SURAT

સુરતમાં 776 ઉમેદવારોના ફોર્મ રદ્દ થયા, આટલા ઉમેદવારોના ફોર્મ મંજૂર

સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાની ચૂંટણી (Election) માટે ભરવામાં આવેલા ઉમેદવારીપત્રોની ચકાસણીની મહત્વની કામગીરી આજે સંપન્ન થઇ હતી. સત્તાવાર વિગતો મુજબ, મોડી સાંજે સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડની 120 બેઠકો માટે રાજકીય પક્ષોના ડમી ઉમેદવારો સહિત કુલ 776 ઉમેદવારોના ફોર્મ રદબાતલ થયા હતાં. જ્યારે 505 ઉમેદવારોના (Candidate) ઉમેદવારીપત્રકોને મંજૂર રાખવામાં આવ્યાં છે. હવે આવતીકાલે તારીખ 9મી ફેબ્રુઆરીએ બપોરે ત્રણ વાગ્યા સુધીની ઉમેદવારીપત્રો પરત ખેંચવાની અવધિ બાદ ચૂંટણી જંગનું સાચું ચિત્ર સ્પષ્ટ થશે.

આજે સવારે સાડા દસ વાગ્યે સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે નિમાયેલા 15 રિટર્નિંગ ઓફિસરોની કચેરી પર ઉમેદવારીપત્રોની ચકાસણીની પ્રક્રિયા જાહેરમાં હાથ ધરવામાં આવી હતી. અપક્ષો અન્ય તેમજ મુખ્ય રાજકીયપક્ષો સહિતના દરેક ઉમેદવારોની હાજરીમાં હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન રિટર્નિંગ ઓફિસરોએ દરેક ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરી હતી. આ કામગીરી બપોરે ત્રણ કલાકે આટોપાઇ હતી. જેમાં 120 બેઠકો માટે 505 ઉમેદવારીપત્રો મંજૂર કરાયા હતાં. જેમાં કોંગ્રેસના 120, ભાજપાના 120, આપના 115 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતાં. આ સિવાય અપક્ષો તેમજ અન્ય પક્ષોના પણ ઉમેદવારીપત્રો ગ્રાહ્ય રાખવામાં આવ્યાં છે.

આજે ઉમેદવારીપત્રોની ચકાસણની કામગીરીમાં જુદા જુદા ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવેલા વાંધાઓનો પણ નિકાલ કરવામાં આવ્યો હતો. તેમજ જુદા જુદા વોર્ડમાં રજૂ કરવામાં આવેલા વાંધાઓ બાબતે પણ અલગથી હિયરિંગ રાખવામાં આવ્યા હતાં. ઉમેદવારી રદ કરાવવા અનેક વાંધાઓ રજૂ થયા પણ પુરાવાના અભાવે મોટા ભાગના વાંધા ઉડાવી દેવામાં આવ્યા હતા. જયારે આજે ઉમેદવારીપત્રોની ચકાસણીની પ્રક્રિયામાં સુડા ભવન સ્થિત રિટર્નિંગ ઓફિસરની કચેરીએ ભારે છબરડા કર્યા હતાં. સાવ કંગાળ કામગીરીને કારણે અહીંના બે વોર્ડના ઉમેદવારોના ફોર્મ અંગે મોડી રાત સુધી કામગીરી ચાલુ રાખવી પડી હતી.

