Top News

More Posts

   The Latest

Most Popular

ટોકિયો ઓલિમ્પિકમાં ભારત માટે વેઈટ લિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતનાર મીરાબાઈ ચાનુ આજે આખા ભારતમાં છવાઈ ગઈ છે. ચારે તરફ મીરાબાઈ ચાનુની ચર્ચા વચ્ચે કદાચ ઘણાને ખબર નથી કે, તે પહેલા તિરંદાજ બનવા માંગતી હતી પણ આઠમા ધોરણમાં અભ્યાસ દરમિયાન પાઠ્ય પુસ્તકના એક ચેપ્ટરથી તેની કિસ્મતમાં પલટો આવ્યો હતો. 12 વર્ષની વયથી મીરાબાઈને પોતાની તાકાતનો અંદાજ આવી ગયો હતો. તેનો જન્મ ઈમ્ફાલના નાનકડા ગામમાં 1994માં થયો હતો. તેના પાંચ ભાઈ બહેન છે. ચૂલો સળગાવવા માટે તે લાકડા વીણવા જતી હતી.

તે વખતે મીરાબાઈ આસાનીથી લાકડાનો ભારો માથા પર ઊંચકી લેતી હતી. તેણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મારા ભાઈ બહેનોને ફૂટબોલ રમવાનુ પસંદ હતુ પણ તેમને કપડા ગંદા થાય તે ગમતું નહોતુ અને એટલે જ હું એવી રમત પસંદ કરવા માંગતી હતી કે, જેમાં કપડા ખરાબ નહીં થાય, માટે મેં તિરંદાજી પર પસંદગી ઉતારી હતી. 2008માં હું ટ્રાયલમાં ભાગ લેવા માટે ગઈ હતી પણ તે વખતે મને કોઈ ટ્રેનિંગ મળી નહોતી. ચાનુ આઠમાં ધોરણમાં ભણતી હતી ત્યારે પાઠ્ય પુસ્તકમાં તેણે ભારતની મહાન વેઈટ લિફ્ટર કુંજરાની દેવીની સફળતાનું  પ્રકરણ વાંચ્યુ હતું અને તેણે વેઈટ લિફ્ટર બનવાનુ નક્કી કર્યુ હતુ.

 તેવી જ રીતે ભારતની બીજી એક પ્રતિભા પ્રિયા મલિકે વર્લ્ડ કેડેટ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બેલારુસની પહેલવાને 5-0થી હરાવીને સુવર્ણ પદક પોતાના નામે કર્યો છે. આ પહેલા પ્રિયાએ 2019માં પુનામાં ખેલો ઈન્ડિયામાં સુવર્ણ પદક, દિલ્હીમાં 17મી સ્કૂલ ગેમ્સમાં સુવર્ણ પદક અને 2020માં પટનામાં નેશનલ કેડેટ ચેમ્પિયનશિપમાં સુવરણ પદક જીત્યો હતો. પ્રિયા મલિકની શાનદાર જીત પર લોકો તેને શુભકામના પાઠવી રહ્યા છે. હરિયાણાના ખેલ મંત્રીએ પણ તેને શુભકામનાઓ પાઠવી છે અને તેને હરિયાણાની દીકરી કહીને સંબોધી છે. ટોકિયો ઓલિમ્પિક પર આખા દેશની નજર છે ત્યારે પ્રિયા ગોલ્ડ મેડલ જીતી લાવી તો હવે દેશને તેમાં ભવિષ્યની એક ઓલિમ્પિક પ્લેયર દેખાઈ રહી છે.

