Top News

More Posts

   The Latest

Most Popular

સમયની સાથે સાથે દરેક વસ્તુ બદલાય છે, જે એક અટલ સત્ય છે. સમય બદલાવાની સાથે જ તમારા વાણી, વર્તન, વિચારો અને શારીરિક દેખાવમાં પણ પરિવર્તન થાય છે. તમારા અંગ-ઉપાંગોના આકાર અને ક્ષમતામાં ફેરફાર થાય છે. આ ફેરફારો તમારા શિશ્નને પણ અસર કરે છે. તરૂણાવસ્થા દરમિયાન તમારા શિશ્નને વધવામાં મદદ કરનારા અને તમારા જાતીય આવેગોને વેગ આપનારા ટેસ્ટોસ્ટેરોન નામના અંતઃસ્ત્રાવના ઉત્પાદનમાં ચાળીસીમાં પ્રવેશ્યા બાદ ઘટાડો થાય છે. વૃદ્ધત્વ સાથે સંબંધિત અન્ય બાબતોની સાથે ટેસ્ટોસ્ટેરોનમાં થતો ઘટાડો આ સૌથી મહત્વપૂર્ણ અંગનું કદ, આકાર અને કાર્ય બદલી શકે છે.

તેનો રંગ ભૂખરો થઈ જાય છે
વધતી ઉંમરની સાથે સાથે જ તમારા પ્યુબિક હેર એટલે કે શિશ્નની આસપાસ રહેલા વાળ ભૂખરા થઈ જાય છે, કારણકે પ્યુબિક હેરના કલર માટે જવાબદાર મેલેનિન નામના કેમિકલનું ઉત્પાદન ઘટી જાય છે. જેમ જેમ ઉંમર થાય છે તેમ તેમ પિગમેન્ટ સેલ્સ મરી જાય છે, મેલેનિનનું ઉત્પાદન ધીમું પડે છે અને તમારા પ્યુબિક વાળ ભૂખરા અથવા સફેદ થઈ જાય છે. જોકે નીચેના વાળ 35 વર્ષે કે 65 એમ કેટલાં વર્ષે સફેદ કે ભૂખરા થાય છે તેનો આધાર તમારા માતા-પિતા તરફથી મળેલાં જનીન પર રહેલો છે, એટલે કે આનુવંશિક છે.

શિશ્નનો આકાર સંકોચાય છે
નોંધપાત્ર પ્રમાણમાં સંકોચન! લિંગના આકારમાં થયેલું નોંધપાત્ર સંકોચન ઉંમર સંબંધિત પરિસ્થિતિઓને કારણે હોઈ શકે છે, જેમ કે હાઈ બ્લડ પ્રેશર અથવા બંધ રક્તવાહિનીઓ (આર્ટેરિયોસ્ક્લેરોસિસ), જે તેમાં લોહીનો પ્રવાહ ઘટાડે છે. ટેસ્ટોસ્ટેરોનના નીચા સ્તરની સાથે લોહીના પ્રવાહમાં ઘટાડો શિશ્નને નાનું બનાવી શકે છે. થોડાક કિલો વજન વધારવાથી શિશ્નની લંબાઈ ફરીથી અગાઉ જેવી થઈ હોવાનો ભ્રમ પેદા થાય છે. પેટની ચરબીના ફોલ્ડ્સ શિશ્નને આંશિક રીતે છુપાવે છે, જેના લીધે તે હોય તેના કરતાં નાનું લાગે છે.

સહેજ વાંકુ થઈ જાય છે
રફ સેક્સ, સ્પોર્ટ્સ અથવા અકસ્માત જેવા કોઈ પણ કારણોથી જ્યારે તમારા લિંગને ઇજા થાય છે ત્યારે સ્કાર ટિસ્યુ પેદા થાય છે. 50 કે 60 વર્ષ સુધીની ઉંમર સુધીમાં તમારા શિશ્નની અંદર આ પ્રકારની ઈજાઓથી નોંધપાત્ર પ્રમાણમાં સ્કાર ટીસ્યુ એટલેકે ઈજાઓને કારણે પેદા થયેલા કોષોનું સર્જન થઈ ચૂક્યું હોય છે, જેને પરિણામે તમારું લિંગ વળી જાય છે કે તે સહેજ વાંકુ થઈ જાય છે. આ સ્થિતિને પેયરોનીનો રોગ કહે છે. તે ઘણીવાર પીડાદાયક હોય છે, અને તે સેક્સને બિનઆનંદાયક બનાવી શકે છે. શોટથી લઈને સર્જરી સુધીની સારવાર લિંગની વક્રતાને ઓછો કરી શકે છે અને સેક્સને ફરીથી વધુ આરામદાયક બનાવી શકે છે.

