SURAT

ત્રણ વર્ષમાં ઉકાઈ ડેમની સૌથી ઓછી ૩૨૫.૯૬ ફૂટ સપાટી નોંધાઈ

શહેરમાં આજે વરસાદના વિરામ સાથે ગરમી અનુભવાઇ હતી. જ્યારે ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક બંધ થતા સપાટી 325.96 ફૂટ નોંધાઇ હતી. છેલ્લા ત્રણ વર્ષની સૌથી નીચી સપાટી આ વર્ષે આજની તારીખમાં નોંધાઇ છે.

સુરત શહેરની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સપાટી આજે બપોરે ૩૨૫.૯૬ ફૂટ નોંધાઈ છે. ગઈકાલે ૧૯ ક્યુસેક આવક બાદ આજે ઘટીને શુન્ય થઈ હતી. ઈનફ્લોના અભાવ વચ્ચે ૬૬૫૩ ક્યુસેક પાણી હાલ છોડવામાં આવી રહ્યું છે. ઓગસ્ટ મહિનામાં ઉકાઈ ડેમનું રૂલ લેવલ ૩૩૫ ફૂટ હોવાને કારણે હાલ સપાટી રૂલ લેવલથી ૧૦ ફૂટ ઓછી છે. ઉપરવાસમાં વરસાદના અભાવે ડેમના સત્તાધીશો પણ ચિંતામાં નજરે પડી રહ્યા છે. જુલાઈ મહિનામાં ઉપરવાસના વરસાદને પગલે ડેમની સપાટીમાં થોડા દિવસ સુધી વધારો નોંધાયો હતો.

બાદમાં વરસાદ ગાયબ રહેતા સપાટી પણ સ્થિર રહેવા પામી હતી. વર્ષ ૨૦૧૮ માં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. ત્યારે ઉકાઈ ડેમની સપાટી ઓગસ્ટ મહિનામાં ૩૦૦ ફૂટે પહોંચી હતી અને ચોમાસાની સિઝન પૂર્ણ થતાં આ સપાટી ૩૧૮ ફૂટ નોંધાઈ હતી. વર્ષ ૨૦૧૯ બાદ સૌથી ઓછી સપાટી આ વર્ષે આજની તારીખમાં નોંધાઈ છે. વર્ષ ૨૦૧૭, ૨૦૧૮ અને ૨૦૧૧ ને બાદ કરતા ડેમની સપાટી ૨૨૫ ફૂટથી વધારે રહી છે. શહેરમાં આજે વરસાદે વિરામ લીધો હતો. બારડોલીમાં ૮ મીમી અને મહુવામાં ૨ મીમી વરસાદ નોંધાયો હતો. આ સિવાયના તાલુકા કોરાકટ રહ્યા છે.

Most Popular

To Top