Top News

More Posts

   The Latest

Most Popular

પ્રધાન મંડળની લગભગ દરેક પુનર્રચના જૂના કે નવા પ્રધાન માટે લોકોની શું લાગણી છે તેને ધ્યાનમાં રાખવાને બદલે રાજકીય ગણતરીથી જ થતી હોય છે. સત્તાધારી પક્ષમાં નવા આવેલાઓને પ્રધાન મંડળમાં સમાવવા માટે દબાણ હોઇ શકે. સાથીઓને ઇનામ આપવાની ખ્વાહેશ પણ હોઇ શકે અથવા તો ઉત્તરપ્રદેશ અને ગુજરાત જેવા રાજકીય વગ વધારનારા પ્રદેશો પર ધ્યાન આપવાનું મહત્ત્વ હોઇ શકે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં કરેલી પ્રધાન મંડળની રચના પાછળ આમાંનું કારણ હોઇ શકે?

કોરોના અને અર્થતંત્ર ક્ષેત્રે જણાયેલી નિષ્ફળતા અને થયેલા વિવાદને કારણે મોદીની છબીની રક્ષા માટે આ પુનર્રચના કરાઇ હતી? બાર પ્રધાનોને કાઢીને અને નવા 43 ને ઉમેરીને મોદીએ પોતાની છબી બચાવવાની કોશિશ કરી છે? નવા પ્રધાન કોણ બને છે તેની સામાન્ય લોકો દરકાર કરે છે? લોકો હજી માને છે કે મોદીની સમસ્યાના કારણમાં તેમનાં પ્રધાનોની ગુણવત્તા છે? આ પ્રશ્નો જુદા જુદા જવાબોને પ્રોત્સાહન આપે છે છતાં આવી રહેલી કટોકટીને સંભાળવાની મોદીની ક્ષમતામાં હજી ખૂબ આશા અને વિશ્વાસ છે. શેરીમાંના માણસથી માંડીને કોર્પોરેટ ક્ષેત્રના માંધાતાઓ સહિતના તમામ લકો માટે અર્થતંત્ર ચિંતાનો વિષય છે.

મોદી સરકારના બીજા કાર્યકાળનાં બે વર્ષ ગયા મે ના ઉત્તરાર્ધમાં પૂરા થયા. ભારતના અર્થતંત્રને પાંચ ટ્રિલિયનનું અર્થતંત્ર બનાવવાની મહત્ત્વાકાંક્ષા સહિતની ઘણી યોજના હજી વેગ નથી પકડી શકી તેથી પોતાના સાથીઓ તરીકે કેટલાંક નવોદિતોને જોડીને ઉત્સાહ વધારવા માટે મોદીએ તાજેતરમાં કેન્દ્રીય પ્રધાન મંડળમાં એક સૌથી મોટો ફેરફાર કર્યો હોઇ શકે. મોદીએ મંત્રાલયની બાબતમાં નવી વ્યૂહરચના અપનાવી છે. દા.ત. ફાર્માસ્યુટિકલ્સ સૌ પ્રથમ વાર આરોગ્ય મંત્રાલય હેઠળ આવે છે, કેળવણી અને કૌશલ્ય એક જ મંત્રાલય બને છે, નિકાસનું ભાવિ આધાર રાખે છે તે વાણિજય અને કાપડ ભેગા કરવામાં આવ્યા છે.

2014 માં પણ આની વાત થઇ હતી પણ ત્યારે આખેઆખું ખાતા સંકોચીને ભેગાં કરવાની વાત હતી અને તે સિધ્ધ કરવાનું શકય ન હતું. આ વખતે સાથે મળીને કામ કરી શકે તેવાં મંત્રાલયોને એક જ પ્રધાનના હાથમાં મૂકવાની કોશિશ થઇ છે, જે વધુ સારો અભિગમ છે અને નવી નીતિઓના અમલ માટે વધુ સરળ છે. આને પરિણામે 30 કેબિનેટ કક્ષાના અને બે સ્વતંત્ર હવાલા સાથે રાજય કક્ષાના મળી 32 પ્રધાનો તમામ મંત્રાલયોને સંભાળશે. તેમની મદદમાં રાજય કક્ષાના 35 પ્રધાનો રહેશે, જેમાંથી કેટલાકની નિમણૂક માત્ર રાજકીય કારણોસર જ થઇ છે. અલબત્ત આ 43 પ્રધાનોમાંથી સાત સ્ત્રીઓ છે અને તમામ સરકારમાં નવાં છે.

