણી પૂરતી થઇ નથી. મમતા આ મુદે્ વડા પ્રધાન મોદીને પણ એકથી વધુ વાર મળ્યાં છે.

દિલ્હીમાં કર્નાટક સરકારનાં ધરણામાં મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓ અને કોન્ગ્રેસના ધારાસભ્યો પણ સામેલ હતા. કર્નાટક સરકારનું કહેવું છે કે, એ કેન્દ્રને ૧૦૦ રૂપિયા આપે તો કેન્દ્ર દ્વારા માત્ર ૧૨ રૂપિયા જ મળે છે. આ અન્યાય છે. આ વાતમાં કેરળ સરકારે પણ સૂર પુરાવ્યો છે અને કેરળ સરકાર પણ આવાં ધરણાં કરવાની છે અને હા, આ ધરણામાં અરવિંદ કેજરીવાલ પણ સામેલ થયા હતા. ફરિયાદ એવી ય છે કે, ભાજપ શાસિત રાજ્યોને પૂરી નાણાંકીય ફાળવણી થાય છે જ્યારે અન્ય પક્ષની સરકારને પૂરાં નાણાં અપાતાં નથી. કેન્દ્ર સરકાર દ્વારા આ ધરણા અને ટીકાઓ મુદે્ કોઈ જવાબ પણ અપાયો નથી.

ભાજપ અન્ય પાર્ટીઓ તોડવામાં માહેર
લોકસભાની ચૂંટણી જાહેર થવામાં છે  અને કેટલાય પક્ષોમાં ભંગાણ થઇ રહ્યું છે. ‘ઇન્ડિયા’માં ગાબડાં પડ્યાં છે. નીતીશકુમાર એનડીએ ગયા છે. તો યુપીમાં આરએલડી પણ એનડીએમાં જોડાય એ નક્કી થઇ ગયું છે. સપાના સર્વેસર્વા અખિલેશ યાદવ સાચું કહે છે કે, ભાજપને પાર્ટીઓ તોડવાની ફાવટ છે. ક્યારે કોને તોડવા એ ભાજપ જાણે છે. કોને ખરીદવા એ પણ ભાજ્પ જાણે છે. ચંડીગઢમાં મેયરની ચૂંટણીમાં ધાંધલ થઇ એનો ય ઉલ્લેખ અખિલેશે કર્યો છે.

બીજી બાજુ , સંસદમાં યુપીના દસ વર્ષના કાર્યકાળ પર મોદી સરકારે શ્વેત પત્ર આપ્યું એ સામે કોંગ્રેસ દ્વારા એક બ્લેક પત્ર બહાર પાડવામાં આવ્યું છે અને એમાં જણાવાયું છે કે, છેલ્લાં દસ વર્ષમાં ભાજપે ૪૧૧ ધારાસભ્યો તોડ્યા છે. ભાજપ કોઈ પણ હદે જઈ સત્તા મેળવવામાં પાછીપાની કરતો નથી. છેલ્લા ઘણા સમયથી આ જોવામાં આવ્યું છે. ગુજરાતમાં તો ભાજપે કોંગ્રેસને લગભગ તોડી જ નાખી છે. કોન્ગ્રેસના ધારસભ્યો સહિત ૧૦૦ જેટલા આગેવાનો ભાજપમાં આવ્યા છે અને એ ય પાંચ સાત વર્ષમાં જ. જો કે, ઝારખંડમાં એ સફળ ના થયા અને દિલ્હીમાં સફળ થશે કે કેમ એ કહી શકાય એમ નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top