પ્રચારતંત્ર કેવું અસરકારક હોઈ શકે એનું ઉત્તમ ઉદાહરણ એટલે ખભે બકરી લઈને જતા બ્રાહ્મણ અને તેને મળેલા ત્રણ ઠગોની વાર્તા. પોતાના આયોજન મુજબ વારાફરતી મળેલા ઠગો બ્રાહ્મણને ઠસાવી દે છે કે તેણે જે ખભે ઉંચકેલું છે એ બકરી નહીં, પણ કૂતરું છે. આખરે ત્રણે ઠગ એ બકરીને પડાવી લેવામાં સફળ થાય છે.
આ વાર્તાને વર્તમાન સમયમાં જોઈએ તો ખ્યાલ આવશે કે કેટલા મોટા સ્તરે તે વ્યાપક અને પ્રસ્તુત બની રહે છે. પેલા બ્રાહ્મણને સ્થાને આપણા જેવા નાગરિકને મૂકીએ, બકરાને સ્થાને આપણી સામાન્ય સમજણને મૂકીએ અને ત્રણ ઠગોને સ્થાને રાજકીય પક્ષોને મૂકી જોઈએ તો સમજાશે કે આપણી સામાન્ય સમજણને રાજકીય પક્ષો પોતાના કુપ્રચારથી કઈ હદે દૂષિત કરી રહ્યા છે. આમ કરવા માટેનું વર્તમાન સમયનું સૌથી અસરકારક માધ્યમ છે.
સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો. માત્ર શબ્દો સાથે નહીં, છબીઓ સાથે પણ છેડછાડ કરીને જાતભાતનો કુપ્રચાર ઠાલવવામાં આવે છે. રાજકીય પક્ષના આઇ.ટી.સેલ તરીકે ઓળખાતી પાંખનું કામ જ આ છે. કોઈ પણ મુદ્દાને શી રીતે કોમી, જાતિવાદી, પ્રાદેશિક, રાષ્ટ્રદ્રોહ કે અન્ય કયો રંગ આપવો એમાં આ પાંખ માહેર છે.
આઇ.ટી.સેલનું મુખ્ય કામ જ આ હોવાથી તેની પાસે બીજી કોઈ રચનાત્મક અપેક્ષા રાખી શકાય એમ નથી, પણ સમાજમાંના સામાન્ય નાગરિકો આ કુપ્રચારનો ભોગ બનવા લાગે અને તેને સાચો માનવા લાગે ત્યારે પરિસ્થિતિ ચિંતાજનક બનતી હોય છે.
તાજેતરમાં દેશના ગૃહ મંત્રાલયના સાયબર ક્રાઈમ સેલ દ્વારા રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓ પર નજર નાખવા માટે સાયબર સ્વયંસેવકોની નિમણૂક કરવાનો કાર્યક્રમ ઘોષિત કર્યો છે. આરંભિક ધોરણે તે જમ્મુ અને કાશ્મીર તેમજ ત્રિપુરા રાજ્યોમાં અજમાયશી ધોરણે લાગુ કરવામાં આવશે અને પ્રતિભાવને આધારે આગળ જતાં તેને વ્યાપક બનાવવાનો નિર્ણય લેવામાં આવશે.
ભરતી થવા ઈચ્છનાર સ્વયંસેવકોએ પોતાનું નામ, પિતાજીનું નામ, મોબાઈલ ફોનનંબર અને ઈ-મેઈલ સરનામાં જેવી વિગતો પૂરી પાડવાની રહેશે, જેની ચકાસણી કરવામાં નહીં આવે. રાષ્ટ્રવિરોધી સામગ્રી કે પ્રવૃત્તિ કોને ગણવી એ અંગે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે કથિત રાષ્ટ્રવિરોધી ગતિવિધિ હેઠળ કેદ કરવા માટે યુ.એ.પી.એ. કાનૂન અમલી છે જ, જેનો ઉપયોગ પણ છૂટથી કરવામાં આવે છે.
સ્વસ્થ સમજવાળા કોઈ પણ નાગરિકને આ ઘોષણા પાછળનો ઉદ્દેશ સમજાયા વિના રહે નહીં. પડોશીના આંગણામાં ઊગેલાં વૃક્ષનાં પાંદડા ખરીને પોતાના આંગણામાં પડે તો એને પણ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ ગણાવી શકે એવી ક્ષમતા ધરાવતાં નાગરિકો હોય છે. કશી ચકાસણી વિના નાગરિકોને અન્ય નાગરિકો વિરુદ્ધ અહેવાલ આપવાનો અભિગમ કેવાં ગંભીર પરિણામો લાવી શકે એ સમજાવવાની જરૂર ખરી?