પ્રિયા મલિક આ પહેલા પણ ઘણી મોટી મેચ જીતી ચુકી છે. ગુજરાતના સૌથી પછાત ગણાતા ડાંગ જિલ્લાની વાત કરીએ તો ત્યાંની સરિતા ગાયકવાડે ખેલમહાકુંભમાં પાંચ ઇવેન્ટમાં ભાગ લીધો હતો અને તે પાંચેય ઇવેન્ટ જીતી ગઇ હતી. 2014માં સરિતા ગાયકવાડે ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધામાં 400 મીટર દોડમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. જે તેમનો પહેલો નેશનલ મેડલ હતો. બીજા જ વર્ષે તેમણે આ જ ઇવેન્ટમાં ગોલ્ડમેડલ પોતાના નામે કર્યો હતો. ઇન્ડોનેશિયાની રાજધાની જાકાર્તામાં યોજાયેલા એશિયન ગેમ્સ ઇન્વિટેશન ઇવેન્ટ સ્પર્ધા 2018માં તેમણે ભાગ લીધો હતો. જ્યાં તેમણે 400 મીટર હર્ડલમાં ગોલ્ડમેડલ અને 4×400 મીટર રીલેમાં ગોલ્ડમેડલ જીત્યો હતો.  2017માં ભુવનેશ્વરમાં આયોજિત એશિયન ઍથ્લેટિક ચેમ્પિયનશિપમાં પણ તેમણે ભાગ લીધો હતો.

આ તો વાત થઇ ભારતની માત્ર ત્રણ પ્રતિભાઓની પરંતુ ભારતના દરેક ખૂણામાં આવી પ્રતિભાઓનો ભંડાર પડ્યો છે. આ તમામની ક્ષમતા છે કે, જુદી જુદી ગેમ્સમાં મેડલ જીતીની ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલથી ભારતની ઝોળી ભરી દે. પરંતુ જરૂર છે સારા કોચની. જો તેમની ટ્રેનિંગ દેશ કે વિદેશમાં સારા કોચિસ કરે તો દરેક ગેમ્સમાં ભારતનો ડંગો વાગી જાય તેમ છે. પરંતુ આપણા દેશમાં ક્રિકેટને જેટલું મહત્વ આપવામાં આવે છે તેટલું મહત્વ અન્ય ગેમ્સને આપવામાં આવતું નથી. જ્યારે આવા રમતવીરો દેશ માટે કોઇ મેડલ જીતે ત્યારે તેને લોકો ઓળખતા થાય છે તે પહેલા કોઇએ તેમનું નામ પણ સાંભળ્યું હોતું નથી. કમનસીબીની વાત તો એ છે કે, આવી પ્રતિભાઓને કોઇ સ્પોન્સર્ડશીપ આપવા પણ આગળ આવતું નથી.

ક્રિકેટર ફર્સ્ટક્લાસ ક્રિકેટ રમે ત્યારથી જ તેને સારા કોચિસ મળી જાય છે. ઇન્ડિયન ઇલેવન માટે કરોડોના ખર્ચે વિદેશથી કોચ બોલાવવામાં આવે છે પરંતુ અન્ય રમતોની વાત આવે ત્યારે સિનારિયો બદલાઇ જાય છે. તેમને સારૂ કોચિંગ નથી મળતું એવું નથી પરંતુ જે રીતે દુનિયાના અન્ય દેશોના ખેલાડીઓને કોચિંગ મળે છે તેની સરખામણીમાં આપણા ખેલાડીઓને અપાતું કોચિંગ ઉતરતું છે. છેલ્લા કેટલાંક સમયથી ક્રિકેટ સિવાયની અન્ય ગેમ્સના ખેલાડીઓને પ્રોત્સાહન સ્વરૂપે મોટી રકમ આપવામાં આવે છે પરંતુ તે ત્યારે મળે છે જ્યારે એ મેડલ જીતે છે પરંતુ એ મેડલ જીતી શકે તે માટે પણ સારૂ કોચિંગ અને પ્રોત્સાહન આપવામાં આવે તો દેશની આ પ્રતિભાઓ પણ અન્ય દેશના ખેલાડીઓની સમકક્ષ પહોંચી શકે તેમ છે.

To Top