National

ફરી ચીની સૈનિકોની ભારતમાં ઘૂસણખોરી: દલાઇ લામાના જન્મદિનની ઉજવણીનો કર્યો વિરોધ

લેહ : ભારત (India) અને ચીન (China) વચ્ચે એલઓસી (LAC) પર ચાલી રહેલા તનાવ વચ્ચે બનેલા એક નવા ઘટનાક્રમમાં ચીની સૈનિકો (Chinese army) ફરી એકવાર લડાખ (Ladakh)ના ડેમચોક વિસ્તારમાં પ્રવેશ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. લડાખના એક ગામના ગામવાસી (Villagers)ઓ તિબેટિયનોના આધ્યાત્મિક ગુરુ દલાઇ લામા (Dalai lama)ના જન્મદિન (Birth day)ની ઉજવણી કરી રહ્યા હતા તેનો આ ચીની સૈનિકોએ વિરોધ કર્યો હતો.

મળતી માહિતી મુજબ છઠ્ઠી જુલાઇએ આ બનાવ બન્યો હતો. પૂર્વ લડાખમાં ડેમચોક ખાતેની છેલ્લી વસાહત એવા કોયુલ નજીક ચીની સૈનિકો પ્રવેશ્યા હતા. અહીંના ગામવાસીઓ દલાઇ લામાના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા તેનો આ ચીની સૈનિકોએ વિરોધ કર્યો હતો. એવી માહિતી મળે છે કે પાંચ વાહનોમાં ચીની સૈનિકો અને કેટલાક ચીની નાગરિકો પણ અહીં આવ્યા હતા. જ્યાં દલાઇ લામાના જન્મદિવસની ઉજવણી ચાલી રહી હતી તે ગ્રામ્ય સામુદાયિક કેન્દ્ર સામે તેમણે બેનરો દર્શાવીને આ ઉજવણી સામે વિરોધ કર્યો હતો. તેમણે કોયુલમાં સિંધુ નદીના સામા કાંઠે ઉભા રહીને બેનરો બતાવ્યા હતા અને ચીની ધ્વજ પણ દર્શાવ્યો હતો.

કોયુલ ગામના સરપંચ ઉર્ગેઇન સેવાંગના જણાવ્યા પ્રમાણે કોમ્યુનિટી સેન્ટરથી 500 મીટર જેટલા અંતરે ઉભા રહીને ચીની સૈનિકોએ વિરોધ કર્યો હતો. 6 જુલાઇએ સવારે 11 વાગ્યે આ બનાવ બન્યો હતો. સેવાંગ દ્વારા શેર કરવામાં આવેલા એક વીડિયોમાં જોઇ શકાય છે કે કેટલાક ચીનાઓ એક લાંબુ લાલ બેનર બતાવી રહ્યા છે જેના પર કંઇક લખેલું છે, તેઓ ચીની ધ્વજ બતાવી રહેલા પણ દેખાય છે. જ્યારે ભારતીય લશ્કરને આ બાબતે પૂછવામાં આવ્યું તો તેણે આ બાબતે કોઇ ટિપ્પણી કરી ન હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ગયા મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દલાઇ લામાને ફોન કરીને તેમના 86 મા જન્મદિને અભિનંદન આપ્યા હતા. તેમણે પોતે દલાઇ લામાને અભિનંદન આપ્યા હોવાની વાત ટ્વીટર પર ટ્વીટ કરીને પણ જણાવી હતી. 2014 મા વડાપ્રધાન બન્યા ત્યારબાદ મોદીએ આ પ્રથમ વખત દલાઇ લામા સાથે પોતે વાત કરી હોવાની બાબતને જાહેરમાં સમર્થન આપ્યું છે.

Most Popular

To Top