SURAT

સુરત એરપોર્ટનું નામ બદલવા કોળી સમાજની મિટીંગમાં ઠરાવ કરાયો, આ નામ રાખવા માંગણી કરાઈ

સુરત : (Surat) અખિલ ભારતીય કોળી સમાજ (રજી.) ન્યુ દિલ્હીની (New Delhi) રાષ્ટ્રીય પદાધિકારી તથા રાષ્ટ્રીય પ્રદેશ અધ્યોની એક મીટિંગ દાદા ભગવાન મંદિર, કામરેજ ચાર રસ્તા, નેશનલ હાઇ-વે નં. ૮, સુરત ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ અજીતભાઇ એન. પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી. દેશના લગભગ ૧૮ કરોડ કોળી સમાજના લોકોના પ્રતિનિધિત્વ કરનાર અખિલ ભારતીય કોળી સમાજ સંસ્થા (રજિસ્ટર્ડ નવી દિલ્હી)ના સંગઠનમાં લાંબા સમયથી ચાલી રહેલ ગતિરોધ તેમજ સંશયની સ્થિતિ અંગે સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ અજીતભાઈ પટેલે સ્પષ્ટ કરી દીધું છે કે, તેમની આગેવાનીમાં જે સંગઠન ચાલી રહ્યું છે તે જ વાસ્તવિક તથા સંવૈધાનિક રૂપથી માન્ય સંગઠન છે.

કેમ કે ૧૦ જૂન ૨૦૨૦ ના દિવસે કુંવરજી બાવળિયાનો કાર્યકાળ પૂરો થઈ ગયેલ હતો પરંતુ કોઈ કારણવશ ચૂંટણી થઈ શકી નથી અને વિશ્વવ્યાપી કોરોના મહામારીના કારણે તેમનો કાર્યકાળ ૧ વર્ષ માટે વધારવામાં આવેલો હતો. પરંતુ તે પછી કુંવરજીભાઈ બાવળિયાએ પોતાનું રાજીનામું પણ આપી જણાવ્યું હતું કે, અન્ય કોઇપણને અધ્યક્ષ બનાવે તો તેઓને કોઇ આપત્તિ નથી. એવું લેખિતમાં તેમનું રાજીનામું છે. જે સમસ્ત કાર્યકારીણીના ૭૫ સભ્યોની પાસે વોટ્સએપથી મોકલવામાં આવ્યું હતું. બાદમાં ઓગષ્ટ-૨૦૨૧ માં રાષ્ટ્રીય કાર્યકારીણીની મીટિંગનું આયોજન અજમેરમાં કરવામાં આવ્યુ હતુ. જેમાં લગભગ ૪૪ રાષ્ટ્રીય કાર્યકારીણીના અલગ અલગ રાજ્યોના સદસ્ય ઉપસ્થિત રહ્યા હતા તેમજ ૮ સભ્યોએ મોબાઇલના માધ્યમથી ઓનલાઇન રહીને પોતાની હાજરી આપી હતી. એટલે કે લગભગ બાવન સભ્યોએ તે રાષ્ટ્રીય કાર્યકારીણીની મીટિંગમાં પોતાની હાજરી આપી હતી અને લગભગ બે તૃતિયાંશ બહુમત હોય છે જે સંવૈધાનિકરૂપ થી માનનીય છે.

મીટિંગમાં અલગ અલગ મુદાઓ બાદ રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણુંક પણ થઇ છે, જે પુરી રીતે સંવૈધાનિક હતુ. અને અજીતભાઈ પટેલને રાષ્ટ્રીય અધ્યક્ષ નિર્વાચીત જાહેર કરેલા, જેથી એવુ માન્ય છે કે બહુમત દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવ્યો છે તે જ માન્ય ગણાશે, નહીં કે, કુંવરજીભાઇ બાવળિયાના નેતૃત્વમાં દિલ્હીમાં આયોજીત રાષ્ટ્રીય કાર્યસમિતિની મીટિંગમાં માત્ર ૧૨ રાષ્ટ્રીય કાર્યસમિતિના સભ્યો જ ઉપસ્થિત હતા અને બાકી બીજા અન્ય કાર્યકર્તાઓની ભીડ હતી. જેમાં કુંવરજીભાઈ બાવળિયાને ફરીથી રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેર કરવામાં આવ્યા હતાં, જે સર્વથા અમાન્ય અને અસંવૈધાનિક છે.

કુંવરજીભાઈ બાવળિયા દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને સંવૈધાનિક માન્યતા નહી હોવાનું નોટિસ રાષ્ટ્રીય કાર્યસમિતિના મહામંત્રી એમ.એલ. માહીરે, કુંવરજીભાઈ બાવળિયા, ડી.સી. શાક્યવાલ તેમજ પપ્પુ રામ કોલીને કાનુની નોટિસ પણ સંસ્થા દ્વારા પાઠવવામાં આવી છે. નજીકના ભવિષ્યમાં સંસ્થાના ૫૦ વર્ષ પુરા થવા જઈ રહેલ છે, જે ગોલ્ડન જ્યુબીલી વર્ષના રૂપમાં મનાવવામાં આવશે. જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી પણ ઉપસ્થિત રહેનાર છે.

અત્રે ઉલ્લખનીય છે કે, કામરેજ ખાત યોજાયેલી આમીટિંગમાં સ્વ.સી. કે. પીઠાવાલા પરિવારના મહેશભાઇ પીઠાવાલા, લક્ષ્મીકાંતભાઇ પટેલ, ઋત્વીક મકવાણા અને મનુ ચાવડા ખાસ હાજર હતા અને એમની હાજરીમાં અખિલ ભારતીય કોળી સમાજની મીટિંગમાં સુરત એરપોર્ટનું નામ “ સી.કે. પીઠાવાલા એરપોર્ટ રાખવા માટે સર્વાનુમતે ઠરાવી, આગળની કાર્યવાહી અધ્યક્ષતથા કાર્યકારીણી કરશે. સાથે સાથે સ્વ.રાજાભાઇના ભાઇ નરેન્દ્રભાઇ પટેલ પણ મહેશભાઈ પણ આ મીટિંગમાં હાજર રહ્યાં હતા.

Most Popular

To Top