Top News

More Posts

   The Latest

Most Popular

પહેલી ફેબ્રુઆરીએ આપણે ત્યાં જ્યારે કેન્દ્રીય બજેટ રજૂ થવાનું હતું તેના કલાકો પહેલા પાડોશના મ્યાનમાર દેશમાં એક મોટી ઘટના બની ગઇ હતી. ત્યાં ચૂંટાયેલી સરકારને બરખાસ્ત કરીને લશ્કરે વહેલી સવારે સત્તા કબજે કરી લીધી હતી. મ્યાનમારના લશ્કરના આ બળવાની ચર્ચા તે સમયે પણ આ સ્થળે થઇ ચુકી છે પરંતુ હવે આ લશ્કરી શાસન પોતાના જ દેશના પ્રજાજનો પ્રત્યે કેવું ક્રૂર વર્તન કરી રહ્યું છે તેની અહીં ચર્ચા કરવાની છે.

૨૦૧૧થી આજના મ્યાનમાર એટલે કે જૂના બર્માની પ્રજા લોકશાહીનો કંઇક સ્વાદ માણી રહી હતી ત્યાં દસેક વર્ષના ગાળા પછી તેને ફરીથી લશ્કરી શાસન વેઠવાનું આવ્યું એટલે દેખીતી રીતે પ્રજા અકળાઇ અને તેણે જોરશોરથી આ શાસનનો વિરોધ કરવા માંડ્યો.

આ વખતે લશ્કરી શાસન સામેનો પ્રજાનો વિરોધ ઘણો ઉગ્ર હતો. શરૂઆતમાં તો લશ્કરી સત્તાવાળાઓએ વિરોધ પ્રદર્શનો સામે હળવે હાથે કામ લીધું પરંતુ પછી સખતાઇ વધારવા માંડી અને વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો પર દમનનો કોરડો સખત રીતે વીંઝવા માંડ્યો.

લશ્કરી સરકારના દમનમાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા હોવાનું કહેવાય છે. લશ્કરી શાસનના જુલમથી બચવા મ્યાનમારથી ભાગીને સેંકડોની સંખ્યામાં લોકો ઇશાન ભારતના વિસ્તારોમાં આવીને ભરાયા છે અને રોહિંગ્યાઓ પછી ભારતે મ્યાનમારના આ બીજા નિરાશ્રિતોને આશરો આપવાનો વારો આવ્યો છે.

હાલમાં શનિવારે જ્યારે મ્યાનમારનો સશસ્ત્ર દળોનો દિન હતો ત્યારે તો વિરોધ પ્રદર્શનકારીઓ સામે લશ્કરી સત્તાએ જુલમ કરવામાં આડો આંક વાળી દીધો અને આખા દેશમાં ડઝનબંધ લોકોને મારી નાખ્યા.

જ્યારે મ્યાનમારના લશ્કરે આ દિવસે દેશની રાજધાનીમાં વાર્ષિક આર્મ્ડ ફોર્સિસ ડે હોલીડેની ઉજવણી એક પરેડ સાથે કરી હતી ત્યારે દેશના અન્ય ભાગોમાં સૈનિકો અને પોલીસોએ દેખાવો દબાવી દેવાના પ્રયાસમાં ડઝનબંધ દેખાવકારોને મારી નાખ્યા હતા અને ગયા મહિને લશ્કરી બળવો થયો તેના પછી આ દિવસ એ સૌથી ઘાતક અને લોહીયાળ દિવસ સાબિત થયો હતો.

યંગોનમાં એક સ્વતંત્ર સંશોધક દ્વારા જારી કરવામાં આવેલી એક ગણતરી મુજબ બે ડઝન શહેરો અને નગરોમાં કુલ ૯૩ જણાને મારી નાખવામાં આવ્યા છે, જ્યારે એક ઓનલાઇન ન્યૂઝ સાઇટ મ્યાનમાર નાવ દ્વારા અહેવાલ આપવામાં આવ્યો છે કે મૃત્યુઆંક ૯૧ પર પહોંચ્યો છે. આ બંને આંકડાઓ અગાઉના ૧૪ માર્ચના તમામ અંદાજો કરતા ઉંચા છે જે અંદાજોમાં ૭૪થી ૯૦નો આંક આવે છે.

