Top News

More Posts

   The Latest

Most Popular

ગાંધીનગર,તા.26
હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં, ગુજરાતના દરિયાકાંઠા પાસે સરેરાશ સમુદ્ર સપાટીથી આશરે 1.5 કિમી ઊંચાઈએ ઉપરવર્તી હવામાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત્ છે. ઉપરાંત, ગુજરાત પર 3.1 કિમી ઊંચાઈએ પણ ઉપરવર્તી ચક્રવાતીય પ્રવાહ સક્રિય રહ્યો છે.તે સિવાય દક્ષિણ આંતરિક કર્ણાટકથી મરાઠાવાડા સુધી 0.9 કિમી ઊંચાઈએ ટ્રફ લાઇન યથાવત્ છે અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન તેમજ પાકિસ્તાનની સરહદ નજીક 1.5 કિમી સુધી ફેલાયેલું વધુ એક ઉપરવર્તી સાયક્લોનિક સર્ક્યુલેશન પણ કાર્યરત છે.

આ પરિસ્થિતિઓને કારણે આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર જોવા મળવાની સંભાવના છે.હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં અંદાજે 2 ડિગ્રી સેલ્સિયસ જેટલો ધીમે ધીમે ઘટાડો નોંધાઈ શકે છે. ત્યારબાદ ફરી 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ જેટલો તાપમાનમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યના વિવિધ શહેરોમાં ગરમીનો પ્રભાવ વઘ્યો છે. ભૂજ, કંડલા પોર્ટ, કંડલા એરપોર્ટ, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ડીસા, ગાંધીનગર, વડોદરા અને સુરતમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમરેલી, મહુવા અને કેશોદમાં 35 ડિગ્રી સેલ્સિયસ, વલ્લભ વિદ્યાનગરમાં સૌથી વધુ 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. પોરબંદરમાં 32 ડિગ્રી સેલ્સિયસ અને દમણમાં 31 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

જ્યારે નલિયામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જો કે વહેલી સવારે નલિયામાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે ઉતરતાં ઠંડીનો અહેસાસ થયો હતો.હવામાન વિભાગે નાગરિકોને આગામી દિવસોમાં તાપમાનમાં થતા ઉતાર-ચઢાવને ધ્યાનમાં રાખી જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપી છે. ખાસ કરીને બપોરના સમયે બહાર જતાં સમયે પૂરતું પાણી પીવું અને સીધા તાપથી બચવું જરૂરી હોવાનું જણાવ્યું છે.

To Top