આ પગલું રાષ્ટ્રહિતમાં કે રાષ્ટ્રની સુરક્ષા કાજે છે એવું ધારો કે સરકાર કહે તો પણ એ દાવાને જેમનો તેમ માની લેવો ભયાનક ભોળપણ ગણાય. એક નેતા માટેનો પ્રેમ એને સ્થાને છે, પણ એ પ્રેમ સાદી વિવેકબુદ્ધિને કોરાણે મૂકી દે એવો હોય તો ખરેખરી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ એ થઈ ગણાય. પહેલાં ધર્મને નામે, પછી જાતિને નામે અને હવે રાષ્ટ્રપ્રેમના નામે નાગરિકોનું ધ્રુવીકરણ થાય તો સરવાળે એનો લાભ રાજકીય પક્ષો જ ખાટવાના.
અત્યારે કોઈ પણ ઘટના બને કે રાજકીય પક્ષના આઈ.ટી.સેલ તેને પોતાનો ઈચ્છિત રંગ આપવામાં જરાય વાર લગાડતા નથી. હવે નાગરિકો પણ આ કામ કરવા લાગશે તો પરિસ્થિતિ ક્યાં જઈને અટકશે એ કહેવું મુશ્કેલ છે.
પોતાના મનગમતા નેતા એ રાષ્ટ્ર નથી, અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિના નામે તે પોતાની કે પોતાના પક્ષવિરોધી પ્રવૃત્તિને અટકાવવા માટે નાગરિકોને મહોરાં બનાવવાનાં પેંતરા કરે ત્યારે એનાથી મોટી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ કઈ હોઈ શકે? દુષ્પ્રચારની કમાલ એવી હોય છે કે તે પ્રસરે છે ઝડપથી અને વ્યાપક રીતે, કેમ કે, તેને ખોટો સાબિત કરવાનું કામ સામેવાળાનું હોય છે.
ઉત્સાહી થઈને આવા સ્વયંસેવક બનવા નીકળી પડનારાઓએ એ યાદ રાખવું પડે કે રાષ્ટ્રની સુરક્ષા માટે આપણા નેતાઓ શું કરી રહ્યા છે? દેશની જાસૂસી સંસ્થાઓનો ઉપયોગ વ્યક્તિગત હિસાબો વસૂલ કરવા માટે કરી રહ્યા છે કે પછી ખરા અર્થમાં રાષ્ટ્રની સુરક્ષા માટે તેનો ઉપયોગ કરાઈ રહ્યો છે?
દેશ શું માત્ર પાકા રસ્તા અને એ રસ્તા પરના મસમોટા પુલો થકી જ વિકાસ પામેલો યા આગળ વધેલો ગણાય? તેના નાગરિકોનું ઘડતર કરવાને બદલે તેમનું સજ્જડ ધ્રુવીકરણ કરવા તરફની દિશામાં લઈ જવા એને આગળ વધવું ગણાય? એનાથી રાષ્ટ્રનું શું હિત થશે એ તો ખબર નથી, પણ પક્ષીય હિત અવશ્ય સધાવાનું એ નક્કી.
સાનુકૂળ મત ન ધરાવવો એ લોકશાહીની મર્યાદા નહીં, બલ્કે તેની વિશેષતા છે. તેને બદલે એ વિશેષતાને મર્યાદા બનાવવી અને એથી આગળ વધીને તેને રાષ્ટ્રદ્રોહ ઠેરવવાની દિશામાં જવું એ સંકુચિત અને સત્તાખોરીની માનસિકતાનું સૂચક છે.
નાગરિકોએ યાદ રાખવા જેવું છે કે કોઈ પણ પક્ષનું શાસન અખંડ તપતું નથી. એનો જ્યારે અને જે પણ કારણે અંત આવે એ પછી લોકશાહીને થયેલા નુકસાનનો અંદાજ મળે ત્યારે ઘણી વાર બહુ મોડું થઈ ગયું હોય છે. આ ઘોષણા એવી છે કે જેમાં લોકશાહીને નુકસાન કરવામાં ભલે મર્યાદિત, પણ નાગરિકોનું પ્રદાન હોઈ શકે છે.
બંધ બારીએ પડદા પાછળથી જાતો પડોશી પંચાતિયો, જાગરૂક કે અપરસિયો હોઈ શકે, પણ એથી કરીને એની પર દાઝ કાઢવા માટે એ રાષ્ટ્રદ્રોહી હોવાની ફરિયાદ ન કરાય. આટલી સીધી વાત સમજાય તો બહુ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.