વૃષણ સંકોચાવા
જે કારણોને લીધે તમારા લિંગમાં સંકોચન થાય છે, એટલે કે ટેસ્ટોસ્ટેરોનના પ્રમાણમાં ઘટાડો થવાને લીધે જ તમારા વૃષણો પણ સંકોચાય છે. ઈજા, લોહીના પ્રવાહમાં ઘટાડો અને એનાબોલિક સ્ટેરોઇડ (સિન્થેટિક ટેસ્ટોસ્ટેરોન)નો ઉપયોગ પણ વૃષણના કદમાં ઘટાડા માટે જવાબદાર હોઈ શકે છે. નાના અંડકોષ ક્યારેક ટેસ્ટિકલ કેન્સરનું લક્ષણ પણ હોઈ શકે છે. જો તમને સોજો, ગાંઠ અથવા અંડકોષમાં ભારેપણું અનુભવવા જેવા અન્ય લક્ષણો જણાતા હોય તો તમારા ડોક્ટર પાસે તપાસ કરાવો

વૃષણકોષ ઢીલું થઈ જાય છે
તમારી ઉંમર જેમ જેમ વધે છે તેમ તેમ તમારી ત્વચા કુદરતી રીતે ઓછી સ્થિતિસ્થાપક બની જાય છે. જે રીતે તમારા ચહેરા અને ગરદનની ત્વચા પર કરચલીઓ પડે છે અને તે ઢીલી પડી જાય છે તે જ રીતે તમારા અંડકોષને આવરી લેતી ત્વચા પણ ઢીલી પડી જાય છે. જો તમને કૃશ થઈ લબડી પડેલા અંડકોષની ચિંતા સતાવતી હોય તો તમે અંડકોષને પુનઃ સ્થિતિસ્થાપક બનાવવા માટે સર્જરી કરાવી શકો છો.

તેની સંવેદનશીલતા ઘટી જાય છે
જેમ જેમ ઉંમર થાય છે તેમ તેમ તમારું લિંગ કુદરતી રીતે સંવેદના ગુમાવે છે. તેથી તમને ઉત્તેજિત થતાં અને ઓર્ગેઝમ સુધી પહોંચવામાં વધુ સમય લાગે છે. જો આ સમસ્યાથી તમારી સેક્સ લાઇફમાં સમસ્યા સર્જાતી હોય તો વધુ લિંગને વધુ પડતા જોરથી ઘસશો નહીં, આમ કરવાથી લિંગને આવરી લેતી સંવેદનશીલ ત્વચાને નુકસાન થવાની શક્યતા રહેલી છે. તેના બદલે, સંભવિત સારવાર વિશે સેક્સોલોજિસ્ટ સાથે વાત કરો.

ઉત્તેજિત થવામાં વાર લાગે છે
યુવા વયે એક નાનકડો વિચાર પણ તમને ઉત્તેજિત કરવા પુરતો થઈ પડતો હતો. જોકે હવે વધતી ઉંમર, હોર્મોનનું ઘટતું પ્રમાણ, લોહીના પરિભ્રમણમાં થયેલો ઘટાડો તથા ચેતાકોષોને થયેલા નુકસાન જેવા કારણોને લીધે શિશ્નને યોગ્ય પ્રમાણમાં ઉત્તેજિત કરવામાં સમસ્યા થાય છે. વધતી ઉંમરની સાથે સાથે શિશ્નોત્થાનની સમસ્યા વિકટ બને છે. 70ની વય સુધીમાં આશરે 70 ટકા પુરુષોને શિશ્નોત્થાનમાં સમસ્યા અનુભવાય છે. સદભાગ્યે, સેક્સોલોજિસ્ટ પાસે આ સમસ્યાના ઉકેલ માટે અનેક દવાઓ, ઉપકરણો અને સર્જિકલ ઉપાયો છે.

તેના કલરમાં બદલાવ જોવા મળે છે
વધતી ઉંમરની સાથે સાથે જ તમારી રૂધિરવાહિનીઓમાં ચરબીના થર જામી જવાથી લોહીનો પ્રવાહમાં અવરોધ સર્જાય છે. લોહીના કારણે જ તમારા શિશ્નના ટોચના ભાગનો રંગ ગુલાબી દેખાય છે. જેમ જેમ લોહીનો પ્રવાહ ઓછો થતો જાય છે તેમ તેમ આ રંગ આછો થતો જાય છે. જોકે શિશ્નના રંગમાં ફેરફાર થવો એ કેન્સરની નિશાની હોય તે બિલકુલ જરૂરી નથી. જો તમને પણ તમારા લિંગ પર ગાંઠ અથવા દુખાવા જેવા અન્ય લક્ષણો હોય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

ધીમે ધીમે પ્યુબિક હેર સાવ ઓછાં થઈ જાય છે
તમે કેટલી માવજત કરો છો તેના આધારે પ્યુબિક વાળની જાડાઈ દરેક વ્યક્તિમાં બદલાય છે. તમારા માથા પરના વાળની જેમ તમારા શિશ્નની આસપાસના વાળ ઉંમર સાથે પાતળા થતા જાય છે. અહીં નોંધવા લાયક બાબત એ છે કે માથા પરના વાળ તમે રોજ વારેઘડીએ જોતા હોવાથી તેમાં થતાં ફેરફાર તરત જ તમારા ધ્યાન પર આવે છે, જ્યારે શિશ્નની આસપાસના વાળ પ્રમાણમાં ઓછાં ધ્યાન પર આવતા હોવાથી તમને તેના વિશે ઓછી ચિંતા થાય છે.

To Top