National

મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી ગોદાવરી નદી બે કાંઠે, 3 તણાયા

મુંબઈ: મહારાષ્ટ્ર(Maharashtra)માં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી નાશિક(Nasik) શહેર સહિત પેઠ, સૂરગાણા, નિફાડ, કળવણ, બાગલાણ, દિંડોરી,ત્ર્યંબકેશ્વર, ઇગતપુરી વગેરે  ગામોમાં જાણે કે આભ ફાટયું હોય તેવો અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સતત પડી રહેલા મૂશલાધાર વરસાદ(Heavy Rain)ના કારણે ગડચિરોલી જિલ્લામાં 3 લોકો ગુમ થયા હતા.  ભારે વરસાદના કારણે નાસિક જિલ્લામાં કેટલીક નદીઓની જળ સપાટી વધી હતી જ્યારે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડયો હતો. મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો હતો. સમગ્ર જિલ્લામાં મુશળધાર વરસાદને કારણે અનેક નદીઓનાં જળસ્તર વધી ગયાં હતા અને ગોદાવરી નદી(Godavari river)ના પટ પર સ્થિત ઘણાં મંદિરો ડૂબી ગયાં હતાં.

ગડચિરોલીમાં 3 લોકો તણાયા
ભારતીય હવામાન ખાતાએ નાસિક જિલ્લા માટે 14 જુલાઈ સુધી ‘રેડ અલર્ટ’ જાહેર કર્યું છે અને અતિથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ગડચિરોલી જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં બંને કાંઠે વહી રહેલા નદી – નાળાઓમાં 6 લોકો તણાઈ ગયા હતા. જ પૈકી ૩ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે અન્ય 3 લોકો હજુ પણ ગુમ છે. અધિકારીએ જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં નાસિક જિલ્લામાં સરેરાશ 68.4 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જેમાં સુરગણામાં સૌથી વધુ 238.8 મિમી, પેથ 187.6 મિમી અને ત્ર્યંબકેશ્વરમાં 168 મિમી વરસાદ નોંધાયો હતો.

આ રીતે પૂરની તીવ્રતા માપવામાં આવે છે
અધિકારીએ ઉમેર્યું હતું કે, ”ત્ર્યંબકેશ્વર અને ઇગતપુરી જેવા ઘાટ વિસ્તારોમાં પરંપરાગત રીતે ભારે વરસાદ પડે છે, પરંતુ આ વખતે સુરગણા અને પેઠમાં પણ નોંધપાત્ર વરસાદ થયો છે. ડેમમાંથી પાણી છોડવાને કારણે જળસ્તર વધુ વધવાની ધારણા છે.” ગંગાપુર ડેમમાંથી કુલ 10,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે, જ્યારે ચણકાપુર ડેમમાંથી 19,266 ક્યુસેક અને દારણા ડેમમાંથી 15,080 ક્યુસેક પાણી છોડવામાં આવશે. નાસિકના રહેવાસીઓ નદીના પટ પર સ્થિત દુતોંડ્યા મારુતિ એટલે બે માથાવાળા હનુમાનજીની મૂર્તિની આસપાસના પાણીના સ્તરને જોઈને પૂરની તીવ્રતા માપે છે. હાલમાં, પાણીનું સ્તર મૂર્તિની કમરથી થોડું નીચે છે. ગોદાવરીના કિનારે આવેલાં ગામડાંઓ તેમજ અન્ય કેટલીક નાની નદીઓના રહેવાસીઓને પરિસ્થિતિ અંગે ચેતવણી આપવામાં આવી છે, જોકે હાલમાં પાણીની સપાટી ભયજનક સપાટીના નિશાનથી નીચે છે.

Most Popular

To Top