National

IPL 2021: ટીમના ખેલાડીઓ બાબતે ચિંતા વચ્ચે BCCI દ્વારા ફ્રેન્ચાઇઝીઓ પાસે લિસ્ટ મંગાવાયુ

નવી દિલ્હી : આજથી બરોબર એક મહિના પછી યુએઇ (UAE)માં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021નો બીજો તબક્કો શરૂ થવાનો છે અને તેમાં આઇપીએલ ફ્રેન્ચાઇઝી (franchisee)ને પોતાની ટીમના ખેલાડીઓ બાબતે ચિંતા છે ત્યારે આ તરફ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ફ્રેન્ચાઇઝીઓને ટીમનું લિસ્ટ (Team list) જમા કરવા માટેની સમય મર્યાદા 20 ઓગસ્ટ નિર્ધારિત કરી છે અને તેના કારણે આ ફ્રેન્ચાઇઝીઓ વધુ ચિંતિત બની છે.

આઇપીએલના બીજા તબક્કા દરમિયાન ઇન્ટરનેશનલ મેચની વ્યસ્તતાને કારણે સ્થિતિ એવી સર્જાઇ હતી કે વિદેશી ખેલાડીઓ આઇપીએલમાં ભાગ લેશે કે કેમ તે શંકા હતી. જો કે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) તેમજ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)એ આઇપીએલના બીજા તબક્કામાં રમવા માટે પોતાના ખેલાડીઓને લીલી ઝંડી આપી દીધી છે. આ પહેલા ન્યુઝીલેન્ડે પણ પોતાના ખેલાડીઓને આઇપીએલમાં ભાગ લેવાની રજા આપી હતી. જો કે હવે અંતિમ નિર્ણય ખેલાડીઓએ લેવાનો છે.

એક ન્યૂઝ વેબસાઇટના અહેવાલ અનુસાર એક ફ્રેન્ચાઇઝી અધિકારીએ કહ્યું હતું કે અમારે 20 ઓગસ્ટ સુધીમાં ટીમ મોકલવાની છે પણ હું પુષ્ટિ કરી શકતો નથી કે તમામ વિદેશી ખેલાડીઓ ઉપલબ્ધ રહેશે કે નહીં. અમે હજું પણ કેટલાક ખેલાડીઓની સાથે વાત કરી રહ્યા છીએ. સારી વાત એ છે કે ટી-20 વર્લ્ડકપ યુએઇમાં જ રમાવાનો છે અને અમને વિશ્વાસ છે કે તમામ ખેલાડીઓ ઉપલબ્ધ રહેશે, જો કે અમે હજુ પણ કેટલાક ખેલાડીઓની મંજૂરીની રાહ જોઇ રહ્યા છીએ.

ફ્રેન્ચાઇઝી ટીમોમાં સીએસકેની સ્થિતિ સારી, રાજસ્થાન રોયલ્સ તકલીફમાં
જો આઇપીએલની ફ્રેન્ચાઇઝી ટીમોની વાત કરવામાં આવે તો તેમાં ચેન્નાઇ સુપર કિંગ્સ (સીએસકે)ની સ્થિતિ સૌથી મજબૂત છે, કારણકે તે એકમાત્ર એવી ટીમ છે કે જેની પાસે તેના તમામ ખેલાડીઓ ઉપલબ્ધ છે. સમસ્યા રાજસ્થાન રોયલ્સને થશે, કારણકે તેનો મુખ્ય ઇંગ્લીશ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ મેન્ટલ હેલ્થના કારણે ક્રિકેટમાંથી અચોક્કસ મુદતના બ્રેક પર છે, સાથે જ ઇંગ્લેન્ડનો જ ઝડપી બોલર જોફ્રા આર્ચર ઘાયલ છે. તેના સિવાય ઇંગ્લેન્ડના ત્રીજા ખેલાડી વિકેટકીપર બેટ્સમેન જોસ બટલરના ભાગ લેવા અંગે પણ શંકા છે. સીએસકે તો યુએઇ પહોંચીને ક્વોરેન્ટીન પીરિયડ પણ પુરો કરી દીધો છે અને હવે તેઓ પ્રેક્ટીસ સેશન શરૂ કરી શકશે.

Most Popular

To Top