સુરત: (Surat) શહેરમાં હાલમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. દિવસે ને દિવસે શહેરમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. જેથી હવે ધીરે ધીરે જનજીવન ફરીથી સામાન્ય થઈ રહ્યું છે. સ્કૂલ-કોલેજો (School College) પણ આવનારા દિવસોમાં ફુલ ફ્લેજમાં શરૂ થશે. જેથી મનપા દ્વારા આગોતરા આયોજનો કરી લેવામાં આવ્યા છે. આ અંગે વધુ માહિતી આપતા મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં સ્કૂલ-કોલેજો ખુલશે ત્યારે કોરોનાનું સંક્રમણ ન વધે તેની પુરી તૈયારી કરી લેવામાં આવી છે. જે માટે સ્કૂલ-કોલેજોમાં જ્યાં જરૂર હશે ત્યાં ધન્વંતરી રથ મોકલવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અન્ય સ્ટાફકર્મીઓના ટેસ્ટ કરી લેવામાં આવે.
કોરોના સંક્રમણમાં ધીમી ગતિએ ઘટાડો, નવા 81 કેસ નોંધાયા
સુરત: કોરોનાનું સંક્રમણ શહેરમાં સતત ઘટી રહ્યું છે. બુધવારે શહેરમાં નવા 81 પોઝિટિવ દર્દી નોંધાયા હતા અને તે સાથે જ અત્યાર સુધીમાં શહેરમાં પોઝિટિવ દર્દીઓનો કુલ આંક 38,808 પર પહોંચ્યો છે. તેમજ બુધવારે શહેરમાં એક પણ મોત નોંધાયુ ન હતું. કુલ મૃત્યુઆંક 849 પર પહોંચ્યો છે. તેમજ વધુ 89 દર્દીઓ સાજા થતા અત્યારસુધીમાં કુલ 37,559 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે અને રિકવરી રેટ 96.78 ટકા પર પહોંચ્યો છે.
કોરોના સામેના વેક્સિનેશનનો ત્રીજો તબક્કો, મનપાને વધુ 40,500 ડોઝ ફાળવાશે
સુરત: કોરોનાથી રક્ષણ માટે સુરત મનપા દ્વારા હાલમાં રાજ્ય સરકારના આદેશ મુજબ અઠવાડિયામાં ત્રણ દિવસ વેક્સિન મુકવામાં આવી રહી છે. ત્યારે પ્રથમ રાઉન્ડમાં સુરત મહાનગર પાલિકાને રાજય સરકારે વેક્સિનના 42000 ડોઝ ફાળવ્યાં બાદ હવે વધુ 40500 ડોઝ વેક્સિનની ફાળવણી કરવામાં આવી હોય હવે વેક્સિનેશનની ઝુંબેશ વધુ વેગ પકડે તેવી શકયતા છે. કોવિશિલ્ડ આવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ શહેરોને પ્રથમ જરૂરિયાત પ્રમાણે વેક્સિન આપવાની કામગીરી કરવામાં આવી હતી.
પ્રથમ તબક્કામાં સુરત શહેરને પણ રાજ્ય સરકાર દ્વારા વેક્સિનના ૪૨,૬૪૦ ડોઝ આપવામાં આવ્યાં હતાં. સુરત મનપાને વેક્સિન મળ્યા બાદ આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા કર્મચારીઓને તથા તબીબોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવાની કામગીરી શરુ કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં ૨૫૪૪ લોકોને વેકસિન આપવામાં આવી છે. હવે ગુરૂવારે વેક્સિનનો ત્રીજો તબક્કો શરૂ થશે. જેમાં પણ અગાઉના બાકી રહી ગયેલા અઢીસોથી વધુ લોકો તેમજ નવા 1400 લોકોને 14 સાઇટ પરથી જ વેક્સિન અપાશે.