Columns

ઔદ્યોગિક એકમોથી ઘેરાયેલા, વિકાસથી ચકચકિત અને પચરંગી વસતી સાથે સુમેળભર્યું વાતાવરણ ધરાવતું માંગરોળ તાલુકાનું ગામ :પીપોદરા

શિક્ષણ સંબંધી સુવિધાઓનું મૂલ્યાંકન
પૂર્વ પ્રાથમિક શિક્ષણ
આંગણવાડીમાં ૧૦૦% બાળકોનો પ્રવેશ.
બાળકોને પોષણક્ષમ આહાર આપવામાં આવે છે
આંગણવાડીમાં બાળકો માટે ૧૦૦% બાળકોનું નામાંકન
આંગણવાડીમાં બાળકો માટે શૌચાલય તથા પીવાના પાણીની સુવિધા
આંગણવાડીમાં વીજળીકરણની સુગવડ
આંગણવાડી સુધી જતાં રસ્તાઓ પર પેવર બ્લોકની સવલત
હવે પછીનું આયોજન
આંગણવાડીમાં ખૂંટતી પાયાની જરૂરિયાતોનું આયોજન.
આંગણવાડીમાં ફરતે કંપાઉન્ડ વોલનું કામ
આંગણવાડીમાં વૃક્ષારોપણનું આયોજન
પીપોદરા ગામનો ઇતિહાસ
ગુજરાતનું નિર્માણ અને ગુજરાતની આગવી વિકાસ યાત્રાને આગળ ધપાવવા સુરત જિલ્લાનું માંગરોળ તાલુકાનું પીપોદરા ગામ સુરત શહેરથી પૂર્વ દિશામાં ૩૫ કિ.મી. દૂર આવેલું છે. પીપોદરા ગામનો કુલ વિસ્તાર ૮૩૪-૩૯-૯૬ હેક્ટર ચો.મી. આરે છે. ૨૦૧૧ની વસતી ગણતરી પ્રમાણે આ ગામની કુલ વસ્તી ૭૭૬૫ છે, જેમાં વિવિધ જ્ઞાતિ અને સમુદાયના જેવા કે ચૌધરી, ગામીત, વસાવા, રાઠોડ, માહ્યાવંશી, પટેલ, જૈન, પ્રજાપતિ, રાજપૂત, બ્રાહ્મણ અને મુસ્લિમ વગેરે સમુદાયો વસવાટ કરે છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડે પોતાના સ્ટેટમાં વિસ્તારેલું ગામ, વનરાજીથી હરિયાળીમાં પાંગરેલું પીપોદરા ગામ શરૂઆતમાં ૫૦૦થી ૭૦૦ વસતી ધરાવતું હતું. વડોદરા શહેર પ્રમાણે ગામના રસ્તા પહોળા અને બ્લોક પ્રમાણે મકાનોની બાંધણી કરવામાં આવી હતી. જે ગામને આકર્ષક બનાવે છે. શરૂઆતમાં અહીંની પ્રજા ખેતીવાડી પશુપાલન અને જંગલમાંથી ઉત્પાદીત વસ્તુઓ ઉપર જીવન ગુજારો કરતી હતી. પરંતુ દિન-પ્રતિદિન લોકોની જરૂરિયાત વધતી ગઈ. ખેતીના ઉત્પાદનમાં વધારો થયો. જેના કારણે માર્કેટ યાર્ડ અને નાના-નાના ગૃહ ઉદ્યોગોની સ્થાપના થઈ. સરકારના પ્રયાસથી ખેડૂતોને ધિરાણની વ્યવસ્થા થઈ છે. ધીરાણ માટે મોટા કદની ખેડૂતોની સહકારી મંડળી કાર્યરત છે. ગામની પ્રજાનો સર્વાંગી વિકાસ કરવો હોય તો શિક્ષણને પ્રાધાન્ય આપવું પડશે એવું વડવાઓને લાગ્યું. તેના ભાગરૂપે પ્રાથમિક શાળાની સ્થાપના કરવામાં આવી હતી. ગામની આજુબાજુની સામાજિક, રાજકીય પરિસ્થિતિમાં નોંધપાત્ર વધારો થયો છે. આધ્યાત્મિક ક્ષેત્રે પણ હરણફાળ ભરી છે. જેના પરિણામે ગામના લોકોએ માતબર દાન આપી સુંદર અને ભવ્ય એવા વેરાઈ માતા મંદિર, હનુમાનજી મંદિર, ઉમિયા હોલને આકાર આપ્યો છે. એટલું જ નહીં જ્ઞાતિ અને જાતિના ભેદભાવ વગર હનુમાન જયંતી, જલારામ જયંતી અને દરેક ધાર્મિક તહેવારની ઉજવણી કરી મહાપ્રસાદીનું આયોજન કરી માનવતાની મહેક પ્રસરાવે છે.
પીપોદરા ગ્રામ પંચાયતનું પેટા ફળિયા નવી શિયાલજ પણ વિકાસથી સધ્ધર બન્યું
પીપોદરા પંચાયતનું પેટા ફળિયું ગણાતા નવી શિયાલજ ગામમાં પણ પીપોદરા પંચાયત દ્વારા વિકાસ કાર્યો કરી ગામની 400 જેટલી જનતા માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. ગામમાં પીવાના પાણીની મફત સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પાકા માર્ગ પેવર બ્લોક સાથે બનાવવામાં આવ્યા છે. અહીં પણ પ્રાથમિક શાળા અને આંગણવાડીની સુવિધા ઉપલબ્ધ છે. ગામમાં આદિવાસી અને મુસ્લિમોની વસતી છે. એકમેકની સાથે હળીમળીને રહે છે. આ ગામમાં રહેતા કેટલાક શિક્ષિત શિક્ષક અને પોલીસ ખાતામાં પણ ફરજ બજાવી ચૂક્યા છે. પીપોદરા પંચાયત દ્વારા કોઈપણ સમસ્યા હોય ત્યારે તત્પરતા દાખવી તાત્કાલિક સમસ્યા હલ કરવામાં આવે છે. પંચાયત દ્વારા જનતાની સુખાકારી માટે વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે. જેના પગલે વિસ્તારની જનતા પંચાયતથી ખુશ જણાય છે.
