Dakshin Gujarat

દમણગંગા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા દમણ અને સેલવાસના રસ્તા બંધ કરાયા

સેલવાસ-દમણ : સમગ્ર વલસાડ (Valsad) જિલ્લાની સાથે સંઘપ્રદેશ દમણ (Daman) અને સેલવાસમાં (Selvas) છેલ્લા 4 દિવસથી ભારે વરસાદ (Rain) વરસી રહ્યો છે. ત્યારે છેલા 24 કલાક દરમ્યાન ઉપરવાસમાં પડી રહેલા અતિ ભારે વરસાદને પગલે નદી- નાળાઓ અને કૉઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મધુબન ડેમમાં (Madhuban Dam) પણ મોટા પ્રમાણમાં પાણીની આવક વધતા સોમવારે સવારથી ડેમના 10 દરવાજા 4 મીટરના અંતર પર ખોલી 1.5 લાખથી વધુ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાતાં દમણગંગા (Damanganga) નદીએ (River) રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેને લઇ સેલવાસના રિવરફ્રન્ટને બંધ કરાયો હતો. રખોલી બ્રિજના એક તરફના પૂલને પણ સુરક્ષાના પગલે લોકોની અવરજવર માટે પોલીસે બેરિગેટ્સ મૂકી બંધ કર્યો હતો. જ્યારે દમણગંગા નદી કિનારે આવેલા ગામોના લોકોને સતર્ક કરી કિનારે નહીં જવાની સલાહ આપવામાં આવી હતી.

  • ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે ડેમમાંથી પાણી છોડાતાં સેલવાસ રિવરફ્રન્ટ અને રખોલીનો બ્રિજ બંધ
  • દાનહમાં 8.13 ઈંચ અને દમણમાં 3.80 જેટલો દેમાર વરસાદ ઝીંકાયો

દમણમાં પણ તમામ પરિસ્થિતિને પહોંચવા માટે પ્રશાસનને તમામ તૈયારીઓ રાખી પાણીના પ્રવાહ પર નજર રાખી નદી કિનારે રહેતા લોકોને સતર્ક રહેવા સૂચન કર્યું હતું. દમણમાં સોમવારના રોજ સવારે 8 થી સાંજે 5 દરમ્યાન 3.80 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે 24 કલાક દરમ્યાન દમણમાં 2.26 ઈંચ વરસાદ પડયો હતો. આ તરફ દાનહમાં સવારે 8 થી સાંજે 5 દરમ્યાન 4.22 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે 24 કલાક દરમ્યાન દાનહમાં 8.13 ઈંચ જેટલો દેમાર વરસાદ ઝીંકાયો હતો. મધુબન ડેમમાં સોમવારના રોજ સાંજે 5 વાગ્યા દરમ્યાન 1,60,799 ક્યુસેક પાણીની આવક થવા પામી હતી. જ્યારે ડેમના 10 દરવાજાને 4 મીટરના અંતરે ખોલી 1,46,718 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેને લઈ ડેમની સપાટી 72.80 મીટર પર પહોંચી જવા પામી છે.

ઉમરપાડામાં અનેક લોકોનું સ્થળાંતર, સુરત જિલ્લામાં 28 માર્ગો બંધ થઈ ગયા
સુરત : સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઉપરાંત આગામી ભારે વરસાદની આગાહી પણ છે. સોમવારે છેલ્લા 12 કલાકમાં સૌથી વધુ ઉમરપાડામાં 14 ઇંચ, માંગરોળમાં 5 ઇંચ,ઓલપાડમાં બે ઇંચથી વધુ, કામરેજમાં 38 એમએમ, ચોર્યાસી તાલુકામાં 19 એમએમ, પલસાણા તાલુકામાં 62 એમએમ, બારડોલી તાલુકામાં 38 એમએમ, મબુવામાં 71 એમએમ, માંડવીમાં 71 એમએમ અને સુરત સિટી તાલુકામાં 59 એમએમ વરસાદ વરસ્યો છે. વરસાદ તેમજ આગાહીને ધ્યાનમાં લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે લેવામાં આવી રહેલા પગલાઓની માહિતી જિલ્લા કલેક્ટર આયુષ ઓકે આપી છે.

તેઓએ જણાવ્યું હતું કે, ભારે વરસાદના કારણે સુરત જિલ્લામાં કોઝવે પરના તેમજ નાળા પરના મળીને 28 રસ્તાઓને બંધ કરવામાં આવ્યા છે. ઉમરપાડા તાલુકામાં 14 ઈંચ વરસાદ પડવાને કારણે તાલુકાના આઠ જેટલા મોટા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. ઉમરપાડાના ૫૬ જેટલા ગામોમાં કાચા મકાનોમાં રહેતા રહીશોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. જયારે આ ગામોમાં આવેલા તળાવ, જળાશયો, ડેમોમાં કોઈ પણ માછીમારી ન કરે તે અંગેની સુચનાઓ પણ ગ્રામજનોને આપવામાં આવી છે. હાલ જિલ્લામાં કોઈ માનવની જાનહાનિ ન હોવાનું કલેક્ટરે જણાવ્યું હતું.

કલેક્ટર આયુષ ઓકે વધુમાં જણાવ્યું હતું કે, ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે કાકરાપાર વિયરમાંથી ૬૦,૦૦૦ કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે હરિપુરા કોઝવેને બંધ કરવામાં આવ્યો છે. એન.ડી.આર.એફની વધારાની એક ટીમ વડોદરાથી આવી આવી છે. તેને ઓલપાડ ખાતે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. વધુ એક એસ.ટી.આર.એફ.ની ટીમ મંગાવવામાં આવી છે જે માંગરોળમાં સ્ટેન્ડબાય રાખવામાં આવશે.ઉલ્લેખનીય છે કે પાંચ તાલુકાના ૨૮ નદી-નાળાના રસ્તાઓ બંધ કરાતા તકેદારીના ભાગરૂપે પોલીસ, હોમગાર્ડ, જી.આર.ડી. જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.

Most Popular

To Top