SURAT

સુરત મનપાનાં નવા સમાવિષ્ટ આ ગામો માટે 134 કરોડની પાણી યોજનાની તૈયારી

સુરત: (Surat) કોરોનાકાળમાંથી ધીમે ધીમે બહાર રહેલા સુરત મનપાના (Corporation) તંત્રવાહકોએ હવે લોકોની સુવિધા માટેનાં કામોમાં વેગ આવે તેવાં આયોજનો ઝડપભેર હાથ ધર્યાં છે. સાથે સાથે શહેરના નવા સમાવિષ્ટ વિસ્તારોમાં પણ પ્રાથમિક સુવિધાનાં (Primary Facilities) કામો ઝડપભેર હાથ ધરવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત સચિન અને કનકપુર-કનસાડ નગરપાલિકા વિસ્તાર માટે 34 કરોડની પાણી યોજનાના ડીપીઆર તૈયાર કરાયાં છે. જો કે, હવે તેમાં પણ પાલી અને પારડી-કણદે બે ગામનો ઉમેરો કરી રિવાઇઝ ડીપીઆર બનાવવામાં આવી રહ્યાં છે. આ પ્લાન બની જતાં ઉધના ઝોનમાં સમાવિષ્ટ નવા વિસ્તારો એટલે કે સચિન-કનકપુર ઝોનમાં પાણીની સુવિધાનાં કામો હાથ ધરી શકાશે.

આ ઉપરાંત વરાછા ઝોન-બી(સરથાણા) અને લિંબાયત તેમજ રાંદેર ઝોનમાં સમાવિષ્ટ સણીયા-હેમાદ, પાસોદરા, કુંભારિયા, સારોલી, કુડસદ, કઠોદરા અને અસારમા ગામોનાં પાણી નેટવર્ક માટે 100 કરોડના ડીપીઆર તૈયાર કરવામાં આવી રહ્યાં છે. આ વિસ્તારોમાં હજુ પાણી પૂરવઠા બોર્ડની જૂની વ્યવસ્થાથી જ પાણી મળી રહ્યું હોવાથી અનેક સમસ્યાઓ સર્જાઇ રહી છે. દરમિયાન એવું પણ નક્કી કરાયું છે કે, સુડામાંથી જે ગામો સુરત મનપામાં આવ્યાં છે તે 15 ગામો સ્યાદલા, સેગવા, ગોથાણ, વસવારી, ઉમરા, અબ્રામા, ભાદા, વેલંજા, લસકાણા, કઠોર, ભરથાણા-કોસાડ, ભાટપોર, ઇચ્છાપોર, ભાઠા, વાલક અને ભેંસાણમાં સુડા દ્વારા પાણી નેટવર્ક બનાવવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ હતી.

આથી હવે તે ગામોમાં સુડાના માધ્યમથી જ કામો કરી દેવાશે. થોડા દિવસો પહેલાં કઠોરમાં ગંદા પાણીના કારણે રોગચાળો ફાટી નીકળતાં છ લોકોનાં મોત પણ થયાં હતાં. આથી હવે વહેલામાં વહેલી તકે આ વિસ્તારોમાં મનપાના પાણી નેટવર્ક બનાવી દેવામાં આવે તેવી તૈયારીઓ થઇ રહી છે.

આગામી સમયમાં સુરતને મળશે આ ત્રણ મહત્વના બ્રિજ

સુરત : એક સમયે માત્ર ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતની આજે અનેક ક્ષેત્રે વૈશ્વિક ઓળખ બની ચૂકી છે. તેમાં પણ સુરત બ્રિજ સિટી તરીકે વધુ ખ્યાતિ પામી ચૂકયું છે. રવિવારે પાલ-ઉમરા બ્રિજ રૂપે 115 બ્રિજ ખુલ્લો મૂકાયો હતો, ત્યારે મનપા કમિશનર બંછાનીધી પાનીએ જણાવ્યું હતું કે, સુરતની ટ્રાફિક સમસ્યાને કાબુમાં રાખવા માટે બ્રિજ મહત્વના પુરવાર થયા છે.

શહેરમાં વધુમાં વધુ બ્રિજનું આયોજન કરીને દુંરદેશીનો પરિચય મનપાના તંત્રવાહકો દ્વારા અપાયો છે. હાલમાં ચાલી રહેલા ત્રણ બ્રિજ પ્રોજેકટ પણ અતિ મહત્વના છે. જેમાં રિંગરોડ અને સહારા દરવાજા ખાતે ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે મહત્વના એવા સહારા દરવાજા જંકશન, મોટા વરાછા અને નાના વરાછા જંકશનને જોડતો તાપી નદી પરનો બ્રિજ અને ફલાય ઓવર બ્રિજ તેમજ વેડ-વરીયાવ બ્રિજ પણ ડીસેમ્બરમાં ખુલ્લા મુકી શકાય તે રીતે કામ ચાલી રહ્યું છે. અત્રે ઉલ્લખનીય છે કે, વેડ-વરીયાવ બ્રિજના કારણે વેડરોડ પરથી વરીયાવ જવા માટે લેવો પડતો સાત-આઠ કિ.મી.નો ચકરાવો ઘટી જશે તેમજ રાંદેર અને કતારગામ ઝોન વચ્ચે વધુ એક કનેક્ટિવિટી મળશે. જ્યારે મોટા વરાછા અને નાના વરાછા વચ્ચે પણ વધુ એક કનેક્ટિવિટી મળી જશે.

Most Popular

To Top