ભારતીય જનતા પક્ષનો સામાજિક પિરામિડ વિરોધ પક્ષોને જોરદાર સંદેશ પાઠવવા માટે વિસ્તારવામાં આવ્યો છે તેમાં કોઇ શક નથી. મોદીના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પક્ષે હંમેશાં દર્શાવ્યું છે કે કોઇ પણ રાજકીય પક્ષને સામાજિક ન્યાયનો મુદ્દો ઉઠાવવાનો લાભ નહીં મળવો જોઇએ. મોદીના નવા પ્રધાન મંડળમાં પંદર રાજ્યોમાં અન્ય ઓગણીસ પછાત વર્ગોમાંથી 27 પ્રધાનો કેમ પસંદ કરવામાં આવ્યા તે આનાથી સમજાવાય છે.

મોદીનો અન્ય પછાત વર્ગો અને અનુસૂચિત જાતિ/જનજાતિઓ પરનો ભાર ખૂબ સ્પષ્ટ હતો. 77 પ્રધાનોનાં મંડળમાંથી કુલ 47 સભ્યો આ જૂથના હતા. આઠ સભ્યો આઠ રાજ્યો અને સાત કોમમાંથી પસંદ કરેલા હતા જયારે બાર પ્રધાનો આ રાજયોમાંની 12 કોમમાં અનુસૂચિત જાતિઓમાંથી પસંદ કરવામાં આવ્યા હતા.

મોદીના સહાયકો સમજાવે છે કે ભારતીય જનતા પક્ષ આ સામાજિક રીતે સંવેદનશીલ જૂથોને તેમને આપવા પાત્ર લાભ આપવામાં વિલંબ કરી શકે તેમ નહોતો. ગુજરાત, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને કર્ણાટકનો સામાજિક તકાદો એવો હતો કે ભારતીય જનતા પક્ષ આ જૂથોની વધતી મહત્ત્વાકાંક્ષાઓનો પ્રતિભાવ આપે. અલબત્ત, ઘણા વિપક્ષી નેતાઓએ મોદીની ટીકા કરતાં કહયું છે કે આ પરિવર્તન એટલું પુરવાર કરે છે કે મોદી અને તેમની સરકારે 2019 થી  લોચો માર્યો છે, જેને કારણે તેમને ફેરફાર કરવાની જરૂર પડી છે અને મોદીએ કાઢી મુકાયેલા પ્રધાનોને દોષ દેવાને બદલે પોતાના પર જવાબદારી સ્વીકારવી જોઇએ.

સાચી વાત છે. કોરોનાની બીજી લહેરે કેન્દ્ર સરકારને કફોડી હાલતમાં મૂકી દીધી હતી, પણ જયારે બિછાનાની તંગી, ઓક્સિજનની તંગી ઠેરઠેર મૃત્યુના આંકમાં એકદમ વધારો વગેરેને કારણે દરેકને આઘાત લાગ્યો હતો અને ભયંકર યાદથી હતાશા વ્યાપી ગઇ હતી ત્યારે કેટલાક પ્રધાનોને બદલવાથી કંઇ મદદ મળશે? મોદીને વધારે ખબર. લોકોની માન્યતા સ્થિત નથી હોતી. પરિસ્થિતિ સુધરે ત્યારે લોકોનો અભિપ્રાય પણ બદલાય. તેથી કોરોનાને કારણે પોતાની અને પોતાની સરકારની છબી ખરાબ થવા જ મોદીએ પ્રધાન મંડળમાં ફેરફાર કર્યા એવું માનવામાં આપણે ખોટા છીએ.

મોદીને કોરોના કાળ પહેલાંથી પોતાના પ્રધાનોની કામગીરીથી અસંતોષ હતો તે હવે રહસ્ય નથી. તે સાથે મોદી આજે ગુજરાત કે ઉત્તરપ્રદેશમાં મતદારો તરીકે માતબર ગણાતી જુદી જુદી કોમ કે સમુદાયના પ્રતિનિધિત્વમાં સમતોલન લાવવાની તક પણ જતી કરવા માંગતા નહોતા. રાજકારણમાં જ્ઞાતિઓનાં સમીકરણ બનાવવાનાં સારાં હશે, પણ મોદી નયા ચહેરાઓની સામેલગીરી અને જૂનાઓની બાદબાકી કરતી વખતે કામગીરીના ધોરણને નહીં અવગણી શકે. તેથી તેમણે કેટલાંક નવાં મંત્રાલયો રચ્યાં અને સંવેદનશીલ અને જહેમત માંગી લે તેવાં મંત્રાલયોમાં નવા ચહેરાઓ લાવવાનું જોખમ ખેડયું. સૌથી મોટો પ્રશ્ન એ છે કે મોદી પોતાને જોઇએ તેવા પ્રધાનો મેળવી શકયા છે? કે હજી એક વર્ષ પછી પાછો ગંજીપો ચીપાશે? આખરે તો કામગીરી જ બોલશે.

– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

To Top