Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: સતત બે વર્ષથી કોરોના ( corona) ની લહેરના કારણે અખાત્રીજના ( akhatrij) પવિત્ર દિવસે યોજવામાં આવતાં લગ્ન કે માંગલિક કાર્યો પર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. આ દિવસે કેટલાક પરિવારોએ મિનિ લોકડાઉન ( mini lockdown) લંબાતાં લગ્ન કે જાહેર સમારંભો મોકૂફ રાખી દીધા છે. આ દિવસે અક્ષય તૃતીયા પર સર્વાર્થસિદ્ધિ અને માનસ યોગ બનશે. જેથી આ દિવસે કરવામાં આવતાં શુભ કામમાં સફળતા મળશે.


શુક્રવારે વૈશાખ મહિનાના સુદ પક્ષની ત્રીજ તિથિ છે. જેને અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ પર્વ તરીકે ઉજવવામાં આવે છે. આ તિથિએ કરેલું કોઈપણ શુભ કાર્ય સફળ થાય છે. જેથી ત્રીજનાં લગ્ન, ગૃહ પ્રવેશ, નવો વેપાર, પૂજા પાઠ તેમજ સોનાની ખરીદી માટે શ્રેષ્ઠ મનાય છે. પરંતુ કોરોનાના કારણે અખાત્રીજે શુભ કાર્યો પર ગ્રહણ લાગ્યું છે. જ્યોતિષાચાર્ય મનન પંડ્યાના મતે શુક્રવારે અક્ષય તૃતિયા તિથિએ પૂજાનું મુહૂર્ત સવારે 5:38થી 12:18 સુધી અને 12:23થી 14:02 સુધી રહેશે. આ વર્ષે અક્ષય તૃતીયા પર સર્વાર્થસિદ્ધિ અને માનસ યોગ બનશે. આ દિવસે કરવામાં આવતું સ્નાન-દાન અને પૂજા-પાઠનું અક્ષય ફળ મળશે. આ વર્ષે પણ અક્ષય તૃતીયાના દિવસે રોહિણી નક્ષત્ર અને મૃગશિરા નક્ષત્રનો સંયોગ બનવો શુભ રહેશે. જેથી આ દિવસે કરવામાં આવતાં શુભ કામમાં સફળતા મળશે. આ વર્ષે અક્ષય તૃતીયાના દિવસે મહામારીના કારણે માંગલિક આયોજન અને સામૂહિક કાર્યક્રમોથી બચીને ઘરમાં જ પૂજા-પાઠ કરવા જોઇએ. સાથે જ લગ્ન અને અન્ય માંગલિક કાર્યોને ટાળી દેવા જોઇએ.

અખાત્રીજના દિવસે પરશુરામ જયંતી ( parshuram jaynti) ઉજવવામાં આવે છે. કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખીને શહેરના બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાત સંલગ્ન બ્રહ્મ યુવા સંગઠન આયોજીત ભગવાન પરશુરામ જન્મોત્સવનું બે સ્થળો પર મર્યાદિત સંખ્યામાં કાર્યક્રમ યોજાશે અને તેનું ફેસબુક લાઇવ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અડાજણ પરશુરામ ગાર્ડન સ્થિત પરશુરામ પ્રતિમાની ષોડશાપચારની પૂજન વિધિ સાથે ધજા ચડાવવાનો અને ભગવાનનો શણગાર કાર્યક્રમ સવારે 7.15 કલાકે કરવામાં આવશે. બીજો કાર્યક્રમ પાલ સ્થિત પરશુરામની ચલિત મૂર્તિનો અભિષેક અને પાદુકાનું પૂજન સવારે 08 થી 8.30 વાગ્યા સુધી કરવામાં આવશે. જે સમાજના પેજ ‘બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાત’ ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવશે તેવું યુવા અધ્યક્ષ જયદીપ ત્રિવેદીએ જણાવ્યું હતું.

To Top