Dakshin Gujarat

અંકલેશ્વર-ભરૂચ વચ્ચે ટ્રાફિક સમસ્યાનો અંત આવ્યો, નર્મદામૈયા બ્રિજ ધમધમતો થયો

અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વર-ભરૂચ વચ્ચે ટ્રાફિક સમસ્યાનો અંત આવ્યો હતો. ગોલ્ડન બ્રિજને (Golden Bridge) સમાંતર નર્મદામૈયા બ્રિજનું નામ આપી અષાઢી બીજના દિવસે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું અને અંકલેશ્વર, ભરૂચ શહેર અને જિલ્લાની જનતાને નર્મદા મૈયા બ્રિજ અર્પણ કર્યો હતો.

અંકલેશ્વર-ભરૂચ વચ્ચે ટ્રાફિક સમસ્યાનો સોમવારે અંત આવ્યો હતો. ગોલ્ડન બ્રિજને સમાંતર નર્મદામૈયા બ્રિજનું (Narmada Bridge) કામ પૂર્ણ થતાં તા.૧૨ ને સોમવારે અષાઢી બીજના દિવસે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે અંકલેશ્વર અને ભરૂચ તરફ પ્રથમ તકતી અનાવરણ કરી ત્યારબાદ રિબીન કાપી શ્રીફળ ફોડી બ્રિજનું લોકાર્પણ કરાયું હતું અને અંકલેશ્વર, ભરૂચ શહેર અને જિલ્લાની જનતાને નર્મદા મૈયા બ્રિજ અર્પણ કર્યો હતો.

નર્મદામૈયા બ્રિજના લોકાર્પણ બાદ નજીક આવેલી કૃષ્ણલાલ ઝવેરી કોલેજ ખાતે જનસભા યોજાઈ હતી, જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જનસભા સંબોધી હતી. નર્મદા મૈયા બ્રિજના લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જિલ્લા કલેક્ટર ડો.એમ.ડી.મોડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ભરૂચ: ભરૂચ–અંકલેશ્વર વચ્ચે નર્મદા નદી પર રૂ. 430 કરોડના ખર્ચે નિર્મિત ચારમાર્ગીય નર્મદામૈયા પુલ તેમજ એલિવેટેડ કોરિડોરનાં લોકાર્પણ તથા અન્ય વિવિધ રૂ.222 કરોડના ખર્ચે નિર્મિત થનાર રસ્તાનાં કામોનું ભૂમિપૂજન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરાયું હતું. નર્મદામૈયા બ્રિજ સોમવારે લોકાર્પણ થતી વેળા ભરૂચ વિસ્તારમાં રીમઝીમ વરસાદ થતાં વાતાવરણ ખુશનુમા થઇ ગયું હતું. નર્મદામૈયા પુલ તેમજ એલિવેટેડ કોરિડોર ચારમાર્ગીય પુલની લંબાઇ 1462 મીટર તથા 20.80 મીટર પહોળાઇ છે. એપ્રોચની લંબાઇ 2131 મીટર, એલિવેટેડ કોરિડોરની લંબાઇ 1407 મીટર અને પહોળાઈ 17.20 મીટર છે. ભરૂચ જિલ્લો ઔદ્યોગિક જિલ્લો છે, ત્યારે નોકરિયાત વર્ગ માટે આ બ્રિજ આશીર્વાદરૂપ સાબિત થશે.

નર્મદા મૈયા બ્રિજ એ ભરૂચની નર્મદા નદી પરનો સાતમા નંબરનો બ્રિજ

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે 150 વર્ષ પહેલાં લાકડાનો પુલ હતો. જે બાદ બ્રિટિશ શાસનમાં ગોલ્ડનબ્રિજ અસ્તિત્વમાં આવ્યો હતો. સમય અને જરૂરિયાત સાથે વસતી તેમજ વાહનોને લઈ નર્મદા નદી ઉપર લાકડાંનો, સુવર્ણ, સિલ્વર, જૂનો સરદાર બ્રિજ, નવો સરદાર બ્રિજ અને કેબલબ્રિજ બાદ 143 વર્ષમાં આ 7મો બ્રિજ પોતાની સફર અને વાહનચાલકોને સેવા આપવા કાર્યરત થવા જઈ રહ્યો છે. જ્યારે ભરૂચ જિલ્લામાંથી પસાર થતા એક્સપ્રેસ-વે અને બુલેટ ટ્રેન માટેના બે બ્રિજનું કુકરવાડા ખાતે હાલ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.

Most Popular

To Top