Top News

More Posts

   The Latest

Most Popular

વ્યારા: તાપી જિલ્લા (TAPI DISTRICT) માં કોરોના સંક્રમણ (CORONA INFECTION) અટકાવવા અન્ય રાજ્યોમાંથી અવરજવર કરનારાઓ માટે આરટીપીસીઆર રિપોર્ટ (RT-PCR REPORT) ફરજિયાત હોવાના તાપી કલેક્ટરે બહાર પાડેલા ફતવાનો ગુજરાતની સરહદ પર બેફામ રીતે ઉલ્લંઘન થઇ રહ્યું છે. જેમાં મહારાષ્ટ્રથી રોજની 15-20 જેટલી લક્ઝરી બસો ગુજરાતમાં ઘૂસી રહી છે. જેમાં મોટા ભાગના લોકો પાસે આવા આરટીપીસીઆરના કોઈ રિપોર્ટ જોવા મળતા નથી. વહીવટી તંત્ર દ્વારા સરહદ પર તેની ઊંડાણપૂર્વકની ચકાસણી પણ કરાતી નથી. મુખ્ય માર્ગ પર પોલીસ કે આરોગ્ય વિભાગ ચેકિંગ (HEALTH DEPARTMENT CHECKING) કરે તો તેઓ જંગલના આંતરિક રસ્તા પરથી પસાર થઈ જાય છે.

ગુજરાતમાં સુરત‌-ધુલિયા માર્ગે તેમજ સોનગઢ-ઓટા રોડ થઇ દોડતી ખાનગી બસો સામે કોઇ કાર્યવાહી થતી નથી. આ જંગલના રસ્તાઓ પર કોઈ પણ પ્રકારનું ચેકિંગ થંતુ નથી. પોઝિટિવ દર્દીને કોઈ પણ સંજોગે તાપી જિલ્લામાં પ્રવેશ અપાય નહીં એ માટેની ખાસ તકેદારીના આદેશ કરાયા છે. ત્યારે આ ગુજરાતની સરહદ પરથી રોજની 20 જેટલી ખાનગી લક્ઝરી બસો મહારાષ્ટ્રથી છેક સુરત સુધી જાય છે. જેમાં મોટા ભાગના ડ્રાઈવર-કન્ડક્ટર પણ રિપોર્ટ કરાવતા નથી. હાલ તો આ બસો કોની પરમિશનથી મહારાષ્ટથી ગુજરાતમાં રાતોરાત થતી ઘૂસણખોરીની તપાસ થવી જરૂરી છે.

આટલું ઓછું હોય તેમ આ ખાનગી બસોમાં મુસાફરો પણ ખીચોખીચ ભરેલા હોય છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાતું નથી. હાલ સરકારી બસોને ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં જતા અટકાવી દેવામાં આવી છે. અન્ય રાજ્યોની સરકારી બસોને પણ પ્રવેશ અપાતો નથી, પછી આ ખાનગી બસો પર કોઇ અંકુશ કેમ મુકાયો નથી ? ગંભીર તપાસ માંગી લે તેમ છે. તાજેતરમાં મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવતી ૪૦ જેટલી લક્ઝરી બસો નવાપુરમાં અટકાવવામાં આવી હતી. તેમાં એકેય પાસે આરટીપીસીઆરના રિપોર્ટ ન હતા. જ્યારે ગુજરાતમાં આ રીતે બસો અટકાવવામાં આવી હોય તેવો એક પણ કિસ્સો પ્રકાશમાં આવ્યો નથી.

To Top