Top News

More Posts

   The Latest

Most Popular

રાજપીપળા: ઉપરવાસના સાગબારા (Sagbara) અને ડેડીયાપાડા (Dadiapada) તાલુકામાં ભારેથી અતિભારે વરસાદના (Heavy Rain) કારણે કરજણ (Karjan) જળાશયની (Dam) સપાટી 108.52 મીટરે નોંધાઇ હતી. કરજણ જળાશયમાંથી અંદાજે 3 લાખ ક્યુસેક પાણીના ઇન્ફલો સામે 9 દરવાજા મારફત હાલમાં 2 લાખ ક્યુસેક પાણીની જાવક શરૂ કરાઈ છે. ત્યારે કરજણ ડેમનાં ધસમસતા પાણીના પ્રવાહમાં રાજપીપળાનો (Rajpipla) એક યુવાન અને એક યુવતી તણાઈ ગયા હતા, જ્યારે એમની સાથે આવેલા અન્ય 3 લોકો બચી જવા પામ્યા હતા.

  • રાજપીપળાનો માછી પરિવાર સેલ્ફી લઇ રહ્યો હતો તે વેળા પાણીનો પ્રવાહ વધી ગયો
  • અચાનક ડેમનો ગેટ ખુલી જતા પરીવારના સાળી-બનેવી પાણીમાં તણાયા
  • પત્ની સહિત અન્ય 2 યુવાનોનો આબાદ બચાવ થયો
  • નર્મદા જિલ્લાનું વહીવટીતંત્ર, એસ.ડી.આર.એફ ની ટીમે પાણીમાં તણાયેલા લોકોનું રેસક્યું હાથ ધર્યું
  • કરજણ ડેમમાંથી 3 લાખ ક્યુસેક પાણીના ઇન્ફલો સામે 9 દરવાજા મારફત હાલમાં 2 લાખ ક્યુસેક પાણીની જાવક

રાજપીપળા લીમડા ચોક વિસ્તારના સંજય રમેશ માછી પોતાની પત્ની યોગિની માછી, સાળી દીક્ષિતા માછી અને ફડીયા દક્ષેસ પ્રવીણ માછી તથા જૈમિન પ્રવીણ માછી કરજણ ડેમના ગેટની સામેની બાજુએ પાણી જોવા અને ફોટો શૂટ કરાવવા આવ્યા હતા. બપોર સુધી કરજણ ડેમનાં 7 દરવાજા ખોલાયા હતા, હવે જ્યારે તેઓ ત્યાં ફોટો શૂટ કરી રહ્યા હતા ત્યારે અચાનક કરજણ ડેમનો અન્ય ગેટ ખુલતા એમાંથી અચાનક આવેલા ધસમસતા પાણીના પ્રવાહમાં સંજય રમેશ માછી અને એમની સાળી દીક્ષિતા માછી તણાઈ ગયા હતા, જ્યારે એમની પત્ની સહિત અન્ય 2 યુવાનોનો આબાદ બચાવ થયો હતો.

આ ઘટનાની જાણ થતાં નર્મદા જિલ્લા પોલીસવડા પ્રશાંત સુંબે, ડી.વાય.એસ.પી એસ.જે.મોદી, ભાજપ સાંસદ મનસુખ વસાવા, નીલ રાવ સહિત પાણીમાં તણાઈ ગયેલા લોકોના પરિવારજનો ત્યાં આવી પહોંચ્યા હતા.આ ઘટનાને પગલે નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે અને ભાજપ સાંસદ મનસુખ વસાવાએ લોકોને જ્યાં પાણીથી ખતરો હોય એવી તમામ જગ્યાઓ પર હાલમાં ન જવાની અપીલ કરી હતી.હાલની સ્થિતિએ એસ.ડી.આર.એફ ની ટીમ દ્વારા પાણીમાં તણાઈ ગયેલા યુવાન અને યુવતીની શોધખોળ હાથ ધરી છે, મળતી માહિતી મુજબ હજુ સુધી એમનો કોઈ પતો લાગ્યો નથી.

To Top