પોતાની સુરક્ષા ખાતર પોતાનું નામ નહીં જણાવવાનું કહેનાર સંશોધક દરરોજ દિવસના અંતે મૃત્યુઓનો આંકડો ગણીને મૂકે છે. આ હત્યાઓએ મ્યાનમારના લશ્કરી શાસન માટે વ્યાપક આંતરરાષ્ટ્રીય ટીકાઓ નોતરી છે. બાળકો સહિત નિ:શસ્ત્ર લોકોની હત્યાઓ એ બચાવ નહીં કરી શકાય તેવું પગલું છે એમ મ્યાનમાર ખાતેના યુરોપિયન યુનિયનના ડેલિગેશને કહ્યું હતું.

પરંતુ આવી કોઇ ટીકાઓ કે અભિપ્રાયોની જુન્ટા તરીકે ઓળખાતા મ્યાનમારના લશ્કરી શાસનને પરવા નથી. ઉલટું, આવા આંતરરાષ્ટ્રીય નિવેદનો પછી તો મ્યાનમારના લશ્કરી શાસકોએ પોતાના જ પ્રજાજનો પર હવાઇ હુમલા કર્યા હોવાના પણ અહેવાલો આવવા માંડ્યા છે.

મ્યાનમારમાં લોકશાહી સરકાર સામે લશ્કરે બળવો કરીને સત્તા પ્રાપ્ત કરી ત્યારથી લઇને ગયા શુક્રવાર સુધીમાં સુરક્ષા દળોએ ૩૨૮ લોકોને મારી નાખ્યા હોવાનો અંદાજ એસોસિએશન ઓફ પોલિટિકલ પ્રિઝનર્સ નામની સંસ્થા દ્વારા મૂકવામાં આવ્યો છે.

મ્યાનમારના સશસ્ત્ર દળોના દિનના પોતાના પ્રવચનમાં લશ્કરી જુન્ટના વડા સિનિયર જનરલ મિન ઓંગ હલેઇંગે વિરોધ આંદોલનનું સીધુ નામ લીધું ન હતું પરંતુ જણાવ્યું હતું કે સામાજીક સુરક્ષા અને રાષ્ટ્રની શાંતિને હાનિકારક હોય તેવો ત્રાસવાદ અસ્વીકાર્ય છે.

આ પણ એક વિચિત્ર સ્થિતિ છે. પ્રજા પર ત્રાસ ગુજારતા શાસકો જ દમન સામેના પ્રજાના અવાજને ત્રાસવાદમાં ખપાવવાનો પ્રયાસ કરે છે. આવું મ્યાનમારમાં જ નહીં, વિશ્વમાં અન્યત્ર પણ બને જ છે. મ્યાનમારના લશ્કરી શાસન સામે વિશ્વના અનેક દેશોએ પ્રતિબંધો સહિતના પગલાંઓ ભરવા માંડ્યા છે પણ મ્યાનામારના જડ લશ્કરી શાસકોએ હજી સુધી તો આવા કોઇ પ્રતિબંધોને ગણકાર્યા નથી.

તેમણે શાસન છોડવાનો તો કોઇ સંકેત નથી જ આપ્યો પરંતુ ઉલટા આ શાસન સામે દેખાવો કરનાર પ્રજાજનો પર દમનનો કોરડો વિંઝવાનું ચાલુ રાખ્યું છે. લશ્કરી તાનાશાહો કેટલા ક્રૂર પુરવાર થાય છે તે મ્યાનમારના આ લશ્કરી શાસનની દમન નીતિ પરથી પુરવાર થાય છે.

સદભાગ્યે આપણા ભારત દેશમાં સ્વતંત્રતા પ્રાપ્તિ પછી લોકશાહીનો દીવો સતત પ્રકાશતો રહ્યો છે. ભ્રષ્ટાચાર, ચૂંટણીઓમાં ગેરરીતિઓ વગેરે જો કે અહીં નોંધપાત્ર છે છતાં લોકશાહી જળવાઇ રહેવી એ મોટી રાહતની વાત છે. લોકશાહીમાં પ્રજાની પાસે પોતાના શાસકો બદલવાનો વિકલ્પ રહે છે જે ઘણી મોટી વાત છે. ગમે તેમ પણ લોકશાહી જ શ્રેષ્ઠ શાસન વ્યવસ્થા છે.

To Top