ડભોલી સિંગણપોરના મહિલા ભાજપના ઉમેદવાર સામેનો વાંધો ગ્રાહ્ય ન રહ્યો

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નં.8 ડભોલી-સિંગણપોર ખાતે ભાજપાના સત્તાવાર ઉમેદવાર સુવર્ણાબેન જાદવ સામે કોંગ્રેસના ઉમેદવારોએ આજે એવો વાંધો ઉઠાવ્યો હતો કે, તેઓ સુરત મહાનગરપાલિકાની આંગણવાડીના સત્તાવાર કર્મચારી છે અને તેઓ ત્યાં 4 વર્ષથી ફરજ બજાવે છે, આ ફરજ પરથી રાજીનામું આપ્યા વગર જ સુવર્ણાબેને ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી દીધી છે, આથી તેમનું ઉમેદવારીપત્ર રદ કરવામાં આવે તેવી માગણી કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ લેખિતમાં આપી હતી. એક તબક્કે આપ અને કોંગ્રેસે દેખાવો કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. પરંતુ, ચૂંટણી અધિકારીએ સુવર્ણાબેનનો ખુલાસો પૂછતા તેમણે રાજીનામું આપ્યું હોવાના કાગળો રજૂ કર્યા હતા. જેને પરિણામે ચૂંટણી અધિકારીએ સુવર્ણાબેનની ઉમેદવારી રદ કરવા સંદર્ભનો કોંગ્રેસ અને આપનો વાંધો ગ્રાહ્ય રાખ્યો ન હતો અને સુવર્ણાબેનની ઉમેદવારી યથાવત રાખી હતી.

લિંબાયત-પરવટના કોંગ્રેસના ઉમેદવાર બે રાજ્યોની મતદાર યાદીમાં નામ ધરાવતા હોવાનો વાંધો ગ્રાહ્ય ન રખાયો

સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18 લિંબાયત, પરવટ અને કુંભારિયાના કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર મહેન્દ્રસિંહ રાજપુરોહિત રાજસ્થાન અને ગુજરાત એમ બે સ્થળો પર મતદાર યાદીમાં નામ ધરાવે છે આથી તેમનું ઉમેદવારીપત્ર રદ કરવામાં આવે તે મતલબનો વાંધો ભાજપાના ઉમેદવાર દિનેશ રાજપુરોહિતે ચૂંટણી અધિકારી સમક્ષ નોંધાવ્યો હતો. જોકે, આ વોર્ડના રિટર્નિંગ ઓફિસરે પ્રાથમિક તપાસના અંતે વાંધો નામંજૂર રાખીને કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ યથાવત રાખ્યું હતું. કોંગ્રેસના ઉમેદવારે રાજસ્થાનની મતદાર યાદીમાંથી નામ કમી કરાવ્યું હોવાના પુરાવા રજૂ કર્યા હતાં.

શૌચાલયનું સક્ષમ ઓથોરિટીનું સર્ટિફિકેટ ન રજૂ કરતા અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ

આંજણા-ડુંભાલ વોર્ડ નં.19માં અપક્ષ ઉમેદવાર રાકેશ મોદીએ શૌચાલયનું પ્રમાણપત્ર સુરત મહાનગરપાલિકા પાસેથી મેળવીને ઉમેદવારી પત્ર સાથે રજૂ નહીં કરતા ભાજપાના ઉમેદવારોએ રાકેશ મોદીની ઉમેદવારી સામે વાંધો રજૂ કર્યો હતો. રિટર્નિંગ ઓફિસરે આ વાંધાના જવાબમાં અપક્ષ ઉમેદવાર રાકેશ મોદીને પ્રમાણપત્ર મેળવી આપવા સંદર્ભે સોગંદનામું રજૂ કરવા માટે મુદત આપી હતી. જોકે અપક્ષ ઉમેદવાર રાકેશ મોદીએ સોગંદનામાની જગ્યાએ સાદા કાગળ પર બાંહેધરી લખી આપી હતી. જેનો અસ્વીકાર કરીને રિટર્નિંગ ઓફિસરે વોર્ડ નં.19માં અપક્ષ ઉમેદવાર રાકેશ મોદીનું ઉમેદવારીપત્ર રદ કરી દીધું હતું.

