Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: (Surat) રાતે આઠ વાગે કરફ્યુ લાગુ થાય તે પહેલા ઘરે પહોંચવાની ઉતાવળમાં વરાછા રચના સર્કલ પાસે છેલ્લા બે દિવસથી વાહનોની ભીડ સાથે ટ્રાફિક જામ થવાના વીડિયો વાયરલ થયા પછી વહીવટી તંત્રએ સુરત ડાયમંડ એસોસિયેશનને (Surat Diamond Association) કારખાનાઓ તબક્કાવાર બંધ કરવા અને કારીગરોને તે મુજબ સાંજ છથી સાત વાગ્યા દરમિયાન ઘરે મોકલવા આયોજન કરવા જણાવ્યું હતું. તેને પગલે સુરત ડાયમંડ એસોસિયેશન દ્વારા તાકીદની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

એસોસિયેશનના સેક્રેટરી દામજી માવાણીએ જણાવ્યું હતું કે સુરતના બન્ને હીરા બજારોમાં આવેલા સેઇફ ડિપોઝીટ વોલ્ટ જે સવારે દસ વાગ્યે ખુલતા હતા તેનો સમય વહેલો કરવામાં આવ્યો છે. સવારે 8-30 થી સાંજે 6 વાગ્યા સુધી સેઇફ ડિપોઝિટ વોલ્ટનો ઉપયોગ કરી શકાશે. જેથી હીરા અને રોકડ કાઢવામાં લાઇનો ન લાગે. તે ઉપરાંત સાંજે હીરાના કારખાનાઓની પાળી છૂટ્યા પછી વરાછા રોડ અને કતારગામ વિસ્તારમાં જે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. તેના ઉકેલ માટે ડાયમંડ કંપનીઓને જુદા-જુદા સમયે રત્નકલાકારોને ઘરે મોકલવા જણાવવામાં આવ્યુ છે. સુત્રોના જણાવ્યા મુજબ સાંજે છ વાગ્યાના સમયથી કારીગરોને ઘરે મોકલવાનું આવતી કાલથી શરૂ કરાશે.

મીટિંગ બાદ સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ નાનુ વેકરીયાએ જણાવ્યું હતું કે, હીરાના કારખાના અને હીરાનું બજાર સાંજે 7 વાગ્યે બંધ થાય છે. ત્યારે એકસામટા લોકો રસ્તા પર ઉતરી આવી ઘર તરફ જતા હોય છે. સામાન્ય દિવસોમાં પણ આ એકથી દોઢ કલાકમાં વરાછામાં ભારે ટ્રાફિક રહેતું હોય છે, ત્યારે 8 વાગ્યાના રાત્રિ કરફ્યૂના લીધે સમસ્યા વકરી છે. લોકો ઘરે જવા ઉતાવળા બન્યા હોય આડેધડ વાહનો દોડતા હોવાથી ટ્રાફિક જામ થાય છે. આજની મીટિંગમાં અમે દલાલ અને કારખાનેદાર આગેવાનોને એવી વિનંતી કરી છે કે સાંજે 6 વાગ્યાથી જ રત્નકલાકારો અને કર્મચારીઓને તબક્કાવા રજા આપી દેવામાં આવે, જેથી ઘરે જવા માટે બે કલાકનો સમય મળી રહે અને બિનજરૂરી ટ્રાફિકને ટાળી શકાય.

પીક અવર્સમાં લકઝરી બસ મુખ્ય માર્ગો પર આવતી હોવાથી વરાછામાં ટ્રાફિક જામ થાય છે
દરમિયાન આજે ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ રમેશ ઝિલરીયા અને ભાવેશ ટાંકે કલેક્ટરને, પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી માંગ કરી છે કે રત્નકલાકારોને સાંજે છ વાગ્યા પછી તબક્કાવાર ઘરે જવા દેવામાં આવે તો ટ્રાફિક જામના પ્રશ્નો ઉભા થશે નહી તે ઉપરાંત પીક અવર્સમાં લક્ઝરી બસ ટ્રાવેલ્સ સંચાલકો મુખ્ય માર્ગો પર લાવે છે તેને લીઘે પણ વરાછા રોડથી સરથાણા સુધી જામ થાય છે.

To Top