પીપોદરા વિસ્તારમાં ફાયર સ્ટેશનના અભાવે ડરામણો માહોલ
પીપોદરા ગામે વર્ષોથી 2,000થી વધુ ફેક્ટરી આવી છે અને આ ફેક્ટરીઓ મોટી મોટી બિલ્ડિંગ્સમાં કાર્યરત છે. ઔદ્યોગિક એકમ અને મોટી માત્રામાં ફેક્ટરીઓ સ્થપાયાને 20થી 25 વર્ષનો સમય વહી ગયો, છતાં આ વિસ્તારમાં હજી સુધી ફાયર સ્ટેશનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નહીં હોવાથી અને ઉનાળાના સમય દરમિયાન ફેક્ટરીઓ પૈકી કોઈપણ ફેક્ટરીમાં આકસ્મિક રીતે જ્યારે પણ આગ લાગે છે ત્યારે ગામની 7,000થી વધુ વસતી ધરાવતા પીપોદરા ગામની જનતામાં ભયનો ડરામણો માહોલ જોવા મળે છે. મોટી મોટી ફેક્ટરીઓની વચ્ચે ઘેરાયેલા પીપોદરા ગામની જનતા તેમજ ફેક્ટરીઓમાં કામ કરતા ૬૦થી ૭૦ હજાર જેટલા કામદારોની સલામતી માટે તેમજ પીપોદરા ગામની હદમાં આવેલી ફેક્ટરીઓમાં તૈયાર થતા મટિરિયલ્સમાં જ્યારે પણ આગ લાગે ત્યારે બચાવવા માટે ખરેખર ફાયર સેફ્ટીની અત્યંત જરૂર છે. પરંતુ તંત્રની લાપરવાહી ગણો કે પીપોદરા ગામની જનતાની કમનસીબી ગણો, આજદિન સુધી ફાયર સ્ટેશનનો અભાવ જ રહ્યો છે.
જાહેર રોડ પર ગંદકી ફેલાવવા બદલ હાઇવે ઓથોરિટી સામે પગલાં ભરવા જોઈએ
પીપોદરા ગામની હદમાંથી પસાર થતાં નેશનલ હાઈવેની બંને બાજુ જનતાને ઉપયોગી સર્વિસ રોડના કિનારે ફેક્ટરીઓના તેમજ આકાશી પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવેલી છે. જે ગટર છેલ્લા કેટલાક સમયથી તૂટી ગઈ છે. આ ગટરોમાંથી ગંધાતું પાણી રોડ પર આવી જતાં ખાબોચિયા સર્જાય છે. વારંવાર આ બાબતે હાઇવે ઓથોરિટીના એજન્સીના જવાબદારોને રજૂઆત કરવામાં આવી છે. પરંતુ અધિકારીઓ હાથ પર હાથ રાખીને બેઠા છે. અહીંથી પસાર થનાર વાહનચાલકો નાક દબાવીને પસાર થાય છે, તેટલી હદે દુર્ગંધ ફેલાય છે. કોઈ રોગચાળો ફેલાય તેવી પણ દહેશત સેવાઈ રહી છે. સર્વિસ રોડ નજીકની ઠેર ઠેર તૂટી ગયેલી ગટરોની યોગ્ય મરામત નહીં કરવામાં આવતાં અને તંત્ર દ્વારા ધ્યાન નહીં આપવામાં આવતાં દિન પ્રતિદિન ગટરોનું ગંધાતું પાણી 24 કલાક જાહેર રોડ પર વહેતાં આમ જનતા ત્રાહિમામ પોકારી ઊઠી છે. આ બાબતે તંત્રની ચૂપકીદી સામે સ્થાનિક લોકો તેમજ વાહન ચાલકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે અને કેટલાક સ્થાનિક લોકોએ આ બાબતે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર પ્રજાને સુખાકારી આપવા માટે તમામ પ્રયત્નો કરે છે. ત્યારે તૂટેલી ગટરો બાબતે મૌન ધારણ કરતી આ હાઇવે એજન્સીને નિષ્ક્રિયતાનો એવોર્ડ આપવો જોઈએ અથવા ગુનો દાખલ કરવો જોઈએ. વાહન ચાલકો પાસે ટોલ ટેક્સ વસૂલી રહેલી જવાબદાર એજન્સી અકળ મૌન તોડી તૂટી ગયેલી ગટરોની યોગ્ય મરામત કરાવી જાહેર રોડ પર વહેતું ગંદુ પાણી બંધ કરાવે એ જરૂરી છે. નહીં તો નિષ્ફળ નીકળી રહેલી હાઇવે એજન્સી સામે સ્થાનિક લોકો બાંયો ચઢાવી આંદોલનનો તખ્તો ગોઠવશે.

Most Popular

To Top