વોર્ડ નં. 2-3ના રિટર્નિંગ ઓફિસરની કચેરીમાં ગેરવ્યવસ્થાની ભરમાર રહી

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. 2: અમરોલી-મોટાવરાછા-કઠોર તેમજ વોર્ડ નં.3: વરાછા-સરથાણા-સીમાડા-લસકાણા આ બંને વોર્ડના રિટર્નિંગ ઓફિસર તરીકે અધિક કલેક્ટર, સુડા, જીબી મુંગલપુરાની નિયુક્તિ કરવામાં આવી છે. આજે ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત બપોરે 3 વાગ્યા સુધીમાં દરેક ઉમેદવારોના ઉમેદવારીપત્રોની ચકાસણી કરીને રિપોર્ટ રજૂ કરવાનો હોય છે. પરંતુ, મળતી માહિતી મુજબ સુરતના બાકીના તમામ રિટર્નિંગ ઓફિસરોની કચેરીએ બપોરે 3ના ટકોરે ફોર્મ ચકાસણીની મહત્વની કામગીરી આટોપી દીધી હતી. જ્યારે સુડા ભવન ખાતે જીબી મુગલપુરાની ઓફિસમાં ધાંધિયા અને અવ્યવસ્થાની ભરમાર જોવા મળી હતી. ઉમેદવારો પણ તેમના ઉમેદવારીપત્રોની ચકાસણી કરવા માટે અટકાવવામાં આવ્યા હતાં.

લિંબાયતના આમ આદમી પાર્ટીના ઉમેદવારનું ફોર્મ વિલંબિત મેન્ડેટને લીધે રદ

ગઇ તારીખ 6 ફેબ્રુઆરીના રોજ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરવાની અંતિમ દિવસે નિર્ધારિત સમય મર્યાદા બાદ આમ આદમી પાર્ટીનો મેન્ડેટ વિલંબથી રજૂ કરનાર લિંબાયત-પરવટ-કુંભારીયાના આપના ઉમેદવારનું ઉમેદવારીપત્ર આજે ચકાસણીની પ્રક્રિયા દરમિયાન રદ કરી દેવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 18 લિંબાયત-પરવટ-કુંભારિયા વિસ્તારમાંથી ઉમેદવારી કરનાર આમ આદમી પાર્ટીના ઉમેદવાર હિંમતભાઇ હીરાલાલ શાહએ ગઇ તા.6 ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્ર રજૂ કરવાની અવધિ બાદ આમ આદમી પાર્ટીનું મેન્ડેટ રજૂ કર્યું હતું. આ બાબત ધ્યાને રાખીને આજે રિટર્નિંગ ઓફીસરે તેમનું ઉમેદવારીપત્ર રદ કરી દીધું હતું.

વાડીફળિયા વોર્ડમાં આપના ડમી ઉમેદવારનું ફોર્મ મંજૂર થયું

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારીની ચકાસણી દરમિયાન વાડીફળિયા-નવાપુરા-બેગમપુરા-સલાબતપુરા વોર્ડમાં આમ આદમી પાર્ટીના સત્તાવાર ઉમેદવારના ઉમેદવારીપત્રમાં ટેકેદારની સહી નહીં હોવાથી તેનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું. આ જ ઉમેદવારના ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર વ્યક્તિનું ફોર્મ આમ આદમી પાર્ટીના સત્તાવાર ઉમેદવાર તરીકે ગ્રાહ્ય રાખવામાં આવ્યું હતું.

વોર્ડ નંબર-21ના ભાજપી ઉમેદવાર અશોક રાંદેરીયા સામે કોંગીએ આપેલા વાંધો ફગાવી દેવાયો

સુરત મનપાની ચૂંટણીમાં વોર્ડ નંબર-21ના ભાજપી ઉમેદવાર અશોક રાંદેરીયા સામે કોગ્રેસ ઉમેદવારે વાંધો રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ ભાજપી ઉમેદવારે બીજી પત્ની અને સંતાનો બતાવ્યા નથી. જેથી તેમની એફિડેવિટ ખોટી છે. આ મામલે ચૂંટણી અધિકારી આર.આર.બોરડે સુનાવણી હાથ ધરી ફોર્મ અને એફિડેવિટ ક્રોસ ચેક કરી હતી. તેમને કહ્યું હતું કે, ભાજપી ઉમેદવારે જે ફોર્મ અને એફિડેવિટ સબમિટ કરી છે તે ચૂંટણી આયોગે આપેલી પ્રિસ્કાઇબ્ડ ફોમેર્ટ મુજબ છે. જેથી કોંગ્રેસી ઉમેદવારનો વાંધો ફગાવી દેવાયો છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top