Top News

More Posts

   The Latest

Most Popular

કોરોના કાળમાં ઘણાં પરિવારો એક થયાં તો ક્યાંક પરિવારો તૂટ્યાં. જેમણે આ કપરા કાળનો બદલાવ સ્વીકાર્યો તેઓ જીત્યા. આમ તો સપ્તાહના સાત વાર છે પણ એનાથી વિશેષ વિક એન્ડ છે પરિવાર અને વ્યવહાર. કેવો પરિવાર પ્રાપ્ત કરવો એ આપણી પસંદગી નથી. એ તો ડિવાઈન ડીઝાઇન છે. પણ આપણને જે પરિવાર મળ્યો છે તેનો સ્વીકાર કરીને સદ્ વ્યવહાર કરીને જીવન જીવવું જોઈએ. જિંદગી એક મુસાફરી જેવી છે. તમારી ટીકીટ લેવાઈ ગઈ છે. ટ્રેઈન એના ગંતવ્યસ્થાને જશે જ. તમારે જાતે નક્કી કરવાનું છે કે તમારે મુસાફરી શાંતિથી કરવી છે કે લડાઈ ઝગડો કરીને પૂરી કરવી છે. પસંદગી તમારી છે. પરિવાર પ્રત્યેનો વ્યવહાર જ તમારી શાંતિ ને સુખ છે. સુખી થવું હોય તો પરિવારના સભ્યોને સ્વીકારો. જેવા છે તેવા તમારા છે. સુમેળ સાધી અનુકૂલનપૂર્વક વર્તાવ કરો. જિંદગી તમારી છે છતાં પણ તમે સ્વતંત્ર નથી. તમે પરાવલંબી છો. પતિને પત્નીનો આધાર ને બાળકોને માતાપિતાનો આધાર હોય તો જ જિંદગી જીવી શકો. પરિવારના સભ્યો સાથે સમાધાનકારી વલણ અપનાવો તો ઝગડા ક્યારેય નહિ થશે. એકબીજાને તેમની ભૂલો સાથે સ્વીકારો. સાપ જેવા બનો.

એટલે ઝેરીલા નહિ પણ સાપને ધ્યાનથી જોજો એ દરની બહાર વાંકો ચૂંકો ચાલશે, પણ જેવો દરમાં ભરાશે તેવો સીધો થઇ જશે. આ જ રીતે આપણે પણ ઘરમાં સીધા સૌહાર્દપૂર્ણ રહેવાનું. બહારના ટેન્શન પગરખાંની ભેગાં બહાર જ ઉતારીને ઘરમાં પ્રવેશ કરવો જોઈએ. દુઃખનું કારણ કર્મનો અભાવ, સુખનું કારણ કર્મનો પ્રભાવ અને શાંતિનું કારણ પોતાનો સ્વભાવ. જિંદગીનું વ્યાકરણ સમજવા જેવું છે. સત્ય એક વચન છે, પ્રેમ દ્વિવચન છે અને કરુણા બહુવચન છે. વીતેલું દુઃખ અને ચાલતું સુખ તમારી હેસિયત નક્કી કરે છે. માટે સ્વને ઓળખીને ચાલશો તો અને વ્યવહાર સામેની વ્યક્તિને ધ્યાનમાં રાખીને કરશો તો તમારું આ અનોખું વિક એન્ડ પરિવાર અને વ્યવહારની સંગતે સુપેરે પાર પડશે. જિંદગીનું ગણિત જ એવું છે કે, દુઃખનો “દસ્તાવેજ” હોય કે સુખનું “સોગંદનામું” ધ્યાનથી જોશો તો નીચે સહી તમારી પોતાની જ હશે. સુરત     – દિલીપ વી. ઘાસવાલા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

To Top