Top News

More Posts

   The Latest

Most Popular

સુરતમાં ગેરકાયદે બાંધકામના વધી રહેલા દૂષણમાં હવે મામલો અધિકારીઓને ધમકાવવા સુધી આવી ગયો છે. ગુરૂવારે સેન્ટ્રલ ઝોનમાં ગેરકાયદે બાંધકામ મુદ્દે બે માથાભારે તત્વો દ્વારા સેન્ટ્રલ ઝોનના વડા અને ડે.કમિ. ગાયત્રી જરીવાલાની ઓફિસમાં ઘૂસી જઈને છરી બતાવી હતી અને સાથે સાથે ધમકી આપી હતી કે જો ડિમોલિશન કરવામાં નહીં આવે તો ઝોનલ અધિકારીને છરી હુલાવી દેવાની પણ ધમકી આપી હતી. આ ઘટનાથી મનપાના અધિકારીઓમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો. ઘટના અંગે ડે.કમિ. ગાયત્રી જરીવાલા દ્વારા લાલગેટ પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી.

વિસ્તૃત વિગત મુજબ, સેન્ટ્રલ ઝોનમાં રામપુરા ખાતે છડાઓલ મહોલ્લામાં મકાન નંબર 7/2147માં ચોથા માળના ગેરકાયદે બાંધકામ બાબતે ફરિયાદ થઇ હતી આ મુદ્દે બુધવારે સંબંધિત અધિકારીઓ દ્વારા ફરિયાદી અને અસરગ્રસ્તને બોલાવી હિયરિંગ પણ કરવામાં આવ્યું હતું. દરમિયાનમાં ગુરૂવારે બપોરે સાડા અગિયાર વાગ્યાની આસપાસ બે માથાભારે તત્વો આમીર સોપારીવાલા અને તેનો એક સાથી મુગલીસરા ખાતે મુખ્ય કચેરીની સામે આવેલી સેન્ટ્રલ ઝોનના વડા અને ડે.કમિ. ગાયત્રી જરીવાલાની ઓફિસમાં ઘૂસી આવ્યા હતા.

બંનેએ ડે.કમિ. ગાયત્રી જરીવાલાને છરો બતાવીને જો આ ડિમોલિશન નહીં થાય તો સેન્ટ્રલ ઝોનના ઝોનલ અધિકારી બી.આર.ભટ્ટને છરો હુલાવી દઇશું તેવી ધમકી પણ આપી હતી. ધમકી આપવામાં આવતાં તુરંત જ ગાયત્રી જરીવાલાએ સીક્યુરિટી સ્ટાફને બોલાવ્યો હતો પરંતુ બંને માથાભારે ભાગી ગયા હતા. આ મુદ્દે લાલગેટ પોલીસ સ્ટેશનમાં મનપાના માર્શલ લીડર દ્વારા ફરિયાદ કરવામાં આવી છે.
બંને ફાઈલમાં છરો છુપાવીને લાવ્યા હતા: ગાયત્રી જરીવાલા

ડે.કમિ. ગાયત્રી જરીવાલાએ જણાવ્યું હતું કે, આમીર સોપારીવાલા સાથે અન્ય એક શખ્સ જાહિર મગર પણ હતો તેમજ ફાઇલમાં છુરો છુપાવીને આવ્યા હતા.આ મામલો ઘણો ગંભીર છે.

To Top