Top News

More Posts

   The Latest

Most Popular

Blasts fail to deter a rally in India

નિષ્ણાતોની ચેતવણીને ગંભીરતાથી લેવામાં આવે તો ભારત નવા વર્ષના પ્રારંભના મહિનાઓમાં કોરોનાના નવા પ્રકારના ઓમિક્રોનના વિસ્ફોટ સાથે ત્રીજા મોજાના જોખમને આવકારવા સજ્જ બેઠું છે. ભારત સરકારે રચેલા નેશનલ ટાસ્ક ફોર્સના અધ્યક્ષ ડો. વી.કે. પોલે ભારત માટેનું ચોંકાવનારું ચિત્ર દોરી કહ્યું છે કે ઓમિક્રોનની સૌથી ભયંકર અસર પામેલા દેશ બ્રિટનનું ભારતમાં પુનરાવર્તન થાય તો રોજના 14 લાખ નવાં દર્દી ભારતમાં ઉમેરાશે. નીતિ આયોગના પણ સભ્ય ડો. પોલની ચેતવણી ખાસ કરીને શાસક અને વિરોધ રાજકારણીઓએ અત્યંત ગંભીરતાપૂર્વક લેવી જોઇશે. તેઓ તો રાજકીય રીતે મહત્ત્વના ઉત્તરપ્રદેશ સહિતનાં વિવિધ રાજયોની વિધાનસભાઓની ચૂંટણીની તૈયારીમાં મશગુલ છે. કોરોનાની કોઇ પણ માર્ગદર્શક સૂચનાઓ અસ્તિત્વમાં છે કે નહીં તે રાજકારણીઓને પૂછો. આત્મસંતોષમાં રાચતાં લોકોને પૂછો.

કોરોનાના ત્રીજા મોજાની શકયતાથી શાસક પક્ષે સૌથી વધુ ચોંકવાની જરૂર છે. કારણ કે કેન્દ્ર અને રાજયોમાં શાસક પક્ષ લોકોને મહામારીની કોઇ પણ માઠી અસર સામે લોકોને સાવચેત કરવાને જવાબદાર છે. શાસક પક્ષ પોતે જ ઉદાહરણરૂપ બની આ કામ કરી શકે. કમનસીબે ચૂંટણીનું રાજકારણ આવે ત્યાં રાજકીય નેતાગીરી પોતાની બુદ્ધિ બાજુ પર મૂકી કોઇ સમાધાન કરવા માટે તૈયાર નથી. દેખીતી રીતે તેમનું એકમાત્ર ધ્યેય સત્તા મેળવવી કે જાળવી રાખવાનું છે- રાષ્ટ્ર કે લોકોની સલામતી નહીં.

એક તરફ ડો. પોલ ચેતવણી આપે છે તો બીજી તરફ ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને વિરોધ પક્ષના નેતાઓ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને સમાજવાદી નેતા અખિલેશ યાદવ વગેરેની જંગી ચૂંટણી સભાઓ કંઇક બીજી જ વાત કરે છે. ટોચના નેતાઓ ખાસ કરીને શાસક પક્ષના નેતાઓએ ઓમિક્રોન દ્વારા આવી રહેલા કોરોનાના ત્રીજા મોજાંને રોકવાની ચિંતા નહીં કરવી જોઇએ?

આપણો દેશ નરેન્દ્ર મોદીના ચૂંટણી જંગ વ્યૂહ દ્વારા વધુ ભયંકર બની ગયેલા સ્પર્ધાત્મક રાજકારણના યુગમાં પ્રવેશ્યો છે. બધા વિરોધ પક્ષો ભેગા મળીને પણ ભારતીય જનતા પક્ષના ચૂંટણી ઝુંબેશના માળખાની સ્પર્ધા કરી શકે તેમ નથી છતાં  તેઓ બને તેટલા સ્પર્ધાત્મક રહેવાની કોશિશ કરે છે. પણ આ કોરોના કાળમાં જોવા મળતું અવિચારી સ્પર્ધાત્મક રાજકારણ મોદી સરકાર કોરોનાના ત્રીજા મોજાંને રોકવા જે કંઇ કરે છે કે કહે છે તેને ધોઇ નાંખી તબાહી લાવશે. કેન્દ્ર સરકાર રાજયોને ઓમિક્રોન સામે યુદ્ધે ચડવાની અને જરૂર પડે કરફયુ લાદવાની જે સલાહ આપે છે તેની ગંભીરતા ખાસ કરીને કેન્દ્રનો શાસક પક્ષ બતાવતો નથી. કોરોનાના ત્રીજા મોજાંને ત્રાટકવા માટે મંચ બનાવી આપતી સભાઓ અને સરઘસો યોજવાં જોઇએ કે નહીં તેની રાજકારણીઓએ સ્હેજ થોભીને વિચારણા કરવી જોઇએ અને આ વિચારણામાં મોદી અગ્રેસર હોવા જોઇએ.

ડો. પોલે જે ચેતવણી આપી છે તે સંદર્ભમાં રાજકીય નેતાઓએ ખાસ કરીને વડા પ્રધાન મોદીએ વિચારવું જોઇએ કે ચૂંટણી પ્રચારની હાલની તરાહ બદલવા તેઓ તૈયાર નહીં હોય તો કેન્દ્ર અને રાજય સરકાર ગમે તેટલી તૈયારીઓ કરે તો ય તેઓ ત્રીજા મોજાંને રોકી શકે તેમ નથી. બંગાળની સ્ફોટક ચૂંટણી સહિતની વિધાનસભાઓની ચૂંટણીના ગયા દૌરમાંથી કંઇક પાઠ શીખવો જોઇએ. ખાસ કરીને બંગાળમાં જે લોકોએ કોરોના સામે વ્યૂહરચના ઘડી હતી તેનું તેમણે જ સરેઆમ ઉલ્લંઘન કર્યું હતું. ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને અન્યત્ર ચૂંટણી થવાની છે તે રાજયોમાં જંગી ચૂંટણી સભાઓ થાય છે તે જોતાં લાગે છે કે કોઇ પાઠ શીખવવામાં નથી આવ્યો.

મોદી માટે ઉદાહરણરૂપ બનીને પ્રચંડ સભા-સરઘસલક્ષી ચૂંટણી સભાઓને ના પાડવા માટે મજબૂત મનોબળ બતાવવાનો સમય આવી ગયો છે. તેઓ બધી રીતે અગ્રણી છે તો હવે તેમને માટે જ દેશનાં અને તેના લોકોનાં હિતમાં દાખલો બેસાડવાનું અનિવાર્ય બની ગયું છે, જેને અન્ય રાજકીય પક્ષો અને નેતાઓએ અનુસરવું રહ્યું. ડો. પોલની આગાહી મુજબની હોનારતને રોકવા ગમે તેટલી સખત હોય પણ કડક સૂચનાઓનું પાલન કરવા સજ્જ કરવા સિવાય બીજો કોઇ રસ્તો નથી. રાજકીય પક્ષોએ વિજય મીઠો-મધુરો બનાવવાનો ગંભીર વિચાર કરવો જોઇએ- બિહામણો નહીં.

કમનસીબે ચૂંટણી પંચનું કોઇ માનતું નથી અને તે અત્યાર સુધી મૂક પ્રેક્ષક બની રહ્યું છે. ચૂંટણી પંચે ખાસ કરીને જંગી જાહેર સભાઓ બાબતે કડક બનવું જ રહ્યું, પણ તે પહેલાં તેણે પોતાની સ્વાયત્તતા સમજવી પડશે અને ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર ટી.એન. શેષાનની જેમ કડક હાથે કામ લેવું પડશે અને વડા પ્રધાને ઉદાહરણ પૂરું પાડવું પડશે અને તે સાથે અન્ય રાજકીય પક્ષો સાથે ચૂંટણી પ્રચારની નવી આચારસંહિતા ઘડવી પડશે જેમાં કોવિડ સામે પણ લડવાનો વ્યૂહ હોય. ખાસ કરીને મોદીએ જનસંપર્કના નવા અસરકારક માર્ગો શોધવા પડશે. હવે તો ટેકનોલોજી પણ માનવીની સેવામાં છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top