નવસારી: (Navsari) નવસારી જિલ્લામાં નવસારી તાલુકામાં ચાર ઇંચ અને જલાલપોરમાં અઢી ઇંચ વરસાદ (Rain) નોંધાયો હતો. જેથી નવસારીમાં તાપમાન ગગડતા ગરમીથી રાહત મળી હતી. નવસારી જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. જેથી છેલ્લા 2 દિવસથી રાત્રી દરમિયાન વરસાદી ઝાપટા પડી રહ્યા હતા. જ્યારે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેતું હતું. ગત મોડી રાત્રે ફરી વરસાદનું આગમન થયું હતું. જેથી જિલ્લામાં સૌથી વધુ નવસારી તાલુકામાં 95 મી.મી. (3.9 ઇંચ), જલાલપોર તાલુકામાં 67 મી.મી., ખેરગામ તાલુકામાં 11 મી.મી., ગણદેવી તાલુકામાં 6 11 મી.મી. અને ચીખલી તાલુકામાં 1. 11 મી.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે વાંસદા તાલકો સૂકો રહ્યો હતો. ગુરૂવારે મહત્તમ તાપમાનમાં 3.8 ડિગ્રીનો ઘટાડો થતા 30.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 3.5 ડિગ્રી ગગડતા 24 ડિગ્રી નોંધાયું હતું. ગુરૂવારે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 96 ટકા હતું. જે બપોરબાદ વધીને 85 ટકાએ રહ્યું હતું. જ્યારે દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ દિશાએથી 9.6 કિ.મી. ઝડપે પવનો ફૂંકાયા હતા.

ચીખલી તાલુકામાં પવન સાથે છૂટા-છવાયા વરસાદી ઝાપટા
ઘેજ: ચીખલી મંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે પવન સાથે છૂટા-છવાયા વરસાદના ઝાપટા ચાલુ રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બીજી તરફ ધરતીપુત્રોને ડાંગરના ધરૂની વાવણી માટેની તૈયારી આરંભી હતી. વિધિવત મેઘરાજાના આગમનના દિવસો ગણાઇ રહ્યા છે. ત્યારે ચીખલી પંથકમાં કાળા દિબાંગ વાદળો છવાવા સાથે સૂરજદાદાની સંતાકૂકડી વચ્ચે મધ્યમ ગતિએ સતત પવન ફૂંકાઇ રહ્યો છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ચોમાસુ ડાંગર માટે ધરતીપુત્રો ધરૂની વાવણી માટેની તૈયારીમાં જોતરાયા હતા. જોકે પાણીની વ્યવસ્થા ધરાવતા ખેડૂતોએ તો ડાંગરના ધરૂની વાવણી કરી પણ દીધી હતી. પરંતુ મહત્તમ ખેડૂતો ખાસ કરીને વરસાદના પાણીથી જ વાવણી કરે છે. આ ઉપરાંત બાકી રહેલો કેરીનો પાક ઉતારવાનું, ઉનાળુ ડાંગરના તૈયાર પાક સહિતના ખેતી કામોને સમેટવામાં ખેડૂતો જોતરાયા હતા. વરસાદથી વિકાસના કામોમાં પણ બ્રેક લાગી જવા પામી છે. મોટેભાગના કામો બંધ કરવાની સ્થિતિ ઊભી થઇ છે. ખેડૂતો સારા વરસાદની આશા સેવી રહ્યા છે. ખેડૂતોએ ઝરમરિયા અને છૂટાછવાયા વરસાદ વચ્ચે તુવેર, વલોળ વિગેરેના બી-વાવવાની કામગીરી પણ શરૂ કરી દીધી છે. જોકે હવે વિધિવત વરસાદ કયારે શરૂ થશે તેના ઉપર સૌની મીટ મંડાયેલી છે.
વલસાડ જિલ્લામાં ચોમાસાનું વાતાવરણ જામ્યું, આખો દિવસ તમામ તાલુકામાં ઝરમર વરસાદ

તિથલ દરિયા કિનારે 15 ફૂટથી ઉંચા મોજા ઉછળ્યા
વલસાડના તિથલ દરિયા કિનારે ગુરુવારે 15 ફૂટથી ઉંચા મોજા ઉછળ્યા હતા. જેને લઈ તિથલ બીચ પાણીથી તરબતર થયો હતો. જોકે હાલે તિથલ બીચ બંધ હોવાથી પ્રવાસીઓ આ મનમોહક દ્રશ્ય જોવાથી વંચિત રહ